ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક 20 વર્ષીય યુવતી ગુલફ્શાની તેના ભાઈઓએ હત્યા કરી નાંખી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પોલીસે યુવતીના ભાઈઓ તૌહીદ અને મોહીદની ધરપકડ કરી લીધી છે, બંનેએ ગુનાની કબૂલાત પણ કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે.
ગુલફ્શાની હત્યાનો ખુલાસો એક ઓડિયો ક્લિપના માધ્યમથી થયો છે. જે પોલીસને યુવતીના પ્રેમી પાસેથી મળ્યા છે. યુવતી સમીરને પ્રેમ કરતી હતી અને તેની સાથે કોર્ટ મેરેજ કરવા માંગતી હતી. જેના કારણે તેના જ ભાઈઓએ મોતને ઘાટ ઉતારી દીધી હતી. બંનેએ પોલીસ સમક્ષ કબૂલાતમાં જણાવ્યું હતું કે, તેમણે ગુલફ્શાને તકિયા વડે મોં દબાવીને મારી નાંખી હતી. આ મામલે પોલીસ તેમની અમ્મીની પણ ભૂમિકાની તપાસ કરી રહી છે, કારણ કે તે પણ સ્થળ પર હાજર હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુરુવારે (3 નવેમ્બર 2022) સાડા ત્રણ વાગ્યે આ ઘટના બની હતી. બે આરોપીઓ પૈકી એકે યુવતીનું તકિયા વડે મોં દબાવ્યું હતું અને બીજાએ તેને પકડી રાખી હતી. ઘટનાસ્થળે તેમની અમ્મી પણ હાજર હતી. ગુલફ્શાની બહેને ઘરના સભ્યો પર આરોપ લગાવતાં કહ્યું છે કે તેમણે મળીને તેને મારી નાંખી હતી. તેના આરોપ અનુસાર, તેના ભાઈઓને ખબર પડી ગઈ હતી કે ગુલફ્શા ઘરેથી ભાગીને તેના પ્રેમી સાથે કોર્ટ મેરેજ કરવા માંગે છે, જેનો તેઓ વિરોધ કરી રહ્યા હતા.
યુવતીએ આગલી રાત્રે (બુધવાર, 2 નવેમ્બર 2022) તેના પ્રેમી સમીરને ફોન કરીને કહ્યું હતું કે તેના જીવને જોખમ છે. 9 વાગ્યાથી લઈને આગલી મળસ્કે 3 વાગ્યા સુધી બંને વચ્ચે લગભગ 8 થી 10 કલાક સુધી ફોન પર વાતચીત થઇ હતી. સમીરે પોલીસને ઓડિયો ક્લિપ આપી છે.
એક ઓડિયો ક્લિપ યુવતીના મૃત્યુની થોડી ક્ષણો પહેલાંનો જ છે, જેમાં તે પ્રેમીને ફોન પર કહી રહી હતી કે, “મારા ભાઈ અને અમ્મી રાત્રે 3 વાગ્યે ઉપર આવ્યા છે, પ્લીઝ મદદ કરો, કંઈ કરો પ્લીઝ, હેલ્પ.” ત્યારબાદ ચીસ પાડવાનો અવાજ આવે છે. એક ઓડિયોમાં તે કહેતી સંભળાય છે કે, “ભાઈઓ અને માને બધી ખબર પડી ગઈ છે. ભાઈ ઇન્જેક્શન લઈને આવ્યો છે. તેઓ મને મારવા માંગે છે. સમીર, પ્લીઝ કંઈ મદદ કર.”
આ આ મામલે પોલીસ અધિક્ષક નિપુણ અગ્રવાલે જણાવ્યું હતું કે, યુવતીનો મૃતદેહ તેના ઘરેથી મળી આવ્યો હતો. હાલ પોલીસ અલગ-અલગ પાસાં જોઈને તપાસ કરી રહી છે. મામલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. રિપોર્ટ આવ્યા બાદ જ હત્યાનું સાચું કારણ જાણવા મળશે.
એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે, ગુલફ્શાની હત્યા કરી નાંખ્યા બાદ તેના પરિજનોએ તેનાં મૃત્યુને કુદરતી બતાવવાના અને મૃતદેહને દફનાવવાના પણ પ્રયાસ કર્યા હતા.