માલદીવના વિપક્ષે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુના નેતૃત્વવાળી સરકારની ‘ભારત નીતિ’માં અચાનક આવેલા પરિવર્તનનું સ્વાગત કર્યું છે. વિપક્ષી પાર્ટીના નેતાએ મુઈઝુની ભારત તરફી નીતિની પ્રશંસા કરતાં કહ્યું છે કે, માલદીવને હંમેશાથી વિશ્વાસ છે કે, જ્યારે પણ તે ‘ઇન્ટરનેશનલ 911’ ડાયલ કરશે, તો સૌથી પહેલો ઉત્તર ભારત તરફથી જ આવશે. માલદીવની સૌથી મોટી વિપક્ષી પાર્ટી ‘માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી’ (MDP)એ રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુની ‘ભારત નીતિ’માં આવેલા પરિવર્તનને યોગ્ય ગણાવ્યું છે અને ભૂતકાળમાં મુઈઝુની પાર્ટીએ કરેલી ભૂલો માટે ભારતની માફી માંગવાની માંગણી કરી છે.
MDPના અધ્યક્ષ અબ્દુલ્લા શાહિદે શનિવારે (10 ઑગસ્ટ) વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી. નોંધનીય છે કે, વિદેશ મંત્રી ત્રણ દિવસ માટે માલદીવની આધિકારિક યાત્રા પર છે. તે દરમિયાન બંને નેતાઓ વચ્ચે મુલાકાત થઈ હતી. મુલાકાત બાદ શાહિદે નિવેદન આપીને મુઈઝુ સરકારની ‘ભારત નીતિ’માં આવેલા પરિવર્તનની સરાહના કરી હતી. તેમણે કહ્યું હતું કે, માલદીવ તે વાતને લઈને હંમેશા આશ્વસ્થ રહ્યું છે કે, દેશ પર જ્યારે પણ સંકટ આવશે અને તેઓ મદદ માટે પોકારશે તો ભારત સૌથી પહેલાં તેની સહાયતા કરશે.
MDP અધ્યક્ષ અબ્દુલ્લા શાહિદ કહ્યું કે, તેમની પાર્ટીની માંગણી છે કે, મુઈઝુ સરકાર પોતાના અધિકારીઓ અને મંત્રીઓના કૃત્યો, જુઠ્ઠાણું અને બેજવાબદાર નિવેદનો માટે જાહેરમાં ભારતની માફી માંગે, તે નિવેદનોના કારણે માલદીવને વિદેશ અને આર્થિક ક્ષેત્રે ઘણું નુકસાન થયું છે. તેમણે વધુમાં કહ્યું કે, “તાજેતરની સરકાર દ્વારા ભારત વિરુદ્ધ આક્રમક નારા લગાવવા, મજાક ઉડાવવી અને ભારતવિરોધી ભાવનાઓને ભડકાવવાના કારણે માલદીવની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાને ભારે નુકસાન થયું છે, આર્થિક નુકસાન પણ થયું છે અને અન્ય પણ ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો છે. તેવામાં હવે રાષ્ટ્રપતિ મુઈઝુ સરકારની માલદીવ-ભારત નીતિમાં અચાનક પરિવર્તન આવ્યું છે, તો MDP તેનું સ્વાગત કરે છે.”
ઉલ્લેખનીય છે કે, એસ જયશંકરે માલદીવમાં ભારતની મદદથી અનેક પરિયોજનાનું લોકાર્પણ કર્યું છે. આ મુઈઝુના શાસનમાં કોઈ મોટા ભારતીય નેતાની પહેલી યાત્રા પણ છે. આ ઉપરાંત ભારત સરકારની મદદથી શરૂ થયેલી પરિયોજનાઓથી માલદીવના અનેક લોકોને તેનો સીધો લાભ પણ મળશે. આ બધા કારણોસર માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ ભારતની પ્રશંસા કરવાનું શરૂ કરી દીધું છે. તેમણે ભારતને માલદીવનો સૌથી નજીકનો સહયોગી દેશ ગણાવ્યો છે અને બંને દેશો વચ્ચે ઐતિહાસિક અને ઘનિષ્ઠ સંબંધોને મજબૂત કરવા માટેની પોતાની સરકારની પ્રતિબદ્ધતા પણ દર્શાવી છે.
નોંધનીય છે કે, તાજેતરના સમયમાં માલદીવ અને ભારત વચ્ચેના સંબંધોમાં ખટાશ જોવા મળી હતી. કટ્ટર ચીન સમર્થક અને ‘ઇન્ડિયા આઉટ’ના કેમ્પેઇન સાથે સત્તામાં આવેલા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુના સત્તામાં આવ્યા બાદ ભારત અને માલદીવના સંબંધોમાં તિરાડ પડી હતી. ગયા વર્ષે પદની શપથ લીધા બાદ તરત જ તેમણે ભારતીય સેનાને પરત પોતાના દેશમાં જવા માટે કહ્યું હતું. તે પહેલાં લક્ષદ્વીપ અને માલદીવને લઈને પણ ભારે વિવાદ ઊભો થયો હતો, જેમાં મુઈઝુના બે મંત્રીઓએ વડાપ્રધાન મોદી માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. જોકે, બાદમાં તે બંને મંત્રીઓને પદ પરથી હટાવી દેવાયા હતા.