ત્રણ દિવસના ગાળામાં ઑસ્ટ્રેલિયાના સિડનીમાં વધુ એક ચાકુબાજીની ઘટના બની છે. શહેરના પશ્ચિમ ભાગમાં આવેલ એક ચર્ચમાં એક સભા ચાલતી હતી ત્યારે એક વ્યક્તિ ઘૂસી ગયો હતો અને ચર્ચ બિશપ અને સાથે સભામાં સામેલ અન્ય કેટલાક લોકો પર ચાકુ વડે હુમલો કરી દીધો હતો. હુમલાખોરની ધરપકડ કરી લેવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે.
આ મામલે કોઇ જાનહાનિ થઈ હોવાનું જાણવા મળ્યું નથી. પોલીસે જણાવ્યું કે, ઇજાગ્રસ્તો ગંભીર રીતે ઇજા પામ્યા નથી અને હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ મામલે એકની ધરપકડ કરવામાં આવી હોવાની પોલીસે પુષ્ટિ કરી હતી અને કહ્યું કે હાલ તેઓ તપાસ કરી રહ્યા છે અને હુમલો કરનારની પૂછપરછ કરીને હુમલા પાછળનો મકસદ જાણવાના પ્રયાસ કરી રહ્યા છે.
BREAKING: A knife attack just happened in Sydney, Australia at the Christ the Good Shepherd Church, on a livestream. pic.twitter.com/qFynt4UPRF
— Ian Miles Cheong (@stillgray) April 15, 2024
કહેવાય છે કે આ સમગ્ર ઘટનાનું લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું. જે વિડીયો સામે આવ્યો છે તેમાં બિશપ ચર્ચમાં બેસીને સંબોધન કરતા જોવા મળે છે અને તેમની સામે લોકો બેઠા છે. અચાનક એક વ્યક્તિ બિશપ તરફ આગળ વધે છે અને ચાકુ વડે હુમલો કરી દે છે. હુમલાના કારણે અફરાતફરી મચી જાય છે અને લોકો બૂમો પાડવા માંડે છે. ત્યારબાદ લોકો આગળ ધસી ગયા હતા અને હુમલાખોરને પકડી લીધો હતો.
હુમલામાં 4 વ્યક્તિઓને ઈજા પહોંચી હોવાનું કહેવામાં આવે છે. જોકે, કોઇ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત નથી તેમ પોલીસે જણાવ્યું છે. ઇજાગ્રસ્તોની હાલ સારવાર ચાલી રહી છે.
ઘટના બની ત્યારબાદ ચર્ચની બહાર લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને હુમલાખોરને કડક સજા કરવાની માંગ કરી હતી. સોશિયલ મીડિયા પર વિડીયો સામે આવ્યા છે, જેમાં ચર્ચની બહાર લોકો ટોળામાં એકઠા થયેલા જોવા મળે છે.
NOW – Tensions rise outside the church in Sydney, where a Christian leader and several worshippers were stabbed.pic.twitter.com/iqjaeSkcji
— Disclose.tv (@disclosetv) April 15, 2024
ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 દિવસના સિડનીમાં આવી બીજી ચાકુબાજીની ઘટના બની છે. આ પહેલાં ગત શનિવારે (13 એપ્રિલ) સિડનીના એક મૉલમાં એક શખસ ચાકુ લઈને ઘૂસી ગયો હતો અને આડેધડ લોકો પર હુમલા કરી દીધા હતા. આ ઘટનામાં કુલ 6 લોકો મૃત્યુ પામ્યા હતા. જોકે, પછીથી એક મહિલા પોલીસકર્મી ત્યાં આવી પહોંચતાં તેમણે હુમલાખોરને ઠાર કરી દીધો હતો.