ઈલોન મસ્કે ટ્વિટરની કમાન સંભાળી ત્યારબાદ તેઓ પોતે અને ટ્વિટર બંને અવારનવાર ચર્ચામાં રહે છે. થોડા દિવસો પહેલાં તેમણે ટ્વિટર ઉપર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડનના પુત્ર હન્ટર બાયડનને લગતી સ્ટોરીને સેન્સર કરવા માટે શું-શું કરવામાં આવ્યું હતું તેનો ખુલાસો કર્યો હતો. જેના માટે હમણાં-હમણાં ‘ટ્વિટર ફાઇલ્સ’ શબ્દ વધુ જાણીતો બન્યો છે.
ગત 3 ડિસેમ્બરના રોજ ઈલોન મસ્કે પત્રકાર મેટ તૈબીનાં ટ્વિટ્સને રિ-ટ્વિટ કર્યાં હતાં. આ ટ્વિટ થ્રેડમાં મેટ તૈબીએ સમજાવ્યું છે કે કઈ રીતે કંપનીનાં પૂર્વ લીગલ હેડ વિજયા ગડ્ડેએ અસ્પષ્ટ અને મનસ્વી નિયમોની આડમાં સેન્સરશિપમાં અગત્યની ભૂમિકા ભજવી હતી. તેમણે ટ્વિટ થ્રેડમાં કંપનીના કર્મચારીઓ વચ્ચે થયેલી આંતરિક વાતચીતને પણ સાર્વજનિક કરી હતી.
Here we go!! 🍿🍿 https://t.co/eILK9f3bAm
— Elon Musk (@elonmusk) December 2, 2022
કંપનીના ઇન્ટર્નલ કોમ્યુનિકેશન પરથી જાણવા મળ્યું કે કઈ રીતે ટ્વિટરની મોડરેશન ટીમને બાયડન પ્રશાસન તરફથી નિયમિતપણે ટ્વિટ્સ સેન્સર કરવા માટે નિર્દેશ આપવામાં આવતા હતા. એ પણ નોંધવું જોઈએ કે જ્યારે આ સ્ટોરી પ્રકાશિત કરવામાં આવી અને પછીથી સેન્સર કરવામાં આવી ત્યારે અમેરિકામાં બાયડન સત્તા પર ન હતા.
મેટ તૈબી આગળ જણાવે છે કે, ટ્વિટરે આ સ્ટોરીને દબાવવા માટે અનેક પગલાં લીધાં હતાં અને તેને ‘અનસેફ’ ગણાવીને અનેક લિંક પણ હટાવી દીધી હતી. ઉપરાંત, કંપનીએ તેનું ડાયરેક્ટ મેસેજ ટ્રાન્સમિશન પણ અટકાવી દીધું હતું, જે ટૂલ સામાન્ય રીતે ચાઈલ્ડ પોર્નોગ્રાફી જેવા અતિગંભીર કેસ માટે જ ઉપયોગમાં લેવામાં આવતું હતું. ટ્વિટરના ઇન્ટર્નલ કોમ્યુનિકેશન પરથી એ સામે આવ્યું છે કે કઈ રીતે ‘હૅક્ડ મટિરિયલ્સ પોલિસી’ના નામે સેન્સરશિપને યોગ્ય ઠેરવવામાં આવી હતી.
મેટ તૈબી કહે છે કે, ‘હન્ટર-બાયડન’ સ્ટોરીને સેન્સર કરવાનો નિર્ણય કંપનીના સર્વોચ્ચ સ્તરેથી લેવામાં આવ્યો હતો પરંતુ કંપની CEO જેક ડોર્સીને તેની જાણ ન હતી. જ્યારે ટ્વિટરનાં પૂર્વ લીગલ હેડ વિજ્યા ગડ્ડેએ આ સમગ્ર પ્રક્રિયામાં બહુ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.
પત્રકારે જણાવ્યું કે, ટ્વિટરની મોડરેશન ટીમ અહીંથી જ અટકી ન હતી અને તેમણે વ્હાઇટ હાઉસનાં પૂર્વ પ્રવક્તા કલીગ મેકનેનીનું અકાઉન્ટ પણ લૉક કરી દીધું હતું. જોકે, વિજયા ગડ્ડેએ વ્હાઇટ હાઉસનાં પ્રવક્તા કલીગ મેકનેનીના અકાઉન્ટને લૉક કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો તેમજ ‘હન્ટર-બાયડન સ્ટોરી’ને સેન્સર કરવાને પણ તર્કસંગત ગણાવવાના પ્રયાસ કર્યા હતા.
તૈબીએ પણ જણાવ્યું કે, હન્ટર-બાયડન લેપટોપ સ્ટોરી કવરઅપને લઈને જેક ડોર્સીને કથિત રીતે અંધારામાં રાખવામાં આવ્યા હતા. તેમણે છેલ્લે ઉમેર્યું કે, આ કેસની એક અન્ય મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે સીઈઓ જેક ડોર્સીની જાણ બહાર કેટલું કરવામાં આવ્યું અને તેમને જાણ થયા પછી પરિસ્થિતિ નિયંત્રણ લેવામાં કેટલો સમય ગયો.
શું છે હન્ટર-બાયડન સ્ટોરી?
2020ની યુએસ ચૂંટણી (રાષ્ટ્રપતિની) પહેલાં ન્યૂયોર્ક પોસ્ટે જો બાયડનના પુત્ર હન્ટર બાયડનના યુક્રેનિયન ગેસ કંપનીના કર્મચારીઓ સાથેના વાંધાજનક ઇમેલ્સને લઈને એક વિસ્ફોટક સ્ટોરી પ્રકાશિત કરી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, હન્ટરે તેનું લેપટોપ રીપેર માટે આપ્યું હતું અને જેને તે પછી ક્યારેય લેવા પણ ન હતો આવ્યો કે ન ચાર્જ ચૂકવ્યો હતો. આ લેપટોપમાંથી જે સામગ્રી મળી તેની ઉપર આ સમગ્ર સ્ટોરી આધારિત હતી.
સ્ટોરીમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે, લેપટોપમાંથી એવા કેટલાક ડોક્યુમેન્ટ્સ અને વિડીયો મળી આવ્યા હતા જે પરથી જાણવા મળ્યું હતું કે હન્ટર બાયડને યુક્રેનના વ્યાપારિક ભાગીદારો સાથેના સોદાઓમાં પિતાની રાજકીય વગનો ઉપયોગ કર્યો હતો. બાયડન અમેરિકાના ઉપ-રાષ્ટ્રપતિ પદે રહેતાં એક યુક્રેનિયન ઉદ્યોગપતિને મળ્યા હોવાનું અને પોતાની વગ વાપરીને હન્ટરને ધંધામાં મદદ કરી હોવાનું પણ જણાવાયું હતું. આ તમામ બાબતો હન્ટર અને યુક્રેની વ્યવસાયિક ભાગીદારો વચ્ચેના ઈ-મેઇલ્સમાં સામે આવી હોવાનું અખબારે જણાવ્યું હતું.
આ સ્ટોરીને ટ્વિટર અને ફેસબુક બંને માધ્યમો દ્વારા સેન્સર કરવામાં આવી હતી અને તેને ‘ફેક ન્યૂઝ’નું લેબલ આપી દેવામાં આવ્યું હતું. શરૂઆતમાં લેફ્ટ-લિબરલ ગેંગે આ રિપોર્ટને પાયાવિહોણો ગણાવીને રદ કરી દીધો હતો પરંતુ પછીથી પુષ્ટિ થઇ હતી કે લેપટોપ ખરેખર હન્ટર બાયડનનું જ હતું. બીજી તરફ, ટ્વિટરના પૂર્વ હેડ જેક ડોર્સીએ સ્ટોરી સેન્સર કરવા અને NY પોસ્ટને બ્લૉક કરવાને લઈને ખેદ પણ વ્યક્ત કર્યો હતો.