સોશિયલ મીડિયાના જમાનામાં કેટલાક લોકો પોતાની કરતુતોથી અનેક લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડવામાં જરા પણ ખચકાતા નથી, તેવામાં ભરૂચના નિકાહમાં રાષ્ટ્રગીતનું અપમાન કરતો એક વિડીયો વાયરલ થતા વિષય ચર્ચામાં આવ્યો છે. વિડીયો વાયરલ થયા બાદ પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું હતું અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે કવાયત હાથ ધરી હતી.
અહેવાલો અનુસાર ભરૂચના નિકાહમાં રાષ્ટ્રગીતનું અપમાન કરતો વિડીયો વાયરલ થયો તે અનુસંધાને બી.ડીવીઝનમાં જાણવાજોગ ફરિયાદ નોંધવામાં આવી છે, સામે આવેલી વિગતો મુજબ આ વિડીયો ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતાં ઐયુબ ઇબ્રાહિમની પુત્રીનો રાત્રીના સમયે યોજાયેલા નિકાહનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. નિકાહમાં આવેલા જુબેર ઈસ્માઈલ પટેલ, સલીમ અબ્દુલ ધીરા, ઈરફાન મુબારક પટેલ, નાસીર ઈસ્માઈલ સમનીવાલા, વસીમ શબીર નવાબ, ઝુલ્ફીકાર આદમ રોકડિયા, જાવેદ સિદ્દીક ધોળાટ, સઈદ આદમ રોકડિયા, ઉસ્માન ઇસ્માઈલ પટેલ, સરફરાજ અલી પટેલ સહિતના લોકોએ મંડપમાં જ રાષ્ટ્રગીતનું ગાન શરૂ કર્યું હતું. આ દરમિયાન પાંચ શખ્સોએ ખુરશીમાં બેઠા બેઠા જ્યારે અન્ય 5 શખ્સોએ સાવધાન અવસ્થામાં ઉભા રહ્યાં વિના રાષ્ટ્રગીતનું પઠન કર્યું હતું.
ભરૂચ: બી ડિવિઝન પોલીસ મથકની હદમાં રાષ્ટ્રગીતનું અપમાન, કેટલાક લોકો રાષ્ટ્રગીતનું અપમાન કરી રહ્યા હોવાનો વીડિયો વાયરલ | #TV9GujaratiNews #Gujarat pic.twitter.com/oUxO0mgd35
— Tv9 Gujarati (@tv9gujarati) February 13, 2023
વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
આ તમામ લોકોની કરતૂતનો વિડીયો તેમણે સોશિયલ મીડિયા પર મુક્યો હતો અને જોત જોતામાં વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ઉહાપો મચી ગયો હતો. આ અરસામાં ભરૂચ બી ડિવિઝન પોલીસને જાણ થતાં પોલીસે જાતે જ ફરિયાદી બની વિડિયોમાં દેખાતાં તમામ 11 લોકો વિરૂદ્ધ હાલમાં ગુનો નોંધ્યો છે. પોલીસે જે મોબાઇલમાં રેકોર્ડિંગ કર્યું હતું. તે મોબાઇલ પણ કબજે કરી પ્રાથમિક તબક્કે તમામની અટકાયત કરી હતી. હાલ પોલીસે જપ્ત કરેલ મોબાઇલને એફએસએલમાં મોકલી આપવામાં આવ્યો છે. ત્યારે તેનો રિપોર્ટ આવ્યે તેમની સામેે રાષ્ટ્રદ્રોહની કલમ હેઠળ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
નોંધનીય છે કે રાષ્ટ્રગીતનું અપમાન કરનારાઓમાં 2 વ્યક્તિઓ ભાજપ સાથે જોડાયેલા હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેમાં સઇદ આદમ રોકડિયા હાલમાં થયેલી નગરપાલિકાની ચૂંટણીમાં ભરૂચના વોર્ડ નંબર 1માં ભાજપ તરફે ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે ઝૂબેર ઉર્ફે ઇમરાન ઇસ્માઇલ પટેલ ભાજપના લઘુમતિ મોરચાના મહામંત્રી તરીકેના પદ પર હોવાનું મીડિયા એજન્સીઓને તેમના સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.