22 જાન્યુઆરીએ રામ મંદિર અયોધ્યામાં ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. દેશ અને દુનિયામાં તેને લઈને ઉત્સાહ દેખાઈ રહ્યો છે. દેશમાં પણ અનેક લોકો પ્રભુ શ્રીરામના આગમન માટેની તૈયારીઓ કરી રહ્યા છે. તેવામાં હવે વિશ્વના અન્ય દેશો પણ પ્રાણપ્રતિષ્ઠા સમારોહને લઈને ઉત્સાહ સેવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, ભારતના મિત્ર દેશ મોરિશિયસે પણ જાહેરાત કરી છે કે, 22 જાન્યુઆરીના રોજ સરકારી કર્મચારીઓને વિશેષ 2 કલાકનો વિરામ આપવામાં આવશે. મોરિશિયસ સરકારે હિંદુ ધર્મને અનુસરતા સરકારી કર્મચારીઓને 2 કલાકનો વિરામ આપવાનો નિર્ણય લીધો છે.
શુક્રવારે (12 જાન્યુઆરી, 2024) આફ્રિકી દેશ મોરિશિયસે 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈને હિંદુ ધર્મના તમામ સરકારી કર્મચારીઓને 2 કલાકનો વિરામ આપવાની જાહેરાત કરી હતી. હિંદુ સામાજિક-સાંસ્કૃતિક સંગઠનોએ આ માટે સરકારને વિનંતી કરી હતી. જે બાદ મોરિશિયસ સરકારે આ વિનંતીનો સ્વીકાર કર્યો છે. તાજેતરમાં જ મોરિશિયસ સનાતન ધર્મ મંદિર ફેડરેશને દેશના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જગન્નાથને એક પત્ર લખ્યો હતો. ફેડરેશને પત્રમાં લખ્યું હતું કે, રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહનો દિવસ હિંદુ ધર્મ માટે ખૂબ જ અગત્યનો અને વિશેષ છે. આવી સ્થિતિમાં, 22 જાન્યુઆરીના રોજ હિંદુ કર્મચારીઓને સમારોહનું જીવંત પ્રસારણ જોવા અને ધાર્મિક વિધિઓ કરવા માટે 2 કલાકનો વિરામ આપવો જોઈએ. જે બાદ મોરિશિયસ સરકારે આ માટેની સત્તાવાર જાહેરાત કરી હતી.
BREAKING: Mauritius Govt grants two-hour break for public officials of Hindu faith on 22nd January 2024 to participate in prayers for the inauguration of Ram Mandir in Ayodhya, India
— Sidhant Sibal (@sidhant) January 12, 2024
મોરિશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જગન્નાથના નેતૃત્વવાળી મોરિશિયસ કેબિનેટે એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે. જેમાં કહેવાયું છે કે, “કેબિનેટે સોમવારે, 22 જાન્યુઆરી, 2024ના રોજ બપોરે 2 વાગ્યાથી 2 કલાકના વિશેષ અવકાશ માટે સહમતી વ્યકત કરી છે. જે ભારતમાં અયોધ્યાના રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહના સંદર્ભમાં અનિવાર્ય છે. આ એક ઐતિહાસિક ઘટના છે, કારણ કે તે અયોધ્યામાં ભગવાન રામની વાપસીનું પ્રતિક છે.”
નોંધનીય છે કે, મોરિશિયસ હિંદુ બહુમતી ધરાવતો દેશ છે. દેશમાં 48.5% લોકો હિંદુ ધર્મને અનુસરે છે. આફ્રિકન ખંડમાં મોરિશિયસ એકમાત્ર એવો દેશ છે જ્યાં હિંદુ ધર્મને સૌથી વધારે અનુસરવામાં આવે છે. જો દેશની વસ્તીના ગુણોત્તર પર નજર કરીએ તો, ભારત અને નેપાળ પછી સૌથી વધુ હિંદુઓ મોરિશિયસમાં રહે છે.