Saturday, November 23, 2024
More
    હોમપેજસ્પેશ્યલજ્યારે માત્ર 1 હજાર મરાઠા સૈનિકોએ 30 હજારની મુઘલ સેનાને ઘૂંટણિયે પાડી...

    જ્યારે માત્ર 1 હજાર મરાઠા સૈનિકોએ 30 હજારની મુઘલ સેનાને ઘૂંટણિયે પાડી દીધી હતી: વાત છત્રપતિ શિવાજીની રણનીતિ અને શૂરવીરતાનો પરચો આપતા ઉંબરખિંડના યુદ્ધની

    30 હજારની સેના લઈને આવતા મુઘલ સેનાપતિ કરતલબ ખાનને અણસાર પણ ન હતો કે મરાઠા સેના તેમની ઉપર મોત બનીને ત્રાટકશે.

    - Advertisement -

    આપણામાંથી ઘણાને બાબરથી લઈને ઔરંગઝેબ સુધીના મુઘલ શાસકોનાં નામ ક્રમમાં યાદ હશે. કારણ કે એ જ ગોખી-ગોખીને શાળામાં પરીક્ષાઓ આપી છે. આપણાં પાઠ્યપુસ્તકો પર મુઘલો અને અંગ્રેજો જ કબ્જો જમાવીને બેઠા રહ્યા. બીજી તરફ, મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી વિશે બહુ ભણ્યા હોઈએ તેવો ખ્યાલ નથી. ક્યાંક છૂટાછવાયા ઉલ્લેખો હશે. જ્યાં હશે ત્યાં પણ જે યુદ્ધોમાં તેમનો પરાજય થયો હોય કે કેદ કરવામાં આવ્યા હોય તેનો ઉલ્લેખ વધુ જોવા મળશે. પરંતુ એવાં અનેક યુદ્ધો લડાયાં જ્યાં આ પરાક્રમી રાજાઓએ મુઘલ સેનાને ધૂળ ચાટતી કરી દીધી હતી. ઉંબરખિંડનું યુદ્ધ (Battle of Umberkhind) એવું જ એક યુદ્ધ હતું, જે આજથી 362 વર્ષ પહેલાં લડાયું હતું. 

    ઉંબરખિંડનું આ યુદ્ધ 3 ફેબ્રુઆરી, 1961માં મહારાષ્ટ્રના ઉંબરખિંડમાં લડાયું હતું. જેમાં એક તરફ હતા છત્રપતિ શિવાજી અને બીજી તરફ હતો મુઘલ સેનાપતિ કરતલબ ખાન. કઈ રીતે છત્રપતિ શિવાજીની આગેવાનીમાં માત્ર 1000 મરાઠા સૈનિકોએ થોડાં હથિયારો સાથે 30 હજાર સૈનિકો અને હથિયારો ધરાવતી મુઘલ સેનાને માત્ર 2 જ કલાકમાં ધૂળ ચાટતી કરી દીધી હતી, એની આજે વાત કરીએ. પણ યુદ્ધ વિશે જાણવા પહેલાં થોડો ઇતિહાસ જાણવો જરૂરી છે. 

    યુદ્ધ પહેલાંનો ઇતિહાસ 

    10 નવેમ્બર, 1659ના દિવસે છત્રપતિ શિવાજી અને બીજાપુરના સેનાપતિ અફઝલ ખાનની સેનાઓ વચ્ચે યુદ્ધ લડાયું, જે પ્રતાપગઢ યુદ્ધ તરીકે જાણીતું છે. મરાઠા સેનાએ જીતેલું આ પહેલું મોટું યુદ્ધ હતું અને તેમાં જ છત્રપતિ શિવાજીએ અફઝલ ખાનનો વધ કર્યો હતો. આ યુદ્ધ પછી મરાઠા સેનાનો જુસ્સો અનેકગણો વધી ગયો હતો. 

    - Advertisement -

    એક તરફ છત્રપતિ શિવાજીની આગેવાનીમાં મરાઠાઓનો ઉદય થઇ રહ્યો હતો અને બીજી તરફ બીજાપુરનો શાસક મોહમ્મદ આદિલ શાહ તેને લઈને ચિંતિત હતો. આખરે તેણે મુઘલ શાસક ઔરંગઝેબ પાસે મદદ માંગવાનું નક્કી કર્યું.

    વાસ્તવમાં આદિલ શાહે વર્ષ 1636માં મુઘલ શાસક શાહજહાંના સમયમાં એક શાંતિ કરાર કર્યો હતો અને જેના ભાગરૂપે દક્ષિણમાં તે મુઘલોને ઘણી મદદ પણ પૂરી પાડતો. 1659માં આદિલ શાહ મુઘલ શાસક ઔરંગઝેબની મદદ માંગવા માટે પહોંચ્યો. ઔરંગઝેબે તે જ વર્ષે સત્તા સંભાળી હતી. આદિલ શાહે મરાઠાઓના ઉદયની અને ‘જોખમ’ વિશે ઔરંગઝેબને માહિતગાર કર્યો.

    અહીં ઔરંગઝેબનાં પણ પોતાનાં સ્થાપિત હિતો હતાં. તે પોતાના સામ્રાજ્યનો વિસ્તાર દક્ષિણ તરફ કરવા ઈચ્છતો હતો. ઉપરાંત, મરાઠા સામ્રાજ્યનો કે છત્રપતિ શિવાજીનો ઉદય થાય તે તેને પણ પસંદ ન હતું. આખરે તેણે દક્કનમાં સેના મોકલવાનું નક્કી કર્યું અને જેની જવાબદારી સોંપવામાં આવી તેના મામા શાઇસ્તા ખાનને. 

    1659ના નવેમ્બરમાં પ્રતાપગઢનું યુદ્ધ થયું હતું અને 1660ના જાન્યુઆરીમાં શાઇસ્તા ખાન મુઘલ સેના લઈને દક્કનના ઔરંગાબાદ પહોંચી ગયો. આ દરમિયાન બીજાપુરથી પણ મરાઠા સેનાઓ પર હુમલા થઇ રહ્યા હતા અને બીજી તરફ શાઇસ્તા ખાન અને કરતલબ ખાને મળીને અનેક વિસ્તારો જીતી લીધા હતા. 

    કરતલબ ખાનને આદેશ હતો- શિવાજીને બંદી બનાવવા અથવા તેમની હત્યા કરી નાંખવી

    1661 આવતાં સુધીમાં મુઘલ સેનાએ મરાઠા સૈનિકો પાસેથી કલ્યાણ, ભિવંડી, પનવેલ, નાગોઠાણેના કિલ્લાઓ જીતી લીધા અને સતત ઉત્તર કોંકણ તરફ આગળ વધતા જતા હતા. હવે તેમના નિશાને હતા છત્રપતિ શિવાજી. શાઇસ્તા ખાને કરતલબ ખાનને રાજગઢ તરફ આગળ વધવાનો અને શિવાજી અને તેમના સૈનિકો પર હુમલો કરવાનો આદેશ આપ્યો. કરતલબ ખાનને આદેશ હતો કે કાં તો શિવાજીને બંદી બનાવવા અથવા તેમની હત્યા કરી નાંખવી.

    સતત જીતતા જતા મુઘલ સેનાપતિ અને તેના સૈનિકો પૂર્ણ આત્મવિશ્વાસ સાથે આગળ વધતા જતા હતા અને તેમને હતું કે બાકીનાં યુદ્ધોની જેમ શિવાજીને પણ તેઓ સરળતાથી હરાવી દેશે અને કિલ્લો કબ્જે કરી લેશે. જોકે, શિવાજીની સ્થિતિ પણ ત્યારે સારી ન હતી. તેમની સેના સતત કિલ્લાઓ બદલ્યા કરતી હતી, ઉપરાંત એક સમયે તેમના ગઢ ગણાતા ઘણા વિસ્તારો હવે મુઘલોના કબ્જામાં હતા. પરંતુ આ યુદ્ધ એટલું સરળ પણ ન હતું જેવું મુઘલો વિચારીને આવ્યા હતા. 

    ઉંબરખિંડનું યુદ્ધ 

    આખરે 1661નો ફેબ્રુઆરી આવ્યો અને કરતલબ ખાને તેની 30 હજારની સેના લઈને રાજગઢ તરફ કૂચ કરી. નિશાના પર હતા શિવાજી અને તેમની સેના. પરંતુ તે ઈચ્છતો હતો કે મરાઠા સેના ઉપર અચાનક હુમલો કરી દેવામાં આવે. જેથી તેણે સીધો રસ્તો પસંદ ન કરતાં ઘનઘોર જંગલ અને પહાડોમાંથી પસાર થતો રસ્તો પસંદ કર્યો. આ જ રસ્તામાં વચ્ચે આવતું હતું- ઉંબરખિંડ.

    આ સમગ્ર વિસ્તાર ઘનઘોર જંગલોથી ઘેરાયેલો છે. અહીં અમુક જગ્યાએ મોટા પહાડો હતા તો અમુક જગ્યાએ સાંકડા રસ્તાઓ, જ્યાંથી મોટી તોપો અને અન્ય હથિયારો લઇ જવાં અત્યંત કઠિન હતાં. કરતલબ ખાને વિચાર્યું હતું કે આ માર્ગે જવાના કારણે તે મરાઠા સેનાની નજરમાં નહીં આવે અને સીધો હુમલો કરી શકશે. 

    પરંતુ કરતલબ એ વાતથી તે અજાણ હતો કે શિવાજીના જાસૂસો દક્કનના ખૂણે-ખૂણા પર ફેલાયેલા હતા. તેમણે મુઘલ સેનાના માર્ગની જાણકારી છત્રપતિ શિવાજીને આપી. શિવાજીએ તાત્કાલિક તેમના 1 હજાર સૈનિકોને તૈયાર કર્યા અને એ જ માર્ગ પર બીજી તરફથી આગળ વધ્યા જ્યાંથી કરતલબ ખાન અને તેની સેના આવી રહ્યાં હતાં. 

    શિવાજીની સેના લોનાવાલાની નજીક આવેલ કુરુવંડામાં રોકાઈ હતી. મુઘલ સેનાની આગળ ચાલતા ગુપ્તચરોને આ બાબતની જાણ થઇ અને તેમણે જઈને કરતલબ ખાનને જાણકારી આપી. 

    શિવાજીની સેના તેના માર્ગમાં જ હોવાનું જાણીને કરતલબ ખાનને હુમલો કરવાની ઉતાવળ ભરાઈ અને તેણે ઝડપથી સેનાને આગળ વધારી. પરંતુ ત્યાં જઈને જોયું તો કોઈ નામોનિશાન ન હતું. ગુસ્સે ભરાયેલા કરતલબ ખાને ફરી તેના ગુપ્તચરોને શિવાજી અને તેમની સેનાને શોધવાનો આદેશ આપ્યો. 

    આખરે મુઘલ ગુપ્તચરોએ શોધી કાઢ્યું કે શિવાજી અને તેમની સેના ઉંબરખિંડમાં રોકાયાં છે. ત્યારબાદ તરત કરતલબ ખાને તેની સેનાને ઉંબરખિંડ તરફ આગળ વધવાનો આદેશ આપ્યો. અને શિવાજી આ જ ઇચ્છતા હતા. 30 હજારની સેના લઈને આવતા મુઘલ સેનાપતિ કરતલબ ખાનને અણસાર પણ ન હતો કે મરાઠા સેના તેમની ઉપર મોત બનીને ત્રાટકશે. 

    મરાઠા સૈનિકોનું આક્રમણ અને મુઘલોનો પરાજય

    જેવી મુઘલ સેના ઉંબરખિંડ પહોંચી કે તરત તેમની રાહ જોઈને બેઠેલી મરાઠા સેનાએ તેમની ઉપર આક્રમણ કરી દીધું અને ફરતેથી તીર ચાલવા માંડ્યાં. મરાઠા સેના ઊંચાઈ પર હતી ત્યાંથી તેમણે એક તરફ તીર અને ભાલા ચલાવવાના ચાલુ રાખ્યા અને બીજી તરફ સળગતાં લાકડાં અને પથ્થરો વડે આક્રમણ કરી દીધું. 

    મુઘલ સૈનિકો હજુ તો કંઈ પણ સમજે તે પહેલાં મરાઠાઓએ તેમની ઉપર હુમલો કરી દીધો હતો. હજારો તીર વચ્ચે મુઘલ સેનાને જવાબ આપવાનો પણ સમય ન મળ્યો અને ન તેઓ ભાગી શકતા હતા. મુઘલો ફરતેથી ઘેરાઈ ગયા અને જે કોઈ સૈનિક ભાગવાના પ્રયત્નો કરતો તે મરાઠા સૈનિકોના હાથે હણાઈ જતો હતો. 

    માત્ર બે જ કલાકમાં મરાઠા સૈનિકોએ મુઘલોને ઘૂંટણિયે પાડી દીધા હતા. એક પછી એક ટપોટપ તેમના સૈનિકો મરતા જતા હતા અને કરતલબ ખાન પાસે એક જ વિકલ્પ હતો- આત્મસમર્પણનો. 

    આખરે કરતલબ ખાને એ રસ્તો અપનાવ્યો અને આત્મસમર્પણ કરી દીધું. મુઘલ સેનાએ હથિયારો હેઠાં મૂકી દેવાં પડ્યાં. જોકે, શિવાજીએ મુઘલ સેનાનાં તમામ હથિયારો, ભોજન, અને અન્ય સરસામાન જેમનું તેમ છોડી દેવાની શરતે કરતલબ ખાનને જીવતો છોડી મૂક્યો હતો. 

    ઉંબરખિંડનું આ યુદ્ધ જીત્યા બાદ મરાઠા સેનાનું મનોબળ હજુ વધ્યું હતું અને તેમના સાહસ અને શૌર્યને બળ મળ્યું હતું. આ યુદ્ધમાં છત્રપતિ શિવાજીએ પુરવાર કર્યું હતું કે યુદ્ધ સેનાના સંખ્યાબળ અને હથિયારોના જોરે નહીં દ્રઢ મનોબળ, શૂરવીરતા અને સાહસના જોરે જીતી શકાય છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં