તાજેતરમાં જ વારાણસીની (Varanasi) ઉદય પ્રતાપ કોલેજ (Udai Pratap College) પર ઉત્તર પ્રદેશ સેન્ટ્રલ સુન્ની વક્ફ બોર્ડે (Waqf Board) દાવો કર્યો હોવાના મામલાએ જોર પકડ્યું હતું. કોલેજના વિદ્યાર્થીઓએ પણ આ મામલાની વિરુદ્ધમાં પ્રદર્શન કર્યું હતું અને કોલેજમાં ગેરકાયદે બનાવવામાં આવેલી મજારમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આ મામલે 6-7 વિદ્યાર્થીઓની અટકાયત પણ કરી હતી. ત્યારે હવે આ મામલે કોલેજના પ્રિન્સિપાલે એક નિવેદનમાં જણાવ્યું છે કે, વક્ફ બોર્ડે તાજેતરમાં કોલેજને એક પત્ર લખીને જાણકારી આપી હતી કે કોલેજ પરનો દાવો 2021માં જ નિરસ્ત કરી દેવાયો હતો.
થોડા દિવસ પહેલાં વારાણસીની ઉદય પ્રતાપ કોલેજની સંપત્તિ પર સુન્ની વક્ફ બોર્ડે દાવો કર્યો હોવાનો મામલો સામે આવ્યો હતો, જેના પગલે ભારો હોબાળો મચી ગયો હતો. જુમ્માની નમાજના દિવસે મુસ્લિમોનું ટોળું કોલેજ પરિસરમાં ગેરકાયદે બનાવાયેલી મસ્જિદમાં નમાજ કરવા પહોંચી ગયું હતું ત્યારે કોલેજના વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે હવે કોલેજ પ્રિન્સિપાલે એક નિવેદન આપ્યું છે.
પ્રિન્સિપાલે કહ્યું કે, “અમને યુપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધિકારી અબ્દુલ મોબીન ખાન તરફથી એક પત્ર મળ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે અમને અગાઉ આપવામાં આવેલી નોટિસ રદ કરવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ, અમને આપવામાં આવેલી નોટિસ 18મી જાન્યુઆરી, 2021ના રોજ રદ કરવામાં આવી હતી.”
#WATCH | Varanasi | On Waqf Board claiming land belonging to Udai Pratap College in Varanasi campus, Principal Professor DK Singh says, "We have got a letter from UP Sunni Central Waqf Board official Abdul Mobeen Khan which states that the earlier notice served to us has been… pic.twitter.com/08e8nAGi6Z
— ANI (@ANI) December 4, 2024
આગળ તેમણે કહ્યું કે, “તેથી કોલેજમાં વકફ સંબંધિત મામલો હવે સમાપ્ત થઇ ચૂક્યો છે. તેનાથી એ પણ સાબિત થાય છે કે વકફની નોટિસ પાયાવિહોણી અને ગેરમાર્ગે દોરનારી હતી. ‘મજાર’ અથવા ‘મસ્જિદ’ વક્ફની મિલકત નથી. વારાણસી કોલેજના કેમ્પસમાં એક પણ મિલકત વકફની નથી.”
પ્રિન્સિપાલે કહ્યું હતું કે, “અમે વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેને આ મામલે જાગૃત કર્યા છે…અહીંની મજાર ઘણી જૂની છે પરંતુ કોલેજ તરફથી મજારને કોઈ જમીન ફાળવવામાં આવી નથી. એનો અર્થ એ છે કે આ બાંધકામ ગેરકાયદે કરવામાં આવ્યું છે અને અમે તેના વિશે સ્થાનિક વહીવટીતંત્રને જાણ કરીશું.”
આ ઉપરાંત તેમણે લોકોને શાંતિપૂર્વક રહેવા તથા કોઈ અફવા ન ઉડાવવા અપીલ કરી હતી. તેમણે નમાઝીઓને પણ અપીલ કરી હતી કે 40-50ની સીમિત સંખ્યામાં જ આવે તેથી વાતાવરણ ખરાબ ન થાય.
અહીં ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર, 2020માં વક્ફ બોર્ડે કોલેજ પ્રશાસનને એક નોટિસ મોકલીને દાવો માંડી દીધો હતો અને સાથે જણાવવામાં આવ્યું હતું કે નિયત સમયમર્યાદામાં જો નોટિસનો જવાબ આપવામાં ન આવે તો ત્યારપછી તેમની કોઈ દલીલ સાંભળવામાં આવશે નહીં. જોકે, પછીથી કોલેજે જવાબ પણ આપ્યો હતો અને દાવો ફગાવી દીધો હતો. ત્યારબાદ કોલેજને બીજી કોઈ નોટિસ ન મળી, પરંતુ તાજેતરમાં વક્ફ સંશોધન બિલની ચર્ચા દેશભરમાં થઈ રહી છે ત્યારે વારાણસીની આ કોલેજનો મામલો ફરી ચર્ચામાં આવ્યો હતો. પરંતુ વક્ફ બોર્ડે હવે પીછેહઠ કરતાં કહ્યું કે, તેમણે જાન્યુઆરી, 2021માં જ દાવો છોડી દીધો હતો.