ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 22 જાન્યુઆરી 2024ના રોજ રાજ્યમાં રજા જાહેર કરી છે. તે દિવસે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. સાથે જ ઉત્તર પ્રદેશની તમામ દારૂની દુકાનો પણ બંધ રહેશે. આ દિવસે જ નિર્માણાધીન રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવનાર છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને RSSના સરસંઘચાલક મોહન ભાગવત પણ ભાગ લેશે. દેશભરના હજારો નેતાઓ, સંતો અને કલાકારોને નિમંત્રણ પત્રો મોકલવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ શાળા-કોલેજોને 22 જાન્યુઆરી 2024ના રોજ રજા જાહેર કરવાનો આદેશ આપ્યો છે. તેમણે મંગળવારે (9 જાન્યુઆરી, 2024) આ આદેશ આપ્યો હતો. સાથે જ તે દિવસને ‘ડ્રાય ડે’ જાહેર કરવામાં આવ્યો છે. એટલે કે તે દિવસે આખા રાજ્યમાં ક્યાંય દારૂનું વેચાણ નહીં થાય. ઉત્તર પ્રદેશમાં રજા જાહેર કરવા અંગે પહેલેથી જ આદેશ જારી કરી દેવામાં આવ્યો છે, હવે તેનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે. યુપી જ નહીં છત્તીસગઢમાં પણ તે દિવસે દારૂની દુકાનો નહીં ખુલે અને તેની ખરીદ-વેચાણ બંધ રહેશે.
22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં બપોરના સમયે પ્રાણપ્રતિષ્ઠા કરવાનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આ પાવન અવસરે 10,000 જેટલા વીઆઈપી મહેમાનો આવે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. સુરક્ષાને લઈને સરકાર પણ સંપૂર્ણ રીતે તૈયાર છે. આ સમયગાળા દરમિયાન દેશભરના વિવિધ મંદિરોમાં પૂજા-અર્ચનાનું આયોજન કરવામાં આવનાર છે. અયોધ્યામાં મહર્ષિ વાલ્મિકીના નામ પર એક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ ખોલવામાં આવ્યું છે. સીએમ યોગી આદિત્યનાથ પોતે અયોધ્યામાં તૈયારીઓ પર નજર રાખી રહ્યા છે.
Uttar Pradesh CM Yogi Adityanath has given instructions to declare a holiday in all educational institutions across the state on January 22, in view of Ram Temple 'Pran Pratishtha' ceremony
— ANI (@ANI) January 9, 2024
The CM has also said that liquor shops will remain closed in the state on the day.
(file… pic.twitter.com/zsNu06lMZO
યોગી સરકારની યોજના છે કે રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહને ‘રાષ્ટ્રીય તહેવાર’ તરીકે ઉજવવામાં આવે. અયોધ્યામાં ‘કુંભ મોડલ’ના અમલનો આદેશ આપતી વખતે કહેવામાં આવ્યું છે કે મહેમાનોના સ્વાગત, સજાવટ અને આતશબાજીની વ્યવસ્થા કરવામાં આવે, તમામ સરકારી ઇમારતોને સુશોભિત કરવામાં આવે. મહેમાનો માટે વિશ્રામ સ્થળો અગાઉથી નક્કી કરવામાં આવશે. વહીવટીતંત્રે લખનૌની હોટલો પાસેથી ખાલી રૂમની સૂચિ પણ માંગી છે. 116 રૂમ ધરાવતી સેન્ટ્રીમ હોટલની સફાઇ કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં પણ રજા આપવા વિશ્વ હિંદુ પરિષદે કરી હતી માંગ
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પણ વિશ્વ હિંદુ પરિષદ દ્વારા 22 જાન્યુઆરએ યોજાનાર ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને રજાની માંગ કરી હતી. ગુજરાતના ક્ષેત્ર મંત્રી અશોક રાવલે આ મામલે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો હતો. આ પત્રમાં પ્રાણપ્રતિષ્ઠા અવસરના દિવસે સમગ્ર ગુજરાતમા જાહેર રજા અને સરકારી કચેરીમાં, જાહેર સ્થળોને સુશોભિત કરાય અને ઉત્સવ જેવો માહોલ ઉભો થાય તેવી માંગ કરવામાં આવી હતી.
આ પત્રમાં અશોક રાવલે લખ્યું છે કે, “હિંદુ સમાજના 500 વર્ષોના સંઘર્ષ અને 76 યુદ્ધો પછી ભારતના આરાધ્ય દેવ ભગવાન શ્રીરામની જન્મભૂમિ પર ભવ્ય રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘચાલત મોહન ભાગવતના વરદ હસ્તે થવાનું છે. સમગ્ર હિંદુ સમાજ માટે આ ઐતિહાસિક દિવસ છે. માત્ર રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા નહીં પણ હિંદુ સમાજનું ખોવાયેલું સ્વાભીમાન પણ પરત મળી રહ્યું છે. સાથે રામ રાજ્યના મૂલ્યોની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. આ હિંદુ સમાજનો વિજય ઉત્સવ છે. તેથી વિશ્વ હિંદુ પરિષદની લાગણી અને માંગણી છે કે અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠાના અવસરે સમગ્ર ગુજરાતમા જાહેર રજા આપવામાં આવે.” આ પત્રમાં તેવી પણ માંગ કરવામાં આવી હતી કે જાહેર રજા સાથે સરકારી કચેરીઓ તથા જાહેર સ્થળોને સુશોભિત કરી ઉત્સવ જેવો માહોલ ઉભો કરવામાં આવે.