વડોદરામાં વધુ એક હિંદુ યુવતી સાથે હેવાનિયત થઇ હોવાનો મામલો સામે આવ્યો છે. યુવતીને ફૈઝલ ઘાંચી અને ફિરોઝ વ્હોરા નામના બે ઈસમો અપહરણ કરીને તેના ઘરેથી લઇ ગયા હતા અને ત્યારબાદ ફૈઝલે યુવતીને હોટેલમાં લઇ જઈને દુષ્કર્મ આચર્યું હતું. જે મામલે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. હવે આ કેસમાં વધુ વિસ્ફોટક વિગતો સામે આવી છે.
વિગતો અનુસાર, ફૈઝલ અને ફિરોઝ ઘરે કોઈ ન હતું ત્યારે આવીને યુવતીને ઉપાડીને લઇ ગયા હતા અને ત્યારબાદ ફૈઝલે હોટેલના રૂમમાં લઇ જઈને યુવતી સાથે તેની ઈચ્છા વિરુદ્ધ ત્રણ વખત બળજબરીથી શરીર સબંધો બાંધ્યા હતા અને આખી રાત યુવતીને રૂમમાં પુરી રાખી હતી. એટલું જ નહીં, ફૈઝલે યુવતીને ‘તું મારી બહેન છે’ તેમ કહીને તેની સાથે બળાત્કાર કર્યો હતો.
યુવતીએ પોલીસને આપેલ ફરિયાદ પરથી આ વિગતો સામે આવી છે. જે અનુસાર, 22 વર્ષીય યુવતી વડોદરામાં તેના માતા-પિતા અને ભાઈ-બહેન સાથે રહે છે. ગત 30 ડિસેમ્બરના રોજ ઘરના તમામ સભ્યો કામ અર્થે બહાર ગયા હતા અને યુવતી ઘરે એકલી જ હતી. દરમિયાન સાંજે સાડા સાતેક વાગ્યાના અરસામાં ફૈઝલ અને ફિરોઝ મોપેડ લઈને તેના ઘરે આવ્યા હતા અને બળજબરીથી તેને મોપેડ પર બેસાડી લઈ ગયા હતા.
યુવતી અનુસાર, એક મહિના પહેલાં ઇન્સ્ટાગ્રામ મારફતે તેની ઓળખ ફૈઝલ ઘાંચી સાથે થઇ હતી અને પછીથી બંને વચ્ચે મોબાઈલ નંબર અને સરનામાંની પણ આપ-લે થઇ હતી. વચ્ચેના સમયગાળામાં તેઓ બંને ત્રણેક વખત મળ્યાં પણ હતાં.
ઘટનાના દિવસે યુવતીનું અપહરણ કરીને લઇ ગયા બાદ અલકાપુરી વિસ્તારમાં જઈને ફિરોઝ વ્હોરા મોપેડ પરથી ઉતરી ગયો હતો અને ત્યારબાદ ફૈઝલ તેને એક હોટેલમાં લઇ ગયો હતો અને એક રૂમ બુક કરાવીને ત્યાં લઇ જઈને બળજબરીથી શારીરિક સબંધો બાંધ્યા હતા.
યુવતીએ જણાવ્યું કે, ફૈઝલે તેને ‘તું મારી બહેન છે’ તેમ કહીને તેની ઈચ્છા વિરુદ્ધ રાત્રિ દરમિયાન ત્રણ વખત શરીર સબંધ બાંધ્યા હતા અને આખી રાત રૂમમાં રાખી હતી. ત્યારબાદ બીજા દિવસે સવારે તેને તક મળતાં ભાગી છૂટી હતી અને ઘરે પહોંચી હતી.
બીજી તરફ, સાંજથી ગાયબ યુવતીની શોધખોળ કરતા પરિવારે તેને પૂછપરછ કરતાં તેણે સમગ્ર વિગતો જણાવી હતી. ત્યારબાદ પરિજનો તેને લઈને પોલીસ મથકે પહોંચ્યા હતા અને ફૈઝલ અને ફિરોઝ સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.
યુવતીની ફરિયાદના આધારે સયાજીગંજ પોલીસે આઇપીસીની કલમ 365, 376(2)(N) અને 114 હેઠળ ગુનો દાખલ કરીને ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા અનુસાર, ફૈઝલ સામે અગાઉ 7 જેટલા ગુના જ્યારે ફિરોઝ વિરુદ્ધ એક ગુનો નોંધાઈ ચૂક્યો છે. બંને આરોપીઓને પકડીને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.