એક તરફ દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસ મામલે મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. તો હવે બીજી તરફ AAP નેતા અને પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ CBI તપાસની મંજૂરી આપી દીધી છે. સત્યેન્દ્ર જૈન (Satyendra Jain) વિરુદ્ધ POC (પ્રિવેન્શન ઑફ કરપ્શન એક્ટ) મુજબ કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
મળતી માહિતી અનુસાર, દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ ફેબ્રુઆરી, 2024માં આ મામલે ગૃહ મંત્રાલયને પત્ર લખીને તપાસની ભલામણ કરી હતી. તેમણે CBI તપાસ માટે મંજૂરી આપતાં આગળની કાર્યવાહી માટે ગૃહ મંત્રાલય ફાઈલ મોકલી હતી. ત્યારે હવે આ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા લીલી ઝંડી મળી ચૂકી છે અને હવે ગમે ત્યારે સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ CBI તપાસની કાર્યવાહી શરૂ થઈ શકે તેમ છે.
આ આખો મામલો 10 કરોડની ખંડણીને લઈને છે. આરોપ છે કે સત્યેન્દ્ર જૈને જેલમાં બંધ ઠગ સુકેશ ચંદ્રશેખર પાસેથી 10 કરોડ રૂપિયા વસૂલ્યા હતા. કરોડો રૂપિયાના મની લોન્ડરિંગ મામલે જેલની હવા ખાઈ રહેલા સુકેશે દિલ્હીના ઉપરાજ્યપાલને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે જેલમાં સુખ-સાહ્યબી મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે તત્કાલીન કેજરીવાલ સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈને તેની પાસે ‘પ્રોટેક્શન મની’ તરીકે ₹10 કરોડ માગ્યા હતા.
જેલમાં વસૂલી રેકેટ ચલાવતા હોવાનો લાગ્યો છે આરોપ
આટલું જ નહીં, સત્યેન્દ્ર જૈન સાથે તત્કાલીન જેલ અધિક્ષક રાજ કુમાર પણ આ આરોપોનો સામનો કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે જે સત્યેન્દ્ર જૈન અને રાજ કુમાર તિહાડ જેલમાં સંદીપ ગોયલ દ્વારા ચલાવવામાં આવતા વસૂલી રેકેટના ભાગીદાર હતા. ઉલ્લેખનીય છે કે દિલ્હીના મુખ્યમંત્રી લિકર પોલીસીને લઈને કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ તેમની સરકારના બે પૂર્વ મંત્રી મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન પણ ઘણા લાંબા સમયથી જેલની હવા ખાઈ રહ્યા છે.
સત્યેન્દ્ર જૈનની ધરપકડ મે 2022માં કરવામાં આવી હતી. ED મની લોન્ડરિંગ મામલે તેમની સામે તપાસ કરી રહી છે. સત્યેન્દ્ર જૈન લગભગ 1 વર્ષ જેલમાં રહ્યા બાદ મે, 2023માં કોર્ટે સ્વાસ્થ્ય કારણોસર વચગાળાના જામીન આપ્યા હતા. પરંતુ તાજેતરમાં માર્ચ, 2024માં રેગ્યુલર જામીન અરજી ફગાવી દેવાતાં કોર્ટે સરેન્ડર કરવાનો આદેશ કર્યો હતો. જેથી તેઓ ફરી તિહાડ જેલ પહોંચી ગયા છે.