રશિયા સાથે 2 વર્ષથી યુદ્ધના મેદાને ઉતરેલા યુક્રેનમાં સામાન્ય માણસોથી લઈને સરકારી અધિકારીઓ પણ સંતુલન ગુમાવી બેઠા છે. એવા સમાચાર સામે આવી રહ્યા છે કે યુક્રેનના એક ગામમાં લોકલ કાઉન્સિલ બેઠક દરમિયાન એક સરકારી અધિકારીએ લોકો પર બૉમ્બ ફેંકી દીધા હતા. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એવું કહેવાય રહ્યું છે કે 3 ગ્રેનેડ ફેંકવામાં આવ્યા હતા. જેનાથી 1 વ્યક્તિનું મોત થયું છે અને 26 લોકો ઘાયલ થયા છે. ડેપ્યુટી કક્ષાના સરકારી અધિકારીએ આ કૃત્ય શા માટે કર્યું હતું તેનું કારણ જાણી શકાયું નથી.
પશ્ચિમી યુક્રેનમાં આવેલા ટ્રાંસકારપેથિયા (Transcarpathia) વિસ્તારના એક ગામમાં શુક્રવારે (15 ડિસેમ્બર) લોકલ કાઉન્સિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક સરકારી અધિકારીએ કાઉન્સિલમાં બેઠેલા લોકો પર હેન્ડ ગ્રેનેડ ફેંકી દીધા હતા. બોમ્બ વિસ્ફોટ થવાથી અફરાતફરી મચી ગઈ હતી. જાણવા મળી રહ્યું છે કે વિસ્ફોટથી 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે અને 26 લોકો ઘાયલ થયા છે. ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વિડીયો
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વિડીયો યુક્રેનનો છે. પશ્ચિમી યુક્રેનના એક ગામમાં લોકલ કાઉન્સિલની બેઠક ચાલી રહી હોય છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, કાઉન્સિલની બેઠકમાં લોકો બોર્ડના સભ્યો સાથે વાતચીત કરી રહ્યા છે. આ દરમિયાન એક વ્યક્તિ રૂમનો દરવાજો ખોલીને અંદર આવે છે. તે વ્યક્તિ સ્થાનિક ડેપ્યુટી હોવાનું કહેવાય રહ્યું છે. તે વ્યક્તિ લોકોને કઈ કહેવા માટેના પ્રયાસો કરી રહ્યો છે, પરંતુ લોકો તેના તરફ ધ્યાન આપતા નથી.
WATCH: Deputy throws hand grenades into council meeting in western Ukraine, injuring at least 26 people pic.twitter.com/C6pGxG2TdD
— BNO News (@BNONews) December 15, 2023
જે બાદ અધિકારી પોતાના ખિસ્સામાંથી ગ્રેનેડ કાઢે છે અને ફરી એકવાર બધાને ચેતવણી આપતા કઈ કહે છે. દરેલ વ્યક્તિ તેની તરફ જુએ છે અને તેની અવગણના કરે છે. જે બાદ તે સરકારી અધિકારી બે ગ્રેનેડની પિન કાઢીને લોકો તરફ ફેંકે છે, ત્યારબાદ તે ત્રીજો ગ્રેનેડ પણ ફેંકે છે. આ ઘટનાને લઈને સભામાં નાસભાગ મચી જાય છે. તેવામાં જ ગ્રેનેડ ફૂટી જાય છે. આ વિસ્ફોટમાં લગભગ 26 લોકો ઘાયલ થાય છે અને એક વ્યક્તિનું મોત થાય છે.
યુક્રેનિયન પોલીસ કરી રહી છે તપાસ
યુક્રેનિયન નેશનલ પોલીસના જણાવ્યા અનુસાર, વિસ્ફોટમાં ‘ફ્યુઝ’ નામના વ્યક્તિનું મોત થયું છે અને 26 અન્ય લોકો ઘાયલ થયા છે. લોકલ કાઉન્સિલની બેઠકમાં આ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. ઘાયલોમાં 6 લોકોની હાલત ગંભીર છે. ગ્રેનેડ વિસ્ફોટ કરનાર વ્યક્તિને ડોક્ટરોએ બચાવી લીધો છે. તે સપષ્ટ નથી કે સરકારી અધિકારીનો આ કૃત્ય કરવા પાછળનો હેતુ શું હતો.