અમદાવાદ શહેરમાં એક હત્યા થઇ હોવાનો મામલો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ તેના પ્રેમી અને બહેનપણી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો. મૃતક વ્યક્તિની ઓળખ મહેશ ઉર્ફે મયુર, મહિલાની ઓળખ મિરલ ઉર્ફે મીરા, તેના પ્રેમીની ઓળખ અનસ મન્સૂરી અને બહેનપણીની ઓળખ ખુશી તરીકે થઇ છે. ત્રણેયની ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરી છે.
મહિલાને પ્રેમી અનસ સાથે અનૈતિક સબંધો હતા, જેમાં નડતરરૂપ હોવાના કારણે તેણે બહેનપણી અને પ્રેમી સાથે કાવતરું રચીને પતિને મારી નાંખ્યો હતો. અનસે મહિલાના પતિને ખેતરમાં લઇ જઈને મારી નાંખ્યો હતો અને લાશ કૂવામાં ફેંકી દીધી હતી.
આ મામલે મૃતક યુવકના પિતાએ અમદાવાદના પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેની નકલ ઑપઇન્ડિયા પાસે પણ ઉપલબ્ધ છે. તેમણે જણાવ્યું કે, તેમના પુત્ર મહેશ ઉર્ફે મયુરનાં લગ્ન આઠેક વર્ષ અગાઉ મિરલ ઉર્ફે મીરા નામની યુવતી સાથે થયાં હતાં. છેલ્લા એક વર્ષથી મયુર તેના સસરાના ઘરે રહીને રિક્ષા ડ્રાઇવિંગનું કામ કરતો હતો. તેને સંતાનમાં 5 અને 3 વર્ષનો, એમ બે પુત્રો હતા.
10 દિવસ પહેલાં મહેશ, પત્ની મિરલ અને બે પુત્રો રાજસ્થાન ફરવા ગયા હતા. જ્યાંથી તેણે પિતાને ફોન કરીને પત્નીના અનૈતિક સબંધો વિશે જણાવીને કહ્યું હતું કે મિરલ રાજસ્થાન ફરવા આવેલા અનસ સાથે બંને દીકરાઓને મૂકીને બહાર ફરવા જતી રહે છે અને બંનેના અનૈતિક સબંધો હોવાની તેને શંકા છે. ફરિયાદ અનુસાર, યુવકે મહિલાને સબંધો વિશે પૂછતાં તેણે અને તેના પ્રેમીએ તેને ધમકી પણ આપી હતી.
ફરિયાદમાં પિતાએ જણાવવામાં આવ્યું કે, ગત 5 જાન્યુઆરીના રોજ સાંજે સાડા સાતેક વાગ્યે મયુરે તેમને ફોન કરીને જણાવ્યું હતું કે તે બંને દીકરાઓ સાથે ગામડે આવી રહ્યો છે અને તેની પત્ની આવવાનો ઇનકાર કરી રહી છે. ત્યારબાદ નવ વાગ્યાના અરસામાં તેમણે ફરી ફોન કરતાં મિરલની બહેનપણીએ ઉપાડ્યો હતો અને મયુર ઘરે ન હોવાનું અને તેને અનસે બોલાવ્યો હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ સવાર સુધીમાં પણ મયુર ઘરે ન આવતાં તેના પિતાએ અમદાવાદ રહેતા તેમના સબંધીઓને ફોન કરીને ઘરે તપાસ કરવા માટે કહેતાં સબંધીઓ મિરલના ઘરે પહોંચ્યા હતા, જ્યાં તેમને મયુર રાત્રે ક્યાંક જતો રહ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ મૃતક યુવકના પિતા પણ પહોંચ્યા હતા.
યુવકના પિતાએ ઘણી શોધખોળ કરવા છતાં કોઈ ભાળ મળતાં અમદાવાદ પોલીસ મથકે જઈને ફરિયાદ દાખલ કરાવી હતી. જેના આધારે પોલીસે મિરલ, ખુશી અને અનસને બોલાવીને પૂછપરછ કરતાં ત્રણેયે મયુરની હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી હતી.
પોલીસને જણાવ્યું હતું કે, અનસે ખેતરમાં લઇ જઈને તીક્ષ્ણ હથિયાર વડે મયુરના ગળાના ભાગે હુમલો કરી દીધો હતો અને તે મૃત્યુ પામ્યા બાદ કોઈને મળે નહીં તે મકસદથી ખેતરની નજીકમાં આવેલા કૂવામાં લાશ ફેંકી દીધી હતી. ત્યારબાદ પોલીસે આરોપીઓને સાથે લઈ જઈને તપાસ કરતાં કૂવામાંથી લાશ મળી આવી હતી.
આ મામલે પોલીસે ત્રણેય આરોપી સામે IPCની કલમ 302, 201, 120B અને 506(2) તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 135(1) હેઠળ ગુનો દાખલ કરી, ધરપકડ કરી, આગળની તપાસ શરૂ કરી છે.