Saturday, April 13, 2024
More
  હોમપેજદુનિયા‘આ માત્ર શરૂઆત છે, હમાસને નેસ્તનાબૂદ કરીને છોડીશું’: રાષ્ટ્રજોગ સંબોધનમાં ઇઝરાયેલી પીએમ...

  ‘આ માત્ર શરૂઆત છે, હમાસને નેસ્તનાબૂદ કરીને છોડીશું’: રાષ્ટ્રજોગ સંબોધનમાં ઇઝરાયેલી પીએમ નેતન્યાહુ, કહ્યું- અમારા નાગરિકોએ જે યાતનાઓ વેઠી છે એ ક્યારેય નહીં ભૂલીએ

  આપણી વિરુદ્ધ દુશ્મનો દ્વારા જે ભયાનક કૃત્યોને અંજામ આપવામાં આવ્યો છે તેને ક્યારેય નહીં ભૂલીએ અને ક્યારેય માફ નહીં કરીએ. આપણે દુનિયાને એ ભૂલવા નહીં દઈએ કે આપણી સાથે શું બન્યું હતું- ઇઝરાયેલી પીએમ

  - Advertisement -

  આતંકવાદી સંગઠન હમાસે હુમલો કરી દીધા બાદ ઇઝરાયેલે જાહેર કરેલું યુદ્ધ આઠમા દિવસે પહોંચ્યું છે. જેને લઈને શુક્રવારે (13 ઓક્ટોબર) રાત્રે ઇઝરાયેલી પીએમ બેન્જામિન નેતન્યાહુએ (Benjamin Netanyahu) ફરી રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું અને આતંકવાદીઓને ખતમ કરવાની ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે, આ માત્ર શરૂઆત છે અને તેઓ હમાસને ખતમ કરીને જ રહેશે. 

  નેતન્યાહુએ કહ્યું, “આપણે બધા જ આપણી ભૂમિની રક્ષા માટે લડી રહ્યા છીએ. સૈનિકો, પોલીસ અધિકારીઓ, સુરક્ષાબળો, નાગરિકો, સ્વાસ્થ્ય કર્મચારીઓ અને રેસ્ક્યુ ટીમો- તમામ જુસ્સાથી લડી રહ્યા છે અને જેણે વિશ્વને પણ પ્રભાવિત કર્યું છે. આપણે બધા એક છીએ. આ અત્યંત પીડાદાયક અને દુઃખના દિવસોમાં આપણા લોકો સાથે બનેલી ઘટનાઓ અને શનિવારનો એ દિવસ (હમાસે હુમલો કર્યો હતો એ દિવસ) આવનારાં વર્ષો સુધી યાદ રાખવામાં આવશે. આ વાતો ઇઝરાયેલના ઈતિહાસનો એક ભાગ બની ગઈ છે.”

  તેમણે ઉમેર્યું કે, આપણી વિરુદ્ધ દુશ્મનો દ્વારા જે ભયાનક કૃત્યોને અંજામ આપવામાં આવ્યો છે તેને ક્યારેય નહીં ભૂલીએ અને ક્યારેય માફ નહીં કરીએ. આપણે દુનિયાને એ ભૂલવા નહીં દઈએ કે આપણી સાથે શું બન્યું હતું. 

  - Advertisement -

  પીએમ નેતન્યાહુએ સંબોધન કરતાં કહ્યું કે, અમે દુશ્મનો ઉપર પૂરેપૂરી શક્તિ સાથે પ્રહાર કરી રહ્યા છીએ અને હું કહીશ કે આ માત્ર શરૂઆત છે. આપણા દુશ્મનોએ હજુ કિંમત ચૂકવવાની શરૂઆત કરી છે. હું આગળ શું કરવા જઈ રહ્યા છીએ એ વિશે વધુ નહીં કહું, પણ એટલું જરૂર કહીશ કે આ માત્ર શરૂઆત છે. અમે હમાસને નેસ્તનાબૂદ કરી દઈશું. આપણે જ જીતીશું. તેમાં સમય જરૂર લાગશે, પરંતુ યુદ્ધ જ્યારે પૂર્ણ થશે ત્યારે આપણે વધુ મજબૂત બનીને બહાર આવીશું. અંતે તેમણે ઉમેર્યું કે, આપણી સામે ઉભા થતા શત્રુઓને નષ્ટ કરવા માટેની કુદરત શક્તિ આપે. 

  બેન્જામિન નેતન્યાહુએ એમ પણ કહ્યું કે, તેમને અમેરિકા સહિત વિશ્વભરના દેશો તરફથી ખૂબ સમર્થન મળી રહ્યું છે. તેમણે કહ્યું, આજે મેં યુએસ સેક્રેટરી ઑફ ડિફેન્સ સાથે પણ મુલાકાત કરી અને કહ્યું કે અમે સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે આ યુદ્ધ ચાલુ રહેશે. 

  ઉલ્લેખનીય છે કે શનિવારે (7 ઓક્ટોબર) ગાઝા પટ્ટી સ્થિત આતંકવાદી સંગઠન હમાસે ઇઝરાયેલ પર અચાનક હુમલો કરી દીધો હતો. એકસાથે 5 હાજર રૉકેટ છોડવામાં આવ્યાં હતાં તો સંખ્યાબંધ આતંકવાદીઓ સરહદ પાર કરીને ઘૂસી આવ્યા હતા. જેમણે ઇઝરાયેલનાં શહેરોમાં ઘૂસી જઈને નિર્દોષ નાગરિકોનો નરસંહાર કર્યો હતો. હમાસના આ હુમલામાં હજારો નિર્દોષ ઇઝરાયેલી નાગરિકો માર્યા ગયા. 

  આ હુમલા બાદ ઇઝરાયેલે યુદ્ધ જાહેર કરીને પૂરેપૂરી શક્તિ સાથે હમાસ પર હુમલા કરવાનું શરૂ કર્યું હતું. અત્યાર સુધીમાં ગાઝામાં અનેક આતંકી ઠેકાણાં ધ્વસ્ત કરવામાં આવી ચૂક્યાં છે. બીજી તરફ હવે ઈઝરાયેલી સેના જમીન માર્ગે આક્રમણ કરવાની તૈયારી કરી રહી છે. જે માટે ઉત્તર ગાઝામાં રહેતા નાગરિકોને ઘર ખાલી કરીને ચાલ્યા જવા માટેનો આદેશ આપી દેવામાં આવ્યો છે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં