મુંબઈના 26/11 હુમલાના મહત્વના એક આરોપીને ટૂંક સમયમાં અમેરિકાથી ભારત લાવવામાં આવશે. અમેરિકાની એક કોર્ટે પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. 2008માં થયેલા સૌથી મોટા આતંકી હુમલામાં તહવ્વુર રાણાની સંડોવણી બદલ ભારતે પ્રત્યાર્પણની દ્રષ્ટિથી રાણાની ધરપકડની માંગ કરી હતી. US સરકારે રાણાના ભારત પ્રત્યાર્પણનું સમર્થન કર્યું હતું અને તેને મંજૂરી આપી હતી.
યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ઓફ કેલિફોર્નિયાના મેજિસ્ટ્રેટ જજ જેકલીન ચુલજિયાને તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપતો આદેશ જારી કર્યો હતો. 16 મેના રોજ 48 પેજના આદેશમાં કહેવામાં આવ્યું હતું કે, કોર્ટે વિનંતીના સમર્થનમાં અને વિરોધમાં સબમિટ કરેલા તમામ દસ્તાવેજોની સમીક્ષા કરી છે અને સુનાવણીમાં રજૂ કરાયેલી દલીલોને ધ્યાનમાં લીધી છે.
બુધવારે (17 મે) કોર્ટે જારી કરેલા આદેશમાં કહેવામાં આવ્યું હતું કે, સમીક્ષા, વિચારણા અને અહીં થયેલી દલીલો બાદ કોર્ટ એ નિષ્કર્ષ પર પહોંચી છે કે તહવ્વુર રાણાના જે ગુનાઓ માટે પ્રત્યાર્પણની વિનંતી કરવામાં આવી છે તે પ્રત્યાર્પણ યોગ્ય છે.
કોણ છે તહવ્વુર રાણા?
62 વર્ષીય તહવ્વુર રાણા પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન છે. ભારત સરકારે રાણા પર આરોપ મૂક્યો છે કે તેણે બાળપણના મિત્ર ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે “દાઉદ ગિલાની” અને અન્ય લોકો સાથે મળીને મુંબઈમાં લશ્કર-એ-તૈયબાના આતંકવાદી હુમલાના આયોજન અને અમલીકરણમાં ભાગ ભજવ્યો હતો. કહેવાય છે કે રાણા હેડલીની બેઠકો અને હુમલાની રણનીતિ વિશે જાણતો હતો.
તહવ્વુર રાણા પર શું આરોપ છે?
NIA દ્વારા તહવ્વુર રાણા પર નીચે મુજબના આરોપો મૂકવામાં આવ્યા છે: (a) યુદ્ધ છેડવા, હત્યા કરવા, છેતરપિંડી કરવાના હેતુથી બનાવટી દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રોનિક રેકોર્ડનો અસલી દસ્તાવેજ તરીકે ઉપયોગ કરવો અને આતંકવાદી કૃત્ય કરવું (b) યુદ્ધ છેડવું (d) હત્યા કરવી (e) આતંકવાદી કૃત્ય કરવું (f) આતંકવાદી કૃત્યનું કાવતરું કરવું.
તહવ્વુર રાણાને શિકાગોમાં 2011માં પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાને મટિરિયલ સપોર્ટ પૂરો પાડવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. આ મટિરિયલનો બાદમાં મુંબઈ આતંકવાદી હુમલામાં ઉપયોગ થયો હતો. આ ઉપરાંત, 2005માં પયગંબર મોહમ્મદના કાર્ટૂન છાપનારા ડેનિશ અખબાર પર થયેલા હુમલાના કાવતરામાં પણ રાણા સંડોવાયેલ હતો.
તેના પર ડેવિડ કોલમેન હેડલીને કવર સ્ટોરી તરીકે મુંબઈમાં તેના શિકાગો સ્થિત ઈમિગ્રેશન લૉ બિઝનેસની શાખા ખોલવા અને ડેનમાર્કમાં કંપનીના પ્રતિનિધિ તરીકે મુસાફરી કરવાની મંજૂરી આપવાનો આરોપ હતો.
બીજી તરફ રાણાના વકીલ દ્વારા પ્રત્યાર્પણનો વિરોધ કરવામાં આવ્યો હતો. ભારત અને અમેરિકા વચ્ચે પ્રત્યાર્પણ કરાર અમલમાં છે.
મુંબઈમાં થયો હતો સૌથી ભયાવહ આતંકી હુમલો
26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં થયેલા આતંકી હુમલાએ આખા દેશને હચમચાવી નાખ્યો હતો. દરિયાઈ માર્ગે પ્રવેશેલા લશ્કર-એ-તૈયબા (LeT) ના 10 આતંકવાદીઓએ શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા અને ગોળીબાર કર્યા હતા જેમાં છ અમેરિકન નાગરિકો સહિત 166 લોકો માર્યા ગયા હતા. તો 300થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. આતંકવાદીઓએ છત્રપતિ શિવાજી ટર્મિનસ (CST) રેલ્વે સ્ટેશન, કામા હોસ્પિટલ, નરિમાન હાઉસ બિઝનેસ અને રહેણાંક સંકુલ, લિયોપોલ્ડ કાફે, તાજ હોટેલ અને ટાવર અને ઓબેરોય-ટ્રાઇડેન્ટ હોટેલને ટાર્ગેટ કર્યા હતા.