વડોદરામાં સોશિયલ મીડિયા ઉપર મિત્રતા કેળવીને સબંધો બાંધ્યા બાદ અપહરણ કરીને દુષ્કર્મ આચરવાનો મામલો સામે આવ્યો છે. પીડિતા હિંદુ યુવતી છે જ્યારે આરોપીની ઓળખ ફૈઝલ ઘાંચી તરીકે થઇ છે. ફરિયાદ બાદ પોલીસે ફૈઝલ અને અપહરણમાં સહકાર આપનાર ફિરોઝ નામના ઈસમની ધરપકડ કરી લીધી છે.
ભોગ બનનાર પીડિત યુવતીએ વડોદરાના સયાજીગંજ પોલીસ મથકે મામલાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું કે, છ મહિના પહેલાં તેની ઓળખ ઇન્સ્ટાગ્રામ મારફતે ફૈઝલ સાથે થઇ હતી. ત્યારબાદ તે બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી.
યુવતીએ આગળ જણાવ્યું કે, બે દિવસ પહેલાં ફૈઝલ અને તેનો મિત્ર ફિરોઝ તેના ઘરે આવ્યા હતા અને પોતાની સાથે આવવા માટે જણાવ્યું હતું. પરંતુ યુવતીએ સાથે જવાનો ઇનકાર કર્યો હતો. જેના કારણે ઉશ્કેરાયેલા બંને આરોપીએ યુવતીનું અપહરણ કરી લીધું હતું અને ત્યાંથી અલકાપુરીની એક હોટેલમાં લઈ ગયા હતા. પીડિતાની ફરિયાદ અનુસાર, હોટેલમાં તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો.
યુવતીની ફરિયાદના આધારે સયાજીગંજ પોલીસે આઇપીસીની કલમ 365, 376(2) (એન) હેઠળ ગુનો દાખલ કરીને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. તપાસ બાદ ગણતરીના કલાકોમાં પોલીસે ફૈઝલ ઘાંચી અને ફિરોઝ વ્હોરાને ઝડપી પાડ્યા હતા અને પોલીસ મથકે લાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટ્સ અનુસાર, ફૈઝલ ઘાંચી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેની સામે અગાઉ પણ મારામારી અને લૂંટ સહિતના 7 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે તેની મદદગારી કરનાર ફિરોઝ વિરુદ્ધ પણ એક કેસ નોંધાયેલો હોવાનું જાણવા મળ્યું હતું.
બંને આરોપીઓની ધરપકડની પુષ્ટિ કરતાં સયાજીગંજ પોલીસ મથકના પી. આઈ આર. જી જાડેજાએ ઑપઇન્ડિયાને જણાવ્યું કે, આ મામલે 31 ડિસેમ્બરના રોજ ફરિયાદ નોંધાયા બાદ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. હાલ આગળની કાર્યવાહી ચાલી રહી છે.