સુપ્રીમ કોર્ટે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને એક કોર્ટની અવમાનનાના કેસમાં ચાર મહિનાની જેલની સજા ફટકારી છે તેમજ 2 હજાર રૂપિયાનો દંડ કર્યો છે. દંડ ન ચૂકવવા પર બે મહિનાની વધુ સજા થશે. આ ઉપરાંત કોર્ટે વિજય માલ્યાને વિદેશમાં ટ્રાન્સફર કરવામાં આવેલા 40 મિલિયન ડૉલર વ્યાજ સહિત ચાર અઠવાડિયામાં ચૂકવવા માટેનો પણ આદેશ આપ્યો છે. જો આ આદેશનું ઉલ્લંઘન કરવામાં આવે તો માલ્યાની સંપત્તિ જપ્ત કરવા માટે કોર્ટે તપાસ એજન્સીઓને છૂટ આપી છે.
Supreme Court awards 4-month jail sentence and imposes Rs 2000 fine on fugitive businessman Vijay Mallya who was found guilty of contempt of court in 2017 for withholding information from the court pic.twitter.com/Z8zP5P8qdf
— ANI (@ANI) July 11, 2022
સુપ્રીમ કોર્ટમાં ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠે આ નિર્ણય સંભળાવ્યો હતો. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ માલ્યાને વધુ સજા કરવાની માંગ કરી હતી. કેન્દ્રે કહ્યું હતું કે માલ્યાએ વિદેશી ખાતાંઓમાં પૈસા ટ્રાન્સફર કરવા બાબતે કોર્ટને ખોટી જાણકારી આપી એટલું જ નહીં પરંતુ છેલ્લા પાંચ વર્ષથી કોર્ટમાં હાજર ન રહીને કોર્ટના આદેશોની પણ અવમાનના કરી છે.
સુપ્રીમ કોર્ટે વર્ષ 2017માં વિજય માલ્યાને અવમાનના કેસમાં દોષી ઠેરવીને કાર્યવાહી શરૂ કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, માલ્યાએ અવમાનના માટે ક્યારેય કોર્ટ સમક્ષ માફી માંગી નથી. ભારતીય સ્ટેટ બેંકે વિજય માલ્યા વિરુદ્ધ કકોર્ટના આદેશ છતાં રકમ ન ચૂકવવા બદલ અરજી કરી હતી.
આ મામલે બેંક અને અન્ય ઓથોરિટીનો પક્ષ સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે 10 જુલાઈ 2017ના રોજ વિજય માલ્યાને સુપ્રીમ કોર્ટમાં પક્ષ રાખવા માટે હાજર રહેવા માટે આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, માલ્યા બ્રિટનમાં એક આઝાદ વ્યક્તિની જેમ રહે છે, પરંતુ તેઓ ત્યાં શું કરે છે તે મામલે કોઈ જાણકારી નથી.
સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું હતું કે માલ્યાને બે કેસમાં કોર્ટ દોષી ઠેરવી ચૂકી છે. જેમાં પહેલો કેસ સંપત્તિનો ખુલાસો ન કરવા અંગે છે અને બીજો કર્ણાટક હાઇકોર્ટના આદેશોના ઉલ્લંઘન સબંધિત છે. સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાને કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરી પોતાના સંતાનોની અઘોષિત વ્યક્તિગત સંપત્તિમાંથી 4 કરોડ ડૉલરની રકમ ટ્રાન્સફર કરવા મામલે દોષી ઠેરવીને કાર્યવાહી શરૂ કરી હતી. વિજય માલ્યા કોર્ટમાં હાજર ન રહેતા કોર્ટે કહ્યું હતું કે તેમની ગેરહાજરીમાં જ કેસ આગળ ચલાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ઉદ્યોગપતિ વિજય માલ્યા પર તેમની કિંગફિશર એરલાઈન સબંધિત નવ હજાર કરોડ રૂપિયાના બેન્ક ગોટાળાનો આરોપ લાગ્યો છે. આ મામલો સામે આવ્યા બાદ વિજય માલ્યાએ દેશ છોડીને ભાગવું પડ્યું હતું. હાલ તે બ્રિટનમાં રહે છે. ઘણીવાર માલ્યાને ભારત પરત લાવવા માટેની ચર્ચાઓ ચાલતી રહે છે, હવે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તેના પ્રત્યાર્પણ માટેની ગતિવિધિઓમાં ઝડપ આવશે.