Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટયુવરાજસિંહ જાડેજા સહિતના તોડકાંડના આરોપીઓનું ઠેકાણું ભાવનગર જેલ જ રહેશે: જેલ ટ્રાન્સફરની...

    યુવરાજસિંહ જાડેજા સહિતના તોડકાંડના આરોપીઓનું ઠેકાણું ભાવનગર જેલ જ રહેશે: જેલ ટ્રાન્સફરની અરજી કોર્ટે ફગાવી

    તોડકાંડની તપાસ કરતી SIT અને ભાવનગર જેલ પ્રશાસન દ્વારા યુવરાજ સહિત તોડકાંડના છ આરોપીઓને અન્ય જેલમાં ખસેડવા માટે માંગ કરવામાં આવી હતી.

    - Advertisement -

    1 કરોડના તોડકાંડમાં પકડાયેલા આમ આદમી પાર્ટી નેતા યુવરાજસિંહ જાડેજા અને અન્ય આરોપીઓ હાલ ભાવનગરની જેલમાં બંધ છે. જેમને અન્ય જેલમાં ખસેડવા માટેની એક અરજી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે તે ફગાવી દીધી છે. જેથી આ તમામનું ઠેકાણું હવે ભાવનગર જેલ જ રહેશે. 

    તોડકાંડની તપાસ કરતી SIT અને ભાવનગર જેલ પ્રશાસન દ્વારા યુવરાજસિંહ જાડેજા સહિત તોડકાંડના છ આરોપીઓને અન્ય જેલમાં ખસેડવા માટે માંગ કરવામાં આવી હતી. આ માંગ પાછળનું કારણ એ જણાવવામાં આવ્યું હતું કે, હાલ ડમીકાંડના 33 આરોપીઓ પણ આ જ જેલમાં છે. જેથી બંને કેસના આરોપીઓ વચ્ચે કોઈ ઘર્ષણની સ્થિતિ ન સર્જાય તે માટે તેમની જેલ ટ્રાન્સફર કરવામાં આવે. 

    આ મામલાની સુનાવણી દરમિયાન તોડકાંડના આરોપીઓ યુવરાજસિંહ જાડેજા, કાનભા ગોહિલ, શિવુભા ગોહિલ, બિપિન ત્રિવેદી, ઘનશ્યામ લાધવા અને અલ્ફાઝ પઠાણને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. જોકે, કોર્ટે અરજી સાંભળીને તે ફગાવી દીધી હતી. જેથી આ તમામ હવે ભાવનગર જેલમાં જ રહેશે. 

    - Advertisement -

    1 કરોડ પડાવી લેવાનો લાગ્યો છે આરોપ

    આ તમામ સામે ડમીકાંડ ઉજાગર કરતી યુવરાજસિંહ જાડેજાની પ્રેસ કોન્ફરન્સમાં નામ જાહેર કરીને ફસાવી દેવાની ધાકધમકી આપીને પ્રદીપ બારૈયા અને પ્રકાશ દવે નામના બે ઈસમો પાસેથી કુલ 1 કરોડ રૂપિયા પડાવી લેવાનો આરોપ છે. તમામ સામે 21 એપ્રિલે ભાવનગર પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વારાફરતી ધરપકડ કરી લેવામાં આવી હતી. 

    ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા તમામના જરૂર મુજબના રિમાન્ડ મંજૂર થયા હતા. ત્યારબાદ કોર્ટે તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપતાં તેઓ ભાવનગરની જેલમાં બંધ છે. આ જ જેલમાં ડમીકાંડના 33 જેટલા આરોપીઓને પણ રાખવામાં આવ્યા છે, જેમની ઉપર સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી ઉમેદવાર બેસાડીને કૌભાંડ આચરવાનો આરોપ છે. આ બંને કેસ એકબીજા સાથે સંલગ્ન છે. 

    યુવરાજે દહેગામમાં બંગલો ખરીદ્યો હોવાનો ખુલાસો

    યુવરાજસિંહ જાડેજાની ધરપકડ બાદ જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ નવા ખુલાસા થઇ રહ્યા છે. તાજેતરમાં જ સામે આવ્યું હતું કે તેમણે દહેગામની એક સોસાયટીમાં 51 લાખ રૂપિયાનો બંગલો ખરીદ્યો હતો અને આ માટે 30 લાખની ચૂકવણી કરી પણ દેવામાં આવી હતી. તેમાં તોડકાંડનો પૈસો વપરાયો છે કે કેમ તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. બીજી તરફ, આ કેસમાં કુલ 1 કરોડમાંથી 84 લાખની રકમ રિકવર કરી લેવાઈ છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં