વડોદરામાં ગરબા કાર્યક્રમમાં ચાલુ ગરબાએ ઈ-સિગરેટ પીતી યુવતીનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો હાલ ઝડપથી સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે અને લોકો તેની ખૂબ ટીકા કરી રહ્યા છે તેમજ હિંદુઓની ધાર્મિક લાગણીઓ દુભાવવાનો પણ આરોપ લાગ્યો છે. બીજી તરફ, પોલીસ તંત્રે પણ સંજ્ઞાન લીધું છે.
આ ઘટના વડોદરાના બહુ જાણીતા યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડની છે. અહીં એક યુવતી ગરબા દરમિયાન પ્રતિબંધિત ઈ-સિગરેટ પીતી જોવા મળતી હતી. તેની સાથે એક યુવક પણ જોવા મળ્યો હતો, જેણે હાથમાં ઈ-સિગરેટ પકડી રાખી હતી. ચાલુ ગરબાએ સિગરેટ પીને ધુમાડો કાઢતી આ યુવતીનો વિડીયો કોઈકે ઉતારીને સોશિયલ મીડિયા પર મૂક્યો હતો.
વડોદરાની ગરિમા લજવાઈ, ચાલુ ગરબામાં આ નબીરાઓની હરકતનો વીડિયો વાયરલ…#Navratri #Unitedwayofbaroda #Baroda #Garba #ZEE24Kalak pic.twitter.com/a1aRpUb6hl
— Zee 24 Kalak (@Zee24Kalak) October 3, 2022
વિડીયો સોશિયલ મડિયા પર વાયરલ થયા બાદ આ કૃત્યની ખૂબ ટીકા થઇ રહી છે તો બીજી તરફ ગરબાને બદનામ કરવા માટે જાણીજોઈને આમ કરવામાં આવ્યું હોય તેમ પણ માનવામાં આવી રહ્યું છે.
આ વિડીયો જાહેર કરનારે મીડિયાને જણાવ્યું કે, “આ છોકરી વડોદરાની જ છે. અમે તેનું નામ જાહેર કરવા માંગતા નથી પરંતુ આ પ્રકારની પ્રવૃતિઓ ગરબા મેદાનમાં ચલાવી લેવાય નહીં.” માતાજીના પવિત્ર તહેવારમાં આ પ્રકારના કૃત્યની હિંદુઓની લાગણી દુભાઈ હતી અને આવાં તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.
મામલો ધ્યાને આવ્યા બાદ આયોજકોએ પણ કાર્યવાહી કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી અને જણાવ્યું હતું કે, “આ પ્રકારનાં કૃત્ય ચલાવી લેવામાં નહીં આવે. સુરક્ષાકર્મીઓને ખાસ સૂચના આપવામાં આવશે અને આવા લોકોને ગ્રાઉન્ડમાંથી શોધી કાઢીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.”
બીજી તરફ, આ મામલે વડોદરાના પોલીસ કમિશનર શમશેરસિંહે જણાવ્યું હતું કે, “જો ખરેખર એમ હોય તો એ ખોટું છે. અમે સિવિલ ડ્રેસમાં ફરતી શી ટીમને સૂચના આપીશું. તેઓ હવે રોમિયો સાથે આવી મહિલાઓ સામે પણ કાર્યવાહી કરશે.”
એક રિપોર્ટ અનુસાર, આ મામલે પોલીસને પણ ફરિયાદ કરવામાં આવી છે. એડવોકેટ ભાવિન વ્યાસે શહેર પોલીસ કમિશનરને ફરિયાદ કરીને જણાવ્યું હતું કે, આ યુવતીએ આ કૃત્ય દ્વારા હિંદુઓની લાગણી દુભાવી છે. તેની સામે જાહેરનામાં ભંગનો ગુનો દાખલ કરવામાં આવે તેમજ જો આયોજકો સામેલ હોય તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે.