પાડોશી દેશ પાકિસ્તાનની હાલત દિવસે-દિવસે ખરાબ થતી જાય છે. પાયમાલ થતા દેશને બચાવવા માટે સરકાર બદલાઈ પણ પછી પણ ઝાઝો ફેર પડ્યો નથી. વચ્ચે પૂરના કારણે દેશ વધુ ખાડામાં ગયો હતો. ત્યારે હવે ત્યાંની સરકારે એક પછી એક મોટાં પ્રદર્શનોનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં ગિલગિટ અને બાલ્ટીસ્તાનમાં મોટાપાયે પ્રદર્શનો યોજાયાં હતાં.
ગિલગિટ અને બાલ્ટીસ્તાન આમ તો પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં (POK) સ્થિત છે, જે ભાગ પાકિસ્તાને ગેરકાયદેસર રીતે પચાવી પાડ્યો છે. બાકીના દેશની જેમ પણ પાકિસ્તાનથી ઠીક રીતે સંચાલન થઇ રહ્યું નથી અને જેના કારણે આખરે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.
હાલમાં જ સોશિયલ મીડિયા ઉપર કેટલાક વિડીયો સામે આવ્યા હતા જે ગિલગિટ અને બાલ્ટીસ્તાનના હોવાનું કહેવાય છે. અહીં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ રસ્તા ઉપર ઉતરી આવીને પાકિસ્તાન સરકાર અને ત્યાંની સેના વિરુદ્ધ મોરચો માંડી દીધો હતો અને નારાબાજી કરી હતી.
In #GilgitBaltistan ppl chant slogans “Qabiz Fauji Murdabad”. Ppl are not happy with #Pakistan & #PakistanArmy but they don’t see any light at the end of the tunnel. In fact #Indian policies since 1947 have dejected the ppl. When will #India fulfil her constitutional duties? pic.twitter.com/DKktCksDeY
— Prof. Sajjad Raja (@NEP_JKGBL) January 2, 2023
વિડીયોમાં બહુ મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકો ‘કાબિઝ ફૌજી મુર્દાબાદ’ના નારા લગાવતા સાંભળી શકાય છે. અહેવાલો અનુસાર, હાડ થીજવતી ઠંડીમાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકોએ પ્રદર્શનમાં ભાગ લીધો હતો અને પાકિસ્તાન સરકાર અને સેના સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો.
ગિલગિટ-બાલ્ટીસ્તાનમાં કેમ થઇ રહ્યાં છે આ વિરોધ પ્રદર્શનો?
આ વિરોધ પ્રદર્શનોમાં એકસાથે અનેક બાબતોનો ગુસ્સો નીકળી રહ્યો છે. લોકો ‘ખાલસા સરકાર’ના કાયદા ઉપરાંત વીજળીની સમસ્યા અને ટેક્સમાં વધારો વગેરેને લઈને સરકારના વિરોધમાં ઉતર્યા છે.
‘ખાલસા સરકાર’નો દુરુપયોગ કરીને લોકોની જમીન પચાવી પાડી
પાકિસ્તાની સરકાર પર ત્યાંના ‘ખાલસા સરકાર’ કાયદાનો દુરુપયોગ કરવાનો આરોપ લાગ્યો છે. આ કાયદો ગિલગિટ-બાલ્ટીસ્તાનમાં કોઈ પણ પડતર અને બિનખેતીની જમીન સરકાર હસ્તક લઇ લેવાનો અધિકાર આપે છે. પછી ભલે આ જમીન કોઈ સમૂહની માલિકીની પણ કેમ ન હોય.
અહીંના લોકોનો આરોપ છે કે આ કાયદાનો દુરુપયોગ કરીને પાકિસ્તાની સેનાએ તેમની જમીનો પચાવી પાડી છે અને પહેલેથી જ ગરીબીનો સામનો કરતા પ્રદેશને વધુ મુશ્કેલીમાં નાંખ્યો છે.
નવેમ્બર 2021માં તથાકથિત ગિલગિટ-બાલ્ટીસતાન એસેમ્બલીમાં આ કાયદો રદ કરવા માટે પ્રસ્તાવ પણ લાવવામાં આવ્યો હતો પરંતુ સભ્યોમાં મતભેદો હોવાનું કહીને તેને મંજૂરી જ આપવામાં આવી ન હતી અને વાતો હવામાં જ રહી ગઈ હતી. જેના કારણે 2021થી જ પ્રદર્શનો થઇ રહ્યાં હતાં.
તાજેતરમાં 28 ડિસેમ્બરે ખૂબ મોટી સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શનો કરીને વિરોધ નોંધાવ્યો હતો અને હડતાળ પણ પાડી હતી. જોકે, ત્યાંની સરકાર પર તેની કોઈ અસર થતી જણાઈ રહી નથી.
ત્યાંના લોકોનો આરોપ છે કે આ કાયદાના કારણે તેમની જમીન પચાવી પાડવામાં આવી રહી છે અને તેનો ફાયદો પાકિસ્તાની સરકારની નજીકના લેન્ડ માફિયાઓને થઇ રહ્યો છે. બીજી તરફ, બહારના લોકો પણ અહીં આવતા હોવાના કારણે ડેમોગ્રાફીમાં પણ બદલાવ આવી રહ્યો હોવાનું સ્થાનિકોનું કહેવું છે. પ્રદર્શનો કરતા લોકોનો એવો પણ આરોપ છે કે ગિલગિટ અને બાલ્ટીસ્તાનમાં સબંધિત મામલાઓના નિર્ણય કરવા માટે સ્થાનિકોને જ સામેલ કરવામાં આવી રહ્યા નથી.
વીજળીની સમસ્યા
આ વિસ્તારમાં એક મોટી સમસ્યા હોય તો તે છે વીજળીની સમસ્યા. અહેવાલો અનુસાર, અહીં દિવસના 18થી 22 કલાક સુધી વીજળી રહેતી નથી. દિવસના માત્ર એક-બે કલાક વીજળી મળે છે. જેના કારણે લોકો વધુ પરેશાન છે.
આરોપ છે કે આ પ્રદેશમાં પૂરતું પાણી હોવા છતાં ત્યાંની સરકાર ડેમ બનાવીને વીજળી પહોંચાડવાની વ્યવસ્થા કરી રહી નથી.
ઘઉંની સમસ્યા
આ વિસ્તારમાં બીજી એક સમસ્યા ઘઉંની છે. ગિલગિટ-બાલ્ટીસ્તાનના લગભગ દરેક માર્કેટમાં ઘઉંની અછત વર્તાઈ રહી છે. તેનું કારણ એ છે કે પાકિસ્તાન સરકારે અહીં ઘઉંનો પુરવઠો મોકલવાનો ઘટાડી દીધો છે.
ઉપરથી પાકિસ્તાની સરકારે ટેક્સ લાગુ કર્યો
અનેક સમસ્યાઓનો સામનો કરતી ગિલગિટ-બાલ્ટીસ્તાનની પ્રજાને ‘ભેટ’ આપતાં તાજેતરમાં જ પાકિસ્તાની સરકારે ટેક્સમાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો, જેના કારણે પ્રદર્શનોને વધુ વેગ મળ્યો. ઓક્ટોબર 2022માં એક બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જેનું નામ છે- Gilgit-Baltistan Revenue Authority Bill 2022, જેમાં કુલ 135 જેટલી વસ્તુઓ ઉપર ટેક્સ લગાવવા માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. લોકો તેનો પણ વિરોધ કરે તે સ્વભાવિક છે.
કારગિલ-લદાખ તરફ આગળ વધવાની પ્રદર્શનકારીઓની ચીમકી
ગિલગિટ અને બાલ્ટીસ્તાનમાં ઘણા દિવસોથી ચાલતાં પ્રદર્શનો વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યા છે અને હવે લોકોએ કારગિલ અને લદાખ તરફ આગળ વધવાની ધમકી આપી છે. રિપબ્લિક મીડિયાના એક રિપોર્ટ અનુસાર, એક પ્રદર્શનકારી યુવકે મીડિયા સાથેની વાતચીતમાં પાકિસ્તાન સરકારને સંબોધીને કહ્યું કે, “2018માં કરી તેવી ભૂલો ફરી કરશો નહીં. અને જો એવું કર્યું તો અમે પાકિસ્તાન તરફ નહીં જઈએ અને કારગિલ અને લદાખ તરફ આગળ વધીશું.”
અનેક પડકારો ઝીલી રહેલી પાકિસ્તાન સરકાર સામે હવે આ પ્રદશનો કેવી રીતે ખાળવાં એ મોટો પ્રશ્ન બની ગયો છે. જેનો જવાબ ન પહેલાંની સરકાર પાસે હતો, ન હાલની સરકાર પાસે છે.