Sunday, September 8, 2024
More
    હોમપેજદુનિયાઈરાનના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર અકસ્માતમાં મૃત્યુ, આંતરિક કલેહ, ઇઝરાયેલ સાથે ઘર્ષણ, ભારતના ચાબહાર...

    ઈરાનના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર અકસ્માતમાં મૃત્યુ, આંતરિક કલેહ, ઇઝરાયેલ સાથે ઘર્ષણ, ભારતના ચાબહાર પોર્ટથી અમેરિકા-ચીનના પેટમાં દર્દ: જાણો આ ઘટનાક્રમથી શું થશે વૈશ્વિક રાજકારણમાં અસર

    દુર્ઘટનામાં ઈરાની રાષ્ટ્રપતિના મૃત્યુ પશ્ચિમી એશિયાના રાજકારણ પર ઊંડી અસર કરી શકે તેમ છે. ભારત પણ સતત આ ઘટનાક્રમ પર ઝીણવટ ભરી નજર રાખી રહ્યું છે. એક તરફ પશ્ચિમ એશિયામાં સતત ઘર્ષણ ચાલી રહ્યું છે. આ બધા ઘમાસાણ વચ્ચે આ દુર્ઘટના અનેક અટકળોને જન્મ આપનાર બની છે.

    - Advertisement -

    ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ રઈસી, વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયન અને અન્ય કેટલાક મહત્વપૂર્ણ નેતાઓ એક હેલિકોપ્ટર ક્રેશમાં માર્યા ગયા છે. રવિવારે (19 મે 2024)ના રોજ આ તમામ પૂર્વીય અઝરબૈઝાનના જોફા ક્ષેત્ર પરથી ઉડાન ભરી રહ્યા હતા તે દરમિયાન તેમનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ ક્રેશ પાછળનું પ્રાથમિક કારણ ખરાબ હવામાન માનવામાં આવી રહ્યું છે, તેમ છતાં આ દુર્ઘટના પાછળ અટકળો વહેતી થવાનું શરૂ થઇ ગયું છે. દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકોના મૃત્યુ થયા હતા. તેવામાં રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રીના મૃત્યુ બાદ ભારત સહિત આખા વિશ્વની નજર ઈરાન પર છે. ભારતની વાત કરીએ તો તાજેતરમાં જ ભારતે ચાબહાર પોર્ટને લઈને ઈરાન સાથે મહત્વપૂર્ણ ડીલ કરી છે. તેવામાં આ ઘટનાની તે ડીલ પર કોઈ અસર પડશે કે કેમ તે પણ ચર્ચાઈ રહ્યું છે.

    દુર્ઘટનામાં ઈરાની રાષ્ટ્રપતિના મૃત્યુ પશ્ચિમી એશિયાના રાજકારણ પર ઊંડી અસર કરી શકે તેમ છે. ભારત પણ સતત આ ઘટનાક્રમ પર ઝીણવટ ભરી નજર રાખી રહ્યું છે. એક તરફ પશ્ચિમ એશિયામાં સતત ઘર્ષણ ચાલી રહ્યું છે. પાછલા કેટલાક મહિનાઓમાં ઇઝરાયેલ અને ગાઝાના આતંકવાદીઓ વિરુદ્ધ યુદ્ધ ચાલી રહ્યું છે. બીજી તરફ લેબનાનમાં ઈરાન સમર્થક હિજ્બુલ્લાહે ઇઝરાયેલ વિરુદ્ધ મોરચો માંડ્યો છે. ગત મહિને આ તણાવ સીધો યુદ્ધમાં પરિવર્તિત થયો અને ઈરાન તરફે સતત ઇઝરાયેલ પર રોકેટ છોડવામાં આવ્યા. આ બધા ઘમાસાણ વચ્ચે આ દુર્ઘટના અનેક અટકળોને જન્મ આપનાર બની છે.

    દુર્ઘટના બાદ શરૂ થયો અટકળોનો દોર

    હેલિકોપ્ટર ક્રેશમાં ઈરાની રાષ્ટ્રપતિના મૃત્યુએ વિશ્વ આખામાં એક ચર્ચાનો દોર શરૂ કરી દીધો છે. આ દુર્ઘટનાને લઈને અલગ-અલગ પ્રકારની અટકળો પણ શરૂ થઇ ચૂકી છે. જોકે ઈરાની મીડિયા તેને સ્પષ્ટ દુર્ઘટના કહી રહ્યું છે. કારણકે જે સમયે અને જે સ્થળે દુર્ઘટના થઇ ત્યાં હવામાન હેલિકોપ્ટરની ઉડાન માટે ખૂબ જ વિપરીત હતું. જે વિડીયો સામે આવ્યા છે તેમાં ધુમ્મસ એ હદે છે કે હેલિકોપ્ટર તો દૂર, રસ્તા પર ગાડી ચલાવવી પણ અશક્ય થઇ પડે. જોકે હજુ આ મામલે ઈરાની સરકારનું આધિકારિક નિવેદન સામે આવવાનું બાકી છે. પરંતુ જો આ સમગ્ર મામલે એક નાનકડી કડી પણ કોઈ કાવતરા તરફ ઈશારો કરશે તો પશ્ચિમી એશિયામાં તે અશાંતિ ઉભી કરનારું હશે. બની શકે દર વખતની જેમ આ વખતે પણ ઈરાન આ માટે ઇઝરાયેલને જવાબદાર ઠેરવે. પરંતુ તેમ થવાની શક્યતાઓ હાલ ઓછી છે.

    - Advertisement -

    કોણ હતા ઈબ્રાહીમ રઈસી

    ઈબ્રાહીમ રઈસીનો જન્મ 1960માં ઈરાની શહેર મશહદમાં થયો હતો. તેમના અબ્બા એક મૌલવી હતા, રઈસીની 5 વર્ષની ઉમરમાં જ તેમના અબ્બાનું મૃત્યુ થયું હતું. અબ્બાના મોત બાદ તેમણે મઝહબી શિક્ષણ મેળવ્યું. 15 વર્ષની ઉમરે કોમ અહાહેરની એક શિયા સંસ્થામાં મઝહબી તાલીમ લેવા ગયા અને 20 વર્ષની ઉમરમાં તેમને તેહરાન નજીકના કરાજના ઊંચા હોદ્દા પર બેસાડી દેવામાં આવ્યા. રઈસી એક ઇસ્લામિક સ્કોલર અને વકીલ પણ રહી ચૂક્યા છે. શિયા સમુદાય અનુસાર તેઓ તેમના મઝહબના અગ્રણી અયાતોલ્લાહથી એક કર્મ નીચેના હોદ્દા પર હતા.

    વર્ષ 1989 થી 1994 સુધી તેઓ તેહરાનના મહા-અભિયોજક તરીકે અને બાદમાં 2004થી એક દશકા સુધી ન્યાય પ્રણાલીના ડેપ્યુટી ચીફ રહ્યા. વર્ષ 2014માં તેમણે ઈરાનના મહા-અભિયોજકની ગાદી સંભાળી. વર્ષ 2017માં પહેલીવાર રાષ્ટ્રપતિની ચૂંટણી લડી પણ હારી ગયા. બાદમાં વર્ષ 2021માં ઈબ્રાહીમ રઈસી રાષ્ટ્રપતિ બન્યા અને ઈરાનના આઠમાં રાષ્ટ્રપતિ તરીકે કારભાર હાથમાં લીધો.

    5000 લોકોને ફાંસી… અને ‘તહેરાન કા કસાઈ’ની ઉપમા

    ઉલ્લેખનીય છે કે વર્ષ 1988માં ઈબ્રાહીમ રઈસી ગુપ્ત ટ્રીબ્યુનલના સભ્ય બન્યા હતા. તેને ‘ડેથ કમિટી’ તરીકે પણ ઓળખવામાં આવતું. તે દરમિયાન તહેરાનના હજારો લોકો કે જેઓ સત્તા વિરુદ્ધ હતા તેમને દેશદ્રોહી સાબિત કરીને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સમૂહોના અંદાજા મુજબ તે આંકડો લગભગ 5000 પહોંચ્યો હતો. રાષ્ટ્રપતિ બન્યા બાદ પણ જયારે તેમને આ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે તેનો જવાબ નહતો આપ્યો. કહેવામાં આવી રહ્યું છે કે ફાંસી આપવામાં આવી તે લોકોમાં રાજનૈતિક બંદીઓ, સત્તાનો વિરોધ કરી રહેલા લોકો અને અન્ય કેટલાક લોકો હતા.

    બીજી તરફ આ દુર્ઘટના સામે આવ્યા બાદ ઇઝરાયેલી મીડિયા ‘ટાઈમ્સ ઓફ ઇઝરાયેલ’ દ્વારા લખવામાં આવ્યું હતું કે “રાષ્ટ્રપતિ બન્યા પહેલા રઈસીએ ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઇની અધીન ન્યાય પ્રણાલીના વિભિન્ન પદો પર કામ કર્યું અને આયોજનબદ્ધ રીતે ઈરાન-ઈરાક યુદ્ધના અંતમાં હજારો લોકોને મોતની સજા સંભળાવી. રઈસી તે સમિતિના સભ્ય હતા એટલે તેમને “તેહરાન કા કસાઈ“ની ઉપમા આપવામાં આવી હતી.

    જોકે ઈરાન એક ઇસ્લામિક દેશ છે અને તેની છબી હંમેશા કટ્ટરપંથી રહી છે. વર્ષ 2022માં હિજાબને લઈને થયેલા વિરોધ પ્રદર્શનમાં મહસા અમીનીની મોત અને ત્યાર બાદ થયેલા પ્રદર્શનો જગ જાહેર છે. મહિનાઓ સુધી ચાલેલા તે ઘમાસાણમાં લગભગ 500થી વધુ લોકો માર્યા ગયા હતા અને 22000 થી વધુ લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા.

    રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ રઈસીની મોત બાદ ઈરાની રાજકારણ કેટલું પ્રભાવી?

    આમ તો રઈસીના મોત બાદ ઈરાનના આંતરિક રાજકારણમાં કોઈ એવી ઘેરી અસર નથી દેખાવાની. ઈરાની સરકારે પણ સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે આ દુર્ઘટના બાદ ઈરાનનના કોઈ પણ કામ સ્થગિત નહીં થાય. જોવા જઈએ તો ઈરાનના સુપ્રીમ લીડર્સ પાસે જ સર્વોચ્ચ સત્તા રહેતી હોય છે અને મોટા ભાગના નિર્ણયો તેમના દ્વારા જ લેવામાં આવતા હોય છે. હા એ આખી અલગ વાત છે કે રઈસીને ખામેનઈના નજીકના અને એકંદરે ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવતા હતા, પરંતુ આ દુર્ઘટના બાદ ઈરાનના રાજકારણમાં કોઈ મોટો ફેરબદલ કદાચ ન પણ જોવા મળે.

    બીજી તરફ એ પણ યાદ રાખવું જોઈએ કે વર્ષ 2022ના હિજાબ પ્રદર્શન વખતે જયારે ઈરાન ભડકે બળ્યું, તે સમયે પણ ઈબ્રાહીમ રઈસી લોકોના ટાર્ગેટ પર ઓછા હતા. તેવામાં હવે આ અકસ્માત અને રાષ્ટ્રપતિના મૃત્યુ બાદ ઈરાની સંવિધાનિક જોગવાઈઓ અનુસાર અનુચ્છેદ 131 અંતર્ગત 50 દિવસમાં નવા રાષ્ટ્રપતિ બનાવવાની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે. આમ જોવા જઈએ તો રાષ્ટ્રપતિ બનવાનો પહેલો અધિકાર ઈરાનના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ મોખબરને મળે, પરંતુ સર્વોચ્ચ સત્તા પર બેઠેલા અયાતુલ્લા અલી ખામેનેઇની મંજૂરી મળ્યા બાદ જ કોઈ નિર્ણય લેવાશે.

    ભારત-ઈરાનના સંબંધો, ચાબહાર ડીલ અને રઈસીનું મૃત્યુ… શું થશે અસર?

    દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાની રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ રઈસીના મૃત્યુ પર શોક પ્રકટ કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, તેઓ આ સમાચારથી દુખી અને સ્તબ્ધ છે. તેમણે X પર પોસ્ટ કરતા લખ્યું કે, “ભારત-ઈરાનના દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવામાં તેના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. તેમના પરિવાર અને ઈરાનના લોકો પ્રત્યે મારી સંવેદના. દુઃખની આ ઘડીમાં ભારત ઈરાન સાથે ઉભું છે .”

    નોંધનીય છે કે એક તરફ ભારત અને ઈરાન વચ્ચે ચાબહાર પોર્ટને લઈને ડીલ થઇ જ છે ને બીજી તરફ આ દુર્ઘટના સામે આવી છે. તેવામાં તેવો સવાલ ચોક્કસથી થાય કે હવે આ ડીલનું શું? આ ડીલથી અમેરિકાને પણ વાંધો હતો, પરંતુ ભારતીય વિદેશ મંત્રાલયે જવાબ આપીને દેશનો મિજાજ સ્પષ્ટ કરી દીધો હતો. આ ડીલ બાદ ઈરાનના ચાબહાર પોર્ટનું સંચાલન આગામી દસ વર્ષ માટે ભારતને મળી ચુક્યું છે. ચાબહાર બંદર ઈરાનના દક્ષિણ કિનારે સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં આવેલું છે. ભારત અને ઈરાન સંયુક્ત રીતે આ બંદરનો વિકાસ કરી રહ્યા છે.

    વિદેશી બાબતોના નિષ્ણાતોનું માનવું છે કે, પહેલાં ભારતે મધ્ય એશિયાના દેશો સાથે વેપાર કરવા માટે પાકિસ્તાનના માર્ગનો ઉપયોગ કરવો પડતો હતો. અફઘાનિસ્તાનમાં સામાન મોકલવા માટે પણ ભારતને પાકિસ્તાનના માર્ગનો ઉપયોગ કરવો પડતો હતો. પરંતુ ચાબહારને લઈને ભારત અને ઈરાન વચ્ચે ડીલ થઈ હોવાથી હવે ભારતને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયામાં વેપાર માટે નવો માર્ગ મળી જશે. અત્યાર સુધી આ દેશોમાં પહોંચવા માટે પાકિસ્તાનમાંથી પસાર થવું પડતું હતું. કૂટનીતિની દૃષ્ટિએ પણ આ બંદર ભારત માટે મહત્ત્વનું છે.

    ચાબહાર બંદર ભારત માટે આટલું મહત્વનું કેમ છે જો આ પ્રશ્નનો જવાબ શોધવામાં આવે તો ખ્યાલ આવશે કે, આ બંદર તેના સ્થાનના કારણે ભારત માટે ખૂબ જ મહતપૂર્ણ છે. ચાબહાર બંદર ઈરાનમાં ઓમાનની ખાડીમાં આવેલું છે. તે પાકિસ્તાનના ગ્વાદર બંદરથી માત્ર 72 કિમી દૂર છે. ચાબહાર ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (INSTC)નો પણ એક ભાગ છે, જે એક મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટેશનલ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ હિંદ મહાસાગર અને પર્સિયન ગલ્ફને રશિયામાં સેન્ટ પીટર્સબર્ગ થઈને ઈરાન અને ઉત્તરી યુરોપ થઈને કેસ્પિયન સમુદ્ર સાથે જોડે છે. જેનાથી વેપારમાં પણ સાનુકૂળતા મળી શકે છે. ચાબહાર પોર્ટનો લાભ લઈને, ભારત પાકિસ્તાનને બાયપાસ કરીને અફઘાનિસ્તાન અને તેનાથી આગળ મધ્ય એશિયામાં સીધો પ્રવેશ સ્થાપિત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં