રશિયા-યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધ વચ્ચે એક મોટો વળાંક આવ્યો છે. અહીં ખાનગી સૈન્ય જૂથ વૈગનર ગ્રુપે રશિયાની જ સેના સામે મોરચો માંડી દીધો છે. ગ્રુપના ચીફ યેવગેની વિક્ટરોવિચ પ્રિગોઝિને રશિયન સેના સામે વિદ્રોહ કરીને પોતાના 25 હજાર સૈનિકોને મોકલી આપ્યા હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ, રશિયામાં બળવો થતાં સેના પણ સતર્ક થઇ છે અને મૉસ્કોની સુરક્ષા વધારવામાં આવી રહી છે.
Latest: Putin’s Private Army Wagner PMC Group has announced that they have Captured the Southern Military District Headquarters within the City of Rostov-on-Don in the Rostov Region of Southwestern Russia. pic.twitter.com/cyk9BD8Qc7
— Aditya Raj Kaul (@AdityaRajKaul) June 24, 2023
શનિવારે પ્રિગોઝિને જાહેર કર્યું હતું કે, તેમના લડાકુ સૈનિકો યુક્રેનમાંથી રશિયા આવી ગયા છે અને મૉસ્કોની સેના (રશિયન સેના) સામે લડવા માટે તૈયાર છે. તેના થોડા કલાકો પહેલાં જ રશિયન સરકારે તેમની ઉપર સૈન્ય વિદ્રોહ કરવાનો આરોપ લગાવ્યો હતો. વૈગનર ચીફનો દાવો છે કે તેમના સૈનિકો રશિયાના રોસ્તોવ શહેરમાં ઘૂસી ગયા છે અને અહીં તેમણે સેના મુખ્યમથક અને એરપોર્ટ સહિત શહેરનાં અન્ય સૈન્ય સ્થળોને કબ્જે કરી લીધાં છે. તેમણે કહ્યું કે, જે કોઈ પણ તેમના માર્ગમાં વચ્ચે આવશે તેને તેઓ ખતમ કરી નાંખશે.
ઘણા સમયથી પ્રિગોઝિન અને રશિયન સેનાના મુખ્ય અધિકારીઓ વચ્ચે ખટરાગ ચાલી રહ્યો હતો, જે હવે સૈન્ય વિદ્રોહમાં પરિણમતો જોવા મળી રહ્યો છે. જેને લઈને રશિયાની FSB સેક્યુરીટી સર્વિસે વૈગનર ચીફ સામે કેસ દાખલ કરવાની તૈયારીઓ કરવા માંડી છે તો બીજી તરફ તેમની ધરપકડના પણ આદેશ આપી દેવાયા છે. સેનાએ ખાનગી જૂથના લડાયકોને અપીલ કરી છે કે તેમના ચીફના આદેશનું પાલન ન કરે. રશિયાના યુક્રેન કેમ્પેઈનના ડેપ્યુટી કમાન્ડર સર્ગેઈ સુરોવિકિને એક વિડીયો સંદેશમાં વેગનર લડાયકોને કહ્યું હતું કે, તેઓ પુતિનના આદેશનું પાલન કરે અને તેમના બેસમાં પરત જતા રહે. તેમણે કહ્યું કે, રાજકીય અસ્થિરતા સર્જવી એ રશિયાના દુશમનોના હાથમાં રમવા બરાબર હશે.
BREAKING: Footage of Wagner Group forces arriving at military headquarters in Rostov, Russia.pic.twitter.com/yRzi0PAfsj
— The Spectator Index (@spectatorindex) June 24, 2023
રિપોર્ટ્સ અનુસાર, રશિયાની રાજધાની મૉસ્કોમાં શુક્રવારે રાત્રેથી જ સરકારી ઇમારતો, ટ્રાન્સપોર્ટ ફેસિલિટી અને અન્ય મહત્વનાં સ્થળોએ સુરક્ષા વધારી દેવામાં આવી છે. મૉસ્કોમાં ટેન્કો પણ તહેનાત કરવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે. સ્થાનિક મેયરે લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. આ સમગ્ર ઘટનાક્રમને લઈને વ્લાદિમીર પુતિનને પણ માહિતગાર કરવામાં આવી રહ્યા છે અને શક્યતા છે કે તેઓ થોડીવારમાં એક રાષ્ટ્રજોગ સંબોધન પણ કરશે.
રશિયામાં બળવો કરનાર વૈગનર ગ્રુપ એ ત્યાંનું એક ખાનગી સેના જૂથ છે, જે રશિયાની અધિકારીક સેના સાથે મળીને યુક્રેનમાં મિલિટરી ઓપરેશન ચલાવી રહ્યું છે. તેના પ્રમુખ પ્રિગોઝિનને એક સમયે વ્લાદિમીર પુતિનના નજીકના વ્યક્તિ માનવામાં આવતા હતા પરંતુ છેલ્લા થોડા સમયથી તેમણે રશિયન સેનાની ટીકાઓ કરવાનું શરૂ કરી દીધું હતું. શુક્રવારે તેમણે રશિયાની સેના પર તેમના સૈનિકો પર મિસાઈલ હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે, તેઓ તે બદલ રશિયન સેનાને સજા આપશે. બીજી તરફ સૈન્ય અધિકારીઓએ આ આરોપો નકારી દીધા હતા.