Monday, April 29, 2024
More
    હોમપેજદુનિયાઇઝરાયેલની સરકારે અધિકારિક રીતે કર્યું યુદ્ધનું એલાન, સિક્યુરિટી કેબિનેટની મંજૂરી: આતંકવાદીઓ સામે...

    ઇઝરાયેલની સરકારે અધિકારિક રીતે કર્યું યુદ્ધનું એલાન, સિક્યુરિટી કેબિનેટની મંજૂરી: આતંકવાદીઓ સામે કાર્યવાહી માટે સેનાને છૂટો દોર

    ઈઝરાયેલના બેઝિક લૉની કલમ 40 હેઠળ સરકાર યુદ્ધ જાહેર કરી શકે છે. આ કલમ યુદ્ધ દરમિયાન ઈઝરાયેલ અને તેના નાગરિકોની સુરક્ષા માટે કોઇ પણ પ્રકારનાં લશ્કરી પગલાં લેવા માટેની સત્તા આપે છે.

    - Advertisement -

    આતંકવાદી હુમલો થયા બાદ હમાસ વિરુદ્ધ બે દિવસથી ચાલતી સૈન્ય કાર્યવાહી વચ્ચે ઇઝરાયેલે અધિકારિક રીતે યુદ્ધનું એલાન કરી દીધું છે. ઇઝરાયેલ સરકારની સિક્યુરિટી કેબિનેટે યુદ્ધના એલાનને સત્તાવાર મંજૂરી આપી હતી. પચાસ વર્ષ બાદ ઈઝરાયેલે આધિકારિક રીતે યુદ્ધ જાહેર કર્યું હોવાનું મીડિયા રિપોર્ટ્સ જણાવે છે. 

    ઇઝરાયેલના વડાપ્રધાનના કાર્યાલયે અધિકારિક રીતે જાણકારી આપતાં જણાવ્યું કે, શનિવારે (7 ઓક્ટોબર) સાંજે યુદ્ધની સ્થિતિને જોતાં સિક્યુરિટી કૅબિનેટે બેઝિક લૉની કલમ 40 હેઠળ મહત્વપૂર્ણ સૈન્ય પગલાં લેવા માટે મંજૂરી આપી છે. સરકારે જણાવ્યું કે, “આ યુદ્ધ ઇઝરાયેલ પર થોપી દેવામાં આવ્યું છે, જેની શરૂઆત 7 ઓક્ટોબર, 2023ના રોજ સવારે 6:00 વાગ્યેથી ચાલુ થયેલા ઘાતકી હુમલાથી થઈ હતી.” 

    ઈઝરાયેલના બેઝિક લૉની કલમ 40 હેઠળ સરકાર યુદ્ધ જાહેર કરી શકે છે. આ કલમ યુદ્ધ દરમિયાન ઈઝરાયેલ અને તેના નાગરિકોની સુરક્ષા માટે કોઇ પણ પ્રકારનાં લશ્કરી પગલાં લેવા માટેની સત્તા આપે છે. જેથી અનુમાન છે કે હવે ઇઝરાયેલની સેના (IDF) પૂરેપૂરી શક્તિ સાથે આતંકવાદીઓ પર હુમલાઓ કરશે અને જડમૂળથી સફાયો કરવા માટે ત્રાટકશે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે 7 ઓક્ટોબરના રોજ ગાઝા પટ્ટીમાં સક્રિય ઇસ્લામિક આતંકવાદી સંગઠન હમાસે ઇઝરાયેલ પર અચાનક હુમલો કરી દીધો હતો. હમાસે ઇઝરાયેલનાં લગભગ તમામ મોટાં શહેરો પર કુલ 5 હજાર રૉકેટ છોડ્યાં હતાં તો બીજી તરફ અનેક આતંકવાદીઓ પણ સરહદ પાર કરીને ઘૂસી આવ્યા હતા. 

    હુમલા બાદથી જ ઇઝરાયેલ સરકારે સેનાને કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યો હતો તો બીજી તરફ અધિકારિક રીતે યુદ્ધ જાહેર કરવાની વિચારણા પણ શરૂ કરી દેવામાં આવી હતી. આખરે રાત્રે મળેલી બેઠકમાં નિર્ણય પર અંતિમ મહોર મરવામાં આવી હતી. 

    હમાસે હુમલો કરી દીધા બાદ ઇઝરાયેલની સેનાએ ‘ઑપરેશન આયરન સ્વોર્ડ્સ’ લૉન્ચ કરીને આતંકવાદીઓ પર પ્રહારો કરવાના શરૂ કર્યા હતા. ત્યારબાદ પીએમ બેન્જામિન નેતન્યાહુએ એક નિવેદન આપીને દેશમાં યુદ્ધની સ્થિતિ સર્જાઇ હોવાનું જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે, દુશ્મનો જે ભાષામાં સમજે તેમાં તેમને જવાબ આપવામાં આવશે અને જેમણે પણ ઇઝરાયેલ પર હુમલો કર્યો છે તેમણે બહુ મોટી કિંમત ચૂકવવી પડશે. 

    હુમલામાં 600 ઇઝરાયેલી નાગરિકોનાં મોત

    બીજી તરફ, ઇઝરાયેલ પર થયેલા હુમલામાં 600થી વધુ લોકો માર્યા ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ પહેલાં સરકારે 300 મોત થયાં હોવાનું જણાવ્યું હતું પરંતુ એક તરફ સેનાની કાર્યવાહી ચાલી રહી છે તો બીજી તરફ સતત ગાઝા સરહદ પાસેથી મૃતદેહો મળવાના ચાલુ છે. ઇજાગ્રસ્ત થયેલા લોકોની સંખ્યા 2 હજારથી વધુ હોવાનું જણાવાઈ રહ્યું છે.

    હાલ ઈઝરાયેલની સેના આતંકવાદી સંગઠન હમાસ વિરુદ્ધ ઑપરેશન ચલાવી રહી છે અને અત્યાર સુધીમાં તેમનાં અનેક ઠેકાણાં ધ્વસ્ત કરી દીધાં છે. હવે યુદ્ધનું અધિકારિક એલાન થતાં આ કાર્યવાહીમાં વધારો કરવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં