શુક્રવારે (13 ઓક્ટોબર, 2023) જુમ્માના દિવસે ફ્રાન્સની એક શાળામાં હુમલો થવાની ઘટના બની. અહીં એક અજાણ્યો માણસ સ્કૂલમાં ધસી આવ્યો અને ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવીને વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર હુમલો કરી દીધો હતો. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય કેટલાક લોકોને ઈજા પહોંચી છે, જેમાંથી અમુકની સ્થિતિ ગંભીર છે.
વિદેશી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના ફ્રાન્સના એરસ શહેરની છે. અહીં આવેલી ગેમ્બેટા હાઇસ્કૂલમાં શુક્રવારે એક વ્યક્તિ હાથમાં ચાકુ લઈને ઘૂસી ગયો હતો. ત્યારબાદ તેણે ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવ્યા અને પછી એક શિક્ષક પર હુમલો કરી દીધો હતો. આ સિવાય પણ ઘણા લોકોને તેણે ઈજા પહોંચાડી.
ફ્રાન્સની શાળામાં બનેલી આ ઘટનામાં એક શિક્ષકનું મૃત્યુ થયું છે, જ્યારે બાકીના ઘણાને ઈજા પહોંચી છે. એક અન્ય શિક્ષક પર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. બાકીના એક વ્યક્તિની સ્થિતિ પણ ગંભીર છે. જેમની સારવાર ચાલી રહી છે. જે શિક્ષક મૃત્યુ પામ્યા તેઓ ભાષાના શિક્ષક હતા. જ્યારે ઈજા પામનાર અન્ય શિક્ષક સ્પોર્ટ્સ ટીચર હોવાનું જાણવા મળ્યું છે. હુમલા બાદ શાળાના બાળકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યાં હતાં.
હુમલો કરનારની ધરપકડ, શાળાનો જ પૂર્વ વિદ્યાર્થી હોવાનું અનુમાન
તાજા અહેવાલો અનુસાર, હુમલો કરનારની ધરપકડ કરી લેવામાં આવી છે. ફ્રાન્સના ઈન્ટીરિયર મિનિસ્ટરે (ભારતમાં ગૃહમંત્રીના હોદ્દા બરાબર) આ બાબતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, એરસની ગેમ્બેટા સેકન્ડરી સ્કૂલમાં પોલીસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હુમલાખોરને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
Une opération de police a eu lieu au lycée Gambetta à Arras. L’auteur des faits a été interpellé par la police.
— Gérald DARMANIN (@GDarmanin) October 13, 2023
સ્થાનિક મીડિયા અનુસાર, હુમલાખોર 20 વર્ષીય યુવક છે, જે શાળાનો જ પૂર્વ વિદ્યાર્થી હોવાનું અનુમાન છે. તેના ભાઈની પણ ધરપકડ કરી લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે જણાવ્યું કે, હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. ફ્રાન્સના મીડિયા અહેવાલો એમ પણ જણાવી રહ્યા છે કે રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં સાંજના સમયે શાળાની મુલાકાત લઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે આ હુમલો એવા સમયે થયો જ્યારે ઇઝરાયેલ સામે લડતા આતંકવાદી સંગઠન હમાસે શુક્રવારના દિવસે દુનિયાભરના મુસ્લિમોને પેલેસ્ટાઇનના સમર્થનમાં આગળ આવવા માટે અને વિશ્વભરમાં પ્રદર્શનો કરવા માટે આહવાન કર્યું હતું. આતંકવાદી સંગઠનના પૂર્વ વડાએ આ દિવસને ‘ગ્લોબલ જેહાદ’નો દિવસ ગણાવ્યો હતો.