સુરતમાં કોંગ્રેસનાં એક પૂર્વ મહિલા નેતાની દારૂના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. જેમની ઓળખ કોંગ્રેસ મહિલા મોરચાનાં પૂર્વ ઉપપ્રમુખ મેઘના પટેલ તરીકે થઇ છે. તેમની સાથે પોલીસે અન્ય એક ઈસમને પણ પકડી પાડ્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુરત પોલીસે એક બોલેરો કારમાં દારૂ લઇ જતા એક શખ્સને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી રૂ. 7 લાખ 65 હજારની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો હતો.
પકડાયેલા શખ્સની પૂછપરછ કરતાં આ દારૂ કોંગ્રેસ નેતા મેઘના પટેલે મંગાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ પોલીસે કોંગ્રેસનાં મહિલા નેતાની પણ ધરપકડ કરી લીધી હતી.
આ કાર્યવાહી ઉમરા પોલીસે કરી છે. પોલીસને એક શખ્સ ગાડીમાં દારૂ લઇ જતો હોવાની બાતમી મળતાં પીપલોદના ચાંદની ચોક વિસ્તારમાં વૉચ ગોઠવી હતી. જેમાં એક ઈસમ ગાડી સાથે ઝડપાઇ ગયો હતો. તેની પૂછપરછમાં કોંગ્રેસ મહિલા મોરચાનાં પૂર્વ ઉપપ્રમુખ મેઘના પટેલનું પણ નામ સામે આવ્યું હતું.
કાર્યવાહીને લઈને સુરત ડીસીપી સાગર બાઘમારેએ જણાવ્યું હતું કે તેમણે સાડા સાત લાખ રૂપિયાનો દારૂ અને અન્ય મુદ્દામાલ મળીને દસ લાખથી પણ વધુ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે કહ્યું કે, પકડાયેલા શખ્સની પૂછપરછ કરતાં એક મહિલાનું પણ નામ સામે આવ્યું હતું, જેની પણ ધરપકડ કરવામાં આવી છે. તે કોંગ્રેસ પક્ષના હોદ્દા પર પણ રહી ચૂકી હોવાનું જાણવા મળ્યું છે. જેનો ભૂતકાળ પણ તપાસવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે મેઘના પટેલનું નામ અગાઉ પણ વિવાદોમાં આવી ચૂક્યું છે. વર્ષ 2019માં એક આત્મહત્યા દુષ્પ્રેરણા કેસમાં તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને ગુજરાતના મહિલા મોરચાના ઉપપ્રમુખ પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. તેમની સાથે અન્ય પાંચ લોકો પર એક યુવકને ચોરીનો આરોપ લગાવીને મારી-મારીને પ્રતાડિત કરવાનો આરોપ લાગ્યો હતો. મારપીટ બાદ યુવકે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
આ ઉપરાંત, જાન્યુઆરી 2022માં અન્ય એક કેસમાં પણ તેમનું નામ સામે આવ્યું હતું. એક રિપોર્ટ અનુસાર, નવસારીના એક ખેડૂત પાસે જમીંનના દસ્તાવજે કરાવીને બરોબર જમીન વેચીને લાખોની છેતરપિંડી થયાની ફરિયાદ બાદ પોલીસે મેઘના અને અન્ય બે શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી અને ધરપકડ કરવામાં આવી હતી.