બાંગ્લાદેશમાં ક્વોટા સિસ્ટમ વિરૂદ્ધ ચાલતાં હિંસક પ્રદર્શનો વચ્ચે ત્યાંની સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો આદેશ રદ કરી દીધો છે. આ આદેશને પગલે જ છેલ્લા એક મહિનાથી પ્રદર્શનો થઈ રહ્યાં હતાં, જેણે તાજેતરમાં હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સુપ્રીમ કોર્ટે હવે અનામત 56%થી ઘટડીને 7% કરી દીધું છે અને બાકીની ભરતીઓ મેરિટ આધારિત કરવા માટે આદેશ આપ્યા છે.
નોંધવું જોઈએ કે વર્ષ 2018 સુધી બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં 56% બેઠકો અનામત રહેતી હતી. જેમાં 30% ક્વોટા 1971ની બાંગ્લાદેશ સ્વતંત્રતા લડાઈમાં ભાગ લેનારા સેનાનીઓના વંશજો અને પરિજનો માટે અનામત રાખવામાં આવ્યો હતો. 2018માં આ સિસ્ટમ સામે દેશવ્યાપી પ્રદર્શનો થતાં શેખ હસીના સરકારે ક્વોટા સિસ્ટમ રદ કરી દીધી હતી. પરંતુ આ નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવતાં જૂન, 2024માં બાંગ્લાદેશ સુપ્રીમ કોર્ટની હાઇકોર્ટ ડિવિઝન બેન્ચે ફરીથી ક્વોટા સિસ્ટમ પુનઃસ્થાપિત કરી દીધી હતી, જેના કારણે વિરોધ ફાટી નીકળ્યો હતો.
જોકે, હાઈકોર્ટના આદેશ બાદ તુરંત સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરતાં નીચલી કોર્ટના આદેશ પર રોક લાગી ગઈ હતી, પરંતુ તેમ છતાં પ્રદર્શનો ચાલુ જ રહ્યાં હતાં. ગત સપ્તાહે આ પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પ્રદર્શનકારીઓ, પોલીસ અને સુરક્ષાબળો તેમજ સરકાર સમર્થકો વચ્ચે અથડામણમાં અત્યાર સુધીમાં 133 લોકો મૃત્યુ પામ્યા છે અને હજારો લોકોને નાની-મોટી ઈજા પહોંચી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુપ્રીમ કોર્ટે સરકારને સ્વતંત્રતા સેનાનીઓના પરિવારો માટેના 30% ક્વોટાને 5% સુધી ઘટાડવા માટે આદેશ આપ્યો છે. જ્યારે બાકીનો 2% ક્વોટા દિવ્યાંગો અને પછાત વર્ગના લોકો માટે રાખવામાં આવશે. આ સિવાય 93% બેઠકો પર કોઇ ક્વોટા સિસ્ટમ લાગુ પડશે નહીં.
અગાઉ શું સિસ્ટમ હતી? હવે શું બદલાશે?
વર્ષ 2018 સુધી બાંગ્લાદેશમાં 56% સીટ અનામત રહેતી હતી. તેમાંથી એક મોટો હિસ્સો (30%) એ વ્યક્તિઓના પરિજનો અને વંશજો માટે અનામત રાખવામાં આવ્યો હતો જેમણે 1971માં બાંગ્લાદેશની સ્વતંત્રતા માટે લડાઇ લડી હતી.
આ સિવાય દેશના ઓછા વિકસિત જિલ્લાઓ માટે 10%, મહિલાઓ માટે 10 ટકા, આદિવાસી સમુદાયો માટે 5% અને 1% અનામત દિવ્યાંગો માટે- આ પ્રકારની જોગવાઈ કરવામાં આવી હતી. આ તમામનો સરવાળો કરવામાં આવે તો 56% થાય છે. જેથી માત્ર 44% જગ્યાઓ જ મેરીટ આધારિત ભરતી માટે બાકી રહેતી હતી.
અહીં સૌથી વધુ વિવાદિત ક્વોટા 30%નો રહ્યો છે, જે સ્વતંત્રતા સેનાનીઓના પરિજનોને આપવામાં આવે છે. તે સૌથી વધુ પ્રમાણમાં પણ છે અને બીજું એક કારણ એ પણ છે કે ઘણા લોકો માને છે કે તેનાથી શેખ હસીનાની પાર્ટી આવામી લીગ પોતાના રાજકીય હેતુઓ પાર પાડે છે. કારણ એ પણ છે કે બાંગ્લાદેશની સ્વતંત્રતાની લડાઈમાં આ પાર્ટી કેન્દ્રમાં હતી. શેખ હસીના બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાનનાં પુત્રી થાય એ વધારાની માહિતી. આરોપ એવા લાગતા રહ્યા છે કે પાર્ટી પોતાના વફાદારોને સાચવવા માટે આ ક્વોટા સિસ્ટમનો ઉપયોગ કરતી આવી છે.
આ જ કારણોસર એપ્રિલ, 2018માં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ બાંગ્લાદેશમાં ચાર મહિના સુધી પ્રદર્શનો કર્યાં હતાં અને અનામતમાં ઘટાડાની માંગ કરી હતી. ત્યારે પણ મોટાપાયે હિંસા થઈ હતી અને પ્રદર્શનકારીઓ અને આવામી લીગની વિદ્યાર્થી પાંખ બાંગ્લાદેશ છાત્ર લીગના કાર્યકરો સામસામે આવી ગયા હતા. આખરે સરકારે નમતું મૂકીને ક્વોટા રદ કરવાની જાહેરાત કરી હતી.