ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવને CBIએ સમન્સ મોકલ્યું છે. ગેરકાયદેસર માઈનિંગ કેસ મામલે આ સમન્સ પાઠવ્યું હોવાનું સામે આવ્યું છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશને (CBI) તેમને CrPCની કલમ 160 હેઠળ સમન્સ મોકલ્યું છે અને ગુરુવારે (29 જાન્યુઆરી) દિલ્હીમાં એજન્સી સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. અખિલેશ યાદવને જે કેસ માટે સમન્સ પાઠવવામા આવ્યું છે, તે કેસ વર્ષ 2012થી 2017 વચ્ચેનો હોવાનું કહેવાય છે.
ઉત્તર પ્રદેશના સપા નેતા અખિલેશ યાદવને CBIએ સમન્સ પાઠવ્યું છે. સમન્સમાં કહેવામાં આવ્યું છે કે, ઉત્તર આપવા માટે અખિલેશ યાદવે CBI સમક્ષ હાજર થવું પડશે. તેમને આ સમન્સ ગેરકાયદેસર માઈનિંગ કેસ સંબંધિત પૂછપરછ માટે પાઠવવામા આવ્યું છે. આ કેસ 2012થી 2017 વચ્ચેના ખાણ મંત્રાલય સાથે સંબંધિત છે. તે સમયે અખિલેશ યાદવ યુપીના મુખ્યમંત્રી હતા અને થોડા સમય માટે ખાણ મંત્રાલયનો કારભાર પણ તેમની પાસે જ હતો. આ સમગ્ર કેસ હમીરપુરામાં કથિત ગેરકાયદેસર માઈનિંગ સાથે સંબંધિત છે.
ઉલ્લેખનીય છે કે 2012થી 2017 દરમિયાન અખિલેશ યાદવ UPના મુખ્યમંત્રી હતા અને 2012-13 દરમિયાન ખાણ મંત્રાલયનો કારભાર તેમની પાસે જ હતો. ત્યારબાદ વર્ષ 2013માં ગાયત્રી પ્રજાપતિને આ મંત્રાલય સોંપવામાં આવ્યું હતું.
આરોપ છે કે 2012-16 દરમિયાન કેટલાક અધિકારીઓએ ગેરકાયદેસર ખનન માટે મંજૂરી આપી હતી અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા માઈનિંગ પર બૅન હોવા છતાં ગેરકાયદેસર રીતે લાયસન્સ રિન્યૂ કરવામાં આવ્યાં હતાં. અધિકારીઓએ ખનિજ ચોરીની છૂટ આપીને તે બદલ લીઝધારકો અને ડ્રાઇવરો પાસેથી પૈસા વસૂલ્યા હોવાનો આરોપ છે. જે મામલે CBIએ વર્ષ 2016માં અલાહાબાદ હાઈકોર્ટના આદેશથી કેસ દાખલ કર્યો હતો. એજન્સીનો એવો પણ આરોપ છે કે અખિલેશ યાદવની ઑફિસે એક જ દિવસમાં 13 પ્રોજેક્ટને મંજૂરી આપી હતી.
હાઈકોર્ટના આદેશ બાદ CBIએ નોંધ્યો હતો કેસ
અલ્હાબાદ હાઈકોર્ટે 28 જુલાઈ, 2016ના રોજ આ મામલે કેસ નોંધવા માટેનો આદેશ આપ્યો હતો. જે બાદ CBI દ્વારા કેસ નોંધવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી. CBI દ્વારા DM હમીરપુરા, જિયોલોજીસ્ટ, માઈનિંગ ઓફિસર, ક્લાર્ક, લીઝ હોલ્ડર અને અન્ય અજ્ઞાત લોકોની વિરુદ્ધ અલગ-અલગ કલમો 120(B), 379, 384, 420, 511, પ્રિવેન્શન ઓફ કરપ્શનની કલમ 13(1)(D) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. FIRમાં આરોપ છે કે, સરકારી કર્મચારીઓએ હમીરપુરામાં ખનીજોના ગેરકાયદેસર માઈનિંગને મંજૂરી આપી હતી.
દાખલ કરવામાં આવેલી FIRમાં જણાવાયું છે કે, ગુનાહિત કાવતરામાં સરકારી કર્મચારીઓએ ટેન્ડર પ્રક્રિયાને અનુસર્યા વિના ગેરકાયદેસર રીતે નવી લીઝ આપી હતી. લોકોને ખનિજ ગેરકાયદેસર રીતે ખોદવાની છૂટ આપવામાં આવી હતી. તેમજ ખનિજ ચોરી અને પૈસા પડાવવાની પરવાનગી આપવામાં આવી હતી.
નોંધનીય છે કે, આ કેસની તપાસ કરી રહેલી CBIએ 5 જાન્યુઆરી 2019ના રોજ 12 સ્થળોએ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન CBIએ મોટી માત્રામાં રોકડ નાણું અને સોનું જપ્ત કર્યું હતું. CBIએ હવે પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને CrPC 160 હેઠળ આ કેસમાં સાક્ષી તરીકે સમન્સ પાઠવ્યા છે. ગેરકાયદે ખનનના મામલામાં એજન્સીએ ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લાના તત્કાલિન DMના લખનઉના નિવાસસ્થાને પણ દરોડા પાડ્યા હતા. ટીમે તેમના ઘરેથી ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ જપ્ત કર્યા હતા.