ઈરાન સાથે નજીકનો સંબંધ ધરાવતા એક 46 વર્ષીય પાકિસ્તાની નાગરિક (Pakistani National) આસિફ રઝા મર્ચન્ટ (Asif Raza Merchant) પર અમેરિકાની ધરતી પર ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) સહિત અનેક રાજકારણીઓની હત્યાનું કાવતરું રચવાનો આરોપ લાગ્યો છે. મંગળવારે (6 ઑગસ્ટ, 2024) આસિફ રઝા પર આ આરોપ લાગ્યો હતો. જોકે, એક મહિના પહેલાં જ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. જે બાદ કેસ વિશેના અનેક ખુલાસાઓ પણ થયા હતા. અમેરિકી ન્યાય વિભાગ (Department of Justice US) અને FBI તરફથી આ વિશેની માહિતી આપવામાં આવી છે. બ્રુકલીનની ફેડરલ કોર્ટમાં (Brooklyn Federal Court) દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં તેના પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેણે અમેરિકાના નેતાઓની હત્યાનું કાવતરું રચ્યું હતું. જોકે, કોઈપણ હુમલા પહેલાં જ આસિફ રઝાની ધરપકડ કરી લેવામાં આવી હતી.
પાકિસ્તાની નાગરિક આસિફ રઝા પર અમેરિકન એજન્સીઓએ (US Agencies) એવો આરોપ લગાવ્યો છે કે, તેણે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિતના અનેક રાજનેતાઓની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને તે ઈરાન (Iran) સાથે ઘણો ગાઢ સંબંધ પણ ધરાવે છે. મંગળવારે (6 ઑગસ્ટ) જાહેર કરાયેલા અદાલતી દસ્તાવેજો અનુસાર, આ ઘટના બાદ અમેરિકી સરકારે (Government Of USA) પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય અધિકારીઓની સુરક્ષામાં વધારો કરી દીધો છે.
ઑગસ્ટના અંતમાં અથવા સપ્ટેમ્બરની શરૂઆતમાં કરવાનો હતો હત્યા
CNNના રિપોર્ટ અનુસાર, આ કેસની માહિતી ધરાવતા એક અમેરિકી અધિકારી (American official) એ જણાવ્યું છે કે, FBIના અધિકારીઓનું માનવું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકી સરકારના અન્ય વર્તમાન અને પૂર્વ અધિકારીઓ પણ આ કાવતરાના નિશાન પર હતા. ન્યુયોર્કના (New York) બ્રુકલીનમાં ફેડરલ પ્રોસિક્યુટર્સ દ્વારા દાખલ કરારેલા આરોપો અનુસાર, 46 વર્ષીય આસિફ રઝા પર આરોપ છે કે, તેણે ન્યુયોર્ક શહેરની યાત્રા કરી હતી અને ઑગસ્ટના અંતમાં અથવા તો સપ્ટેમ્બરની શરૂઆતમાં હત્યાને અંજામ આપવા માટે એક શૂટર સાથે કામ પણ કર્યું હતું.
Pakistani National with ties to Iran charged in connection with foiled plot to assassinate a politician or U.S. Government officials: FBI Director Christopher Wray pic.twitter.com/8MSu8nIFD5
— ANI (@ANI) August 6, 2024
FBI તરફથી જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર, આસિફ અમેરિકામાં કોઈ મોટા કાવતરાને અંજામ આપે તે પહેલાં જ તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. ન્યુયોર્કના પૂર્વીય જિલ્લાના એટર્ની બ્રેઓન પીસે કહ્યું કે, પાકિસ્તાની નાગરિક આસિફે અન્ય દેશના લોકો તરફથી કામ કરીને અમેરિકી ધરતી પર સરકારી અધિકારીઓની હત્યાનું કાવતરું રચ્યું હતું. FBIના ડિરેક્ટર ક્રિસ્ટોફર રેએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની નાગરિકના ઈરાન સાથે નજીકના સંબંધો છે.
અમેરિકા છોડવાની કરી રહ્યો હતો તૈયારી
અધિકારીઓએ આ ઘટના વિશે જણાવતા કહ્યું હતું કે, આસિફ રઝાને તેવા સમયે પકડવામાં આવ્યો હતો, જ્યારે તે અમેરિકા છોડીને ભાગી જવાની તૈયારી કરી રહ્યો હતો. તેના થોડા સમય પહેલાં જ તેની મુલાકાત કથિત હત્યારાઓ સાથે થઈ હતી, જે હકીકતમાં હત્યારા નહીં, પરંતુ અમેરિકી ગુપ્તચર એજન્સીઓના અંડરકવર એજન્ટ્સ હતા. ફરિયાદમાં કહેવાયું છે કે, રઝા હત્યા કરવા માટે શૂટરની તલાશમાં હતો. તેને એક મહિલા, જે રેકી કરી શકે અને 25 લોકોની જરૂર હતી, જે હત્યા બાદ ધ્યાન ભટકાવવા માટે વિરોધ પ્રદર્શન કરી શકે. આસિફ રઝા હાલમાં ન્યુયોર્કની ફેડરલ કોર્ટમાં કસ્ટડી હેઠળ છે. એપ્રિલ 2024માં ઈરાનમાં અમુક સમય રહ્યા બાદ તે પાકિસ્તાન થઈને અમેરિકા પહોંચ્યો હતો.
કોર્ટના દસ્તાવેજો અનુસાર, આસિફ રઝાએ કહ્યું છે કે, તે અમેરિકામાં તે લોકોએ નિશાન બનાવવા માંગતો હતો, જે “પાકિસ્તાન અને દુનિયા, ખાસ કરીને મુસ્લિમ દુનિયાને નુકશાન પહોંચાડી રહ્યા હતા. તે કોઈ સામાન્ય લોકો નહોતા.” જોકે, ડોનાલ્ડ ટ્રમ્પ પર તાજેતરમાં થયેલા હુમલા પાછળ આસિફ છે કે નહીં, તે દિશામાં તપાસ ચાલી રહી છે અને હજુ સુધી તેના કોઈ પુરાવા પણ મળી શક્યા નથી.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ડોનાલ્ડ ટ્રમ્પ પેન્સિલવેનિયાના (Pennsylvania) બટલર ખાતે એક જાહેર સભાને સંબોધી રહ્યા હતા. ભાષણ વચ્ચે જ ધાણીફૂટ ગોળીબાર શરૂ થઈ ગયો હતો અને હજુ કોઈ કશું સમજે તે પહેલાં જ એક ગોળીએ ટ્રમ્પના કાનને વીંધી નાંખ્યો હતો. ગોળી ટ્રમ્પના કાન નજીકથી નીકળી જતાં વધુ ગંભીર ઈજા પહોંચી ન હતી. ઘટના બાદ તરત સુરક્ષાકર્મીઓએ તેમને ઘેરી લીધા હતા અને સ્ટેજ પરથી નીચે ઉતારી દીધા હતા. આ સમગ્ર ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો હતો.