પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ, તાનાશાહ, સેના પ્રમુખ પરવેઝ મુશરર્ફનું રવિવારે (5 ફેબ્રુઆરી, 2023) મોત થઇ ગયું. તેઓ દુબઇની એક હોસ્પિટલમાં દાખલ હતા, ત્યાં જ અંતિમ શ્વાસ લીધા. મુશરર્ફ પાકિસ્તાનના વિવાદાસ્પદ નેતાઓમાંના એક હતા. તેઓ પાકિસ્તાનના બીજા રાષ્ટ્રાધ્યક્ષ હતા જેમને ફાંસીની સજા (પહેલા ઝુલ્ફિકાર અલી ભુટ્ટો) સંભળાવવામાં આવી હતી. ભારતમાં મુશર્રફ ‘કારગિલ યુદ્ધના માસ્ટરમાઈન્ડ’ તરીકે વધુ ઓળખાય છે.
જન્મ અને પ્રારંભિક જીવન
પરવેઝ મુશરર્ફનો જન્મ વર્ષ 19943 અવિભાજિત ભારતના દિલ્હીમાં થયો. પરંતુ 1947ના ભાગલા પછી તેમનો પરિવાર પાકિસ્તાન સ્થળાંતર કરી ગયો હતો. તેમના પિતા પાકિસ્તાની સરકારમાં નોકરી કરતા હતા.
મુશર્રફનું પ્રાથમિક શિક્ષણ અને કોલેજ પાકિસ્તાનના લાહોરમાં થયાં. પછીથી તેઓ ઉચ્ચ અભ્યાસ માટે યુકે પણ ગયા હતા. 1956માં પાકિસ્તાનના કરાંચીમાં સ્થિર થયા પહેલાં તેમનો પરિવાર 7 વર્ષ માટે તૂર્કી પણ રહી આવ્યો હતો.
1961માં મુશર્રફ પાકિસ્તાની મિલિટરી એકેડમીમાં જોડાયા અને 1964માં સેનામાં સામેલ થયા. 1965નું યુદ્ધ થયું ત્યારે તેઓ સેનામાં સેકન્ડ લેફ્ટનન્ટ હતા. સેનામાં ધીમધીમે તેમનું કદ વધતું ગયું અને 1990માં મેજર જનરલ બન્યા હતા.
વર્ષ 1998માં તત્કાલીન પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફે તેમને બઢતી આપી અને ફોર સ્ટાર જનરલ બનાવ્યા અને જેની સાથે જ પાકિસ્તાની સેનાની કમાન મુશર્રફના હાથમાં આવી ગઈ. તેઓ પાકિસ્તાનના ચીફ ઓફ આર્મી સ્ટાફ બન્યા.
કારગિલનું યુદ્ધ અને પાકિસ્તાનની કારમી હાર
2 મહિના અને 3 અઠવાડિયાં સુધી ચાલેલું કારગિલનું યુદ્ધ 1999માં ભારત-પાકિસ્તાનની સેનાઓ વચ્ચે લડાયું હતું. ભારતીય સેનાએ પાકિસ્તાનીઓને જડબાતોડ જવાબ આપીને પાછળ ધકેલી દીધા હતા અને પરત ફરવા મજબુર કરી દીધા હતા. પરંતુ કારગિલમાં પાકિસ્તાની સેનાને ઘૂસાડવામાં અને તેની રણનીતિ ઘડવામાં પરવેઝ મુશરર્ફનો બહુ મોટો હાથ હતો.
શિયાળાના સમયમાં ભારતીય સેના લાઈન ઑફ કંટ્રોલ (LoC)ની આસપાસના કારગિલ ક્ષેત્રમાંની પોસ્ટ્સ ખાલી કરી નાંખતી હતી. પાકિસ્તાનીઓનો મલિન ઈરાદો એવો હતો કે કારગિલના પહાડોની ઊંચાઈએ આવેલી આ પોસ્ટ્સ શક્ય તેટલી સંખ્યામાં કબ્જે કરી લેવામાં આવે.
આ માટે પાકિસ્તાની સેના LoC પાર કરીને ભારતમાં ઘૂસી આવી હતી અને પોસ્ટ્સ કબ્જે કરી લીધી હતી. આ પાછળનો એક ઈરાદો એવો પણ હતો કે આમ કરવાથી કાશ્મીર મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ ઉછળશે અને તેનાથી પાકિસ્તાન તરફી પરિણામો મળી શકશે.
આ ષડ્યંત્ર રચવામાં મુખ્ય ચાર જનરલોનો હાથ હતો, જે સમૂહ ‘ગેંગ ઑફ ફોર’ તરીકે પણ કુખ્યાત છે. પરવેઝ મુશરર્ફ આ ચાર જનરલો પૈકીના એક હતા. બાકીના ત્રણ હતા- લેફ્ટનન્ટ જનરલ અઝીઝ ખાન, લેફ્ટ. જનરલ મહમૂદ અહમદ અને મેજર જનરલ જાવેદ હસન.
આ તમામે મળીને કાવતરું ઘડ્યું હતું અને માર્ચ 1999થી મે 1999 દરમિયાન પાકિસ્તાની સેનાને ઘૂસણખોરીનો આદેશ આપ્યો હતો. ત્રણ મહિના સુધી પાકિસ્તાનીઓ ગૂપચૂપ ઘૂસણખોરી કરતા રહ્યા, પરંતુ મે મહિનામાં ભાંડો ફૂટી ગયો.
વાસ્તવમાં પાકિસ્તાનીઓની ઘૂસણખોરીને સૌથી પહેલાં એક ભારતીય નાગરિકે પકડી પાડી હતી. તેઓ તેમનું ખોવાયેલું યાક શોધવા નીકળ્યા હતા. દૂરબીન વડે ઊંચા પહાડો પર શોધતી વખતે તેમણે એક જગ્યાએ કેટલાક પાકિસ્તાની સૈનિકોને બંકર ખોદતા જોયા હતા. ત્યારપછી તેમણે સેનાને જાણકારી આપી હતી.
ભારતીય સેનાને જાણ થતાંની સાથે જ સેનાએ પૂરેપૂરી શક્તિથી ‘ઓપરેશન વિજય’ શરૂ કર્યું અને પાકિસ્તાનીઓને એક પછી એક પોસ્ટ્સ પરથી ઘરભેગા કરી દીધા હતા. લગભગ ત્રણ મહિના સુધી ચાલેલા આ યુદ્ધમાં ભારતની જીત થઇ અને પાકિસ્તાની સેનાની આંતરરાષ્ટ્રીય ફજેતી.
એવું પણ કહેવાય છે કે, કાશ્મીરમાં ભારતવિરોધી પ્રવૃતિઓ વધારવા માટે પાકિસ્તાની સેનાનો પણ ટેકો મળે તે માટે આ કાવતરું ઘડવામાં આવ્યું હતું. યોજના કાશ્મીરમાં વધુ ‘મુજાહિદ્દીન’ મોકલવાની હતી અને આ માટે જો ભારત તરફથી કોઈ કાર્યવાહી થાય તો રક્ષણ માટે પાકિસ્તાની સેનાનું કવર મળી રહે તે માટે મુશર્રફે કારગિલમાં ઘૂસણખોરી કરવાનું ષડ્યંત્ર રચ્યું હતું. પરંતુ ભારતીય સેનાએ ‘ઓપરેશન વિજય’ લૉન્ચ કરીને તેમના મનસૂબા પર પાણી ફેરવી મૂક્યું અને આખરે નવાઝ શરીફે સેનાને પરત બોલાવવી પડી હતી.
આ યુદ્ધ વિશે નવાઝ શરીફ કાયમ કહેતા રહ્યા છે કે તેમને આ ઘૂસણખોરીની ખબર ન હતી અને એ પરવેઝ મુશરર્ફ (ટૂંકમાં સેના)નું કામ હતું. જોકે, આનાથી વિપરીત ક્યાંક એવા ઉલ્લેખો પણ જોવા મળે છે જેમાં કહેવાય છે કે તત્કાલીન પીએમ નવાઝ શરીફને ત્રણ જુદી-જુદી બેઠકોમાં આ ઓપરેશનની જાણકારી આપવામાં આવી હતી.
1999માં નવાઝ શરીફને હટાવીને તાનાશાહ બની ગયા
નવાઝ શરીફને જાણ હતી કે નહીં, તેમની સહમતિ હતી કે નહીં એ આખી અલગ બાબત છે પરંતુ પછીથી શરીફ અને મુશર્રફ વચ્ચે સબંધો બગડ્યા હતા અને નવાઝ શરીફ મુશર્રફને આર્મી ચીફના પદ પરથી હટાવવાનો નિર્ણય લેવા જઈ રહ્યા હતા. પરંતુ પાકિસ્તાની સેનાના મુશર્રફના કેટલાક વફાદારોએ તેમના સુધી વાત પહોંચાડી દીધી અને પરવેઝ મુશર્રફે તખ્તાપલટ કરીને નવાઝ શરીફને જ પદ પરથી હટાવી દીધા હતા.
12 ઓક્ટોબર 1999ના દિવસે નવાઝ શરીફને પદ પરથી હટાવી દેવાયા અને 14 ઓક્ટોબરે મુશર્રફે પોતાને પાકિસ્તાનના ચીફ એક્ઝિક્યુટિવ જાહેર કરીને દેશનું બંધારણ બરખાસ્ત કરી દીધું હતું અને તાનાશાહની જેમ શાસન શરૂ કર્યું હતું. વર્ષ 2001માં તેમણે પોતાને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઘોષિત કરી દીધા અને 2002માં પાકિસ્તાનનું બંધારણ તો બહાલ કર્યું પરંતુ એવી વ્યવસ્થા કરી કે તેઓ વધુ પાંચ વર્ષ માટે દેશના રાષ્ટ્રપતિ રહી શકે.
2007માં ફરી ઇમરજન્સી લાગુ કરીને બંધારણ બરખાસ્ત કરી દીધું
ત્યારબાદ 2007માં તેમની સામે વિરોધ ઉઠતાં અને ત્યાંની સુપ્રીમ કોર્ટ જ સામી પડતાં ફરી ઇમરજન્સી લાગુ કરીને બંધારણ લાગુ કરી દીધું હતું. જોકે, 2008માં મહાભિયોગની તૈયારીઓ શરૂ થઇ જતાં તેમણે રાજીનામું આપી દેવું પડ્યું હતું.
2013માં તેમણે નવી પાર્ટી બનાવીને પાકિસ્તાનના રાજકારણમાં કૂદવાનો નિર્ણય કર્યો પરંતુ તેમનું કશું ઉપજ્યું નહીં અને નવાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન બની ગયા. જેમણે 2014માં મુશરર્ફ સામે રાજદ્રોહના ગુના હેઠળ કાર્યવાહી શરૂ કરી હતી અને સુનાવણી બાદ સ્પેશિયલ કોર્ટે તેમને દોષી ઠેરવ્યા હતા. જોકે, 2016માં સ્વાસ્થ્યનું કારણ આપીને વિદેશ ઉપડી ગયા અને ત્યારપછી ક્યારેય પાકિસ્તાન ન આવ્યા.
વર્ષ 2019માં પાકિસ્તાનની સ્પેશિયલ કોર્ટે પરવેઝ મુશર્રફને 2007માં ઇમરજન્સી લાગુ કરીને બંધારણ બરખાસ્ત કરવાના ગુનામાં ફાંસીની સજા સંભળાવી હતી. કોર્ટે તેમની ધરપકડ કરીને પાકિસ્તાનમાં લાવીને ફાંસીએ લટકાવવા અને જો તે પહેલાં તેમનું મોત થાય તો લાશને ઇસ્લામાબાદના ડી ચોક ખાતે ત્રણ દિવસ સુધી લટકાવી રાખવા માટેનો આદેશ આપ્યો હતો. જોકે, પછીથી મુશર્રફે આ આદેશને હાઇકોર્ટમાં પડકારતાં કોર્ટે આદેશ રદ કરી દીધો હતો.
ખુલ્લેઆમ આતંકવાદને સમર્થન, લાદેન-હક્કાનીને ‘હીરો’ ગણાવ્યા હતા
પરવેઝ મુશરર્ફે આતંકવાદ અને ઇસ્લામિક આતંકવાદીઓનું સમર્થન કરતા હતા. તેમણે ઓસામા બિન લાદેનને ‘હીરો’ ગણાવ્યો હતો અને તાલિબાનનાં પણ વખાણ કર્યાં હતાં.
یہ ہیں وہ ریاستی پالیسی جس کی وجہ سے پشتون کو دہشتگرد کہاں گیا جس کی وجہ سے پشتون کا پورا نسل تباہ اور برباد ہوا جس کی وجہ سے پشتون IDPS بنے جس کی وجہ سے پشتونوں کے گھریں بازاریں ہسپتال سکول گہرائے گئے.اور آج بولتے ہیں کہ ریڈ لائن کراس نہ کریں@GulBukhari#SaveBuner4mStateTaliban pic.twitter.com/khjh7sy390
— 🏳️PashtunKhwa🏴 (@Pashtunkhowa) November 12, 2019
એક ઇન્ટરવ્યૂમાં તેમણે સ્વીકાર્યું હતું કે અત્યારે જેને આતંકવાદ ગણવામાં આવે છે તે ‘મઝહબી ઉગ્રવાદ’ને તેમણે જ પાકિસ્તાનમાં પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે કહ્યું હતું, “અમે આખી દુનિયામાંથી મુજાહિદ્દીન લાવ્યા, અમે તાલિબાનને તાલીમ આપી, તેમને હથિયારો આપ્યાં, તેમને અંદર મોકલ્યા. એ અમારા ‘હીરો’ હતા. આ હક્કાની આપણો હીરો છે. ઓસામા બિન લાદેન આપણો હીરો હતો. અલ જવાહરી આપણો હીરો હતો.
હાફિઝ સઈદ વગેરેને લઈને તેમણે કહ્યું હતું કે, “1990માં કાશ્મીરમાં એક ‘આઝાદી માટેનો સંઘર્ષ’ શરૂ થયો, ભારતીય સેનાએ તેમને માર્યા, તેઓ ભાગીને પાકિસ્તાન આવ્યા. અહીં તેમને તાલીમ આપવામાં આવી અને અમે તેમના સમર્થનમાં હતા…કે આ મુજાહિદ્દીન છે, જે ભારતીય સેના સામે લડશે પોતાના હકો માટે. અહીં પછી મુજાહિદ્દીન બન્યા અને લશ્કર-એ-તૈયબા અને અન્ય પણ.. તેઓ આપણા હીરો છે. તેઓ જીવન જોખમે કાશ્મીરમાં લડી રહ્યા હતા.”