કર્ણાટક રાજ્યમાં વિચિત્ર સંજોગોમાં એક યુવાનની હત્યાનો મામલો સામે આવ્યો છે. અહીં એક યુવકે ઈ-કોમર્સ વેબસાઈટ ઉપર એપલ કંપનીનો મોબાઈલ ફોન iPhone મંગાવ્યો હતો પરંતુ તે ખરીદવા માટે તેની પાસે પૈસા ન હતા. જેથી તેણે ફોન આપવા માટે આવેલા ડિલિવરી બૉયની જ હત્યા કરી નાંખી હતી અને લાશ સળગાવી દીધી હતી.
મામલો કર્ણાટકના હસન જિલ્લાનો છે. આરોપીની ઓળખ હેમંત દત્તા તરીકે થઇ છે અને મૃતક યુવકનું નામ હેમંત નાયક હતું. બંને એક જ શહેરમાં રહેતા હતા.
હેમંત દત્તાએ ફ્લિપકાર્ટ પરથી આઈફોનનો ઓર્ડર આપ્યો હતો અને જે માટે તેણે 46 હજાર રૂપિયા ચૂકવવાના હતા. ગત 7 ફેબ્રુઆરીના રોજ ઈ-કાર્ટ માટે ડિલિવરીનું કામ કરતો હેમંત નાયક આ મોબાઈલ ફોન લઈને આરોપી યુવકના ઘરે પહોંચ્યો હતો. જ્યાં તેણે હેમંતને બોક્સ ખોલવા માટે કહ્યું હતું પરંતુ તેણે ઇન્કાર કરીને કહ્યું કે જો બોક્સ ખોલી નાંખે તો તે પરત કરી શકશે નહીં અને કહ્યું કે તે પેમેન્ટ કરી દે.
ત્યારબાદ પૈસા આપવાની જગ્યાએ દત્તાએ ચાકુ મારીને ડિલિવરી બોયની હત્યા કરી નાંખી હતી અને ચાર દિવસ સુધી લાશ ઘરમાં જ રહેવા દીધી હતી. ત્યારબાદ 11 ફેબ્રુઆરીના રોજ લાશને નજીકના પુલ પાસે લઇ જઈને કેરોસિન છાંટીને સળગાવી દીધી હતી. તપાસમાં એક સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે જેમાં આરોપી મૃતકની લાશ લઈને બાઈક પર જતો જોવા મળે છે.
બીજી તરફ મૃતક યુવકની કોઈ ભાળ ન મળતાં તેના ભાઈએ 8 ફેબ્રુઆરીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને શોધખોળ આદરી હતી. દરમ્યાન ગત 16 ફેબ્રુઆરીએ મૃતકના ભાઈને તેના એક મિત્રે જણાવ્યું હતું કે રેલવે બ્રિજ નજીક એક લાશ મળી આવી છે અને તેને આશંકા છે કે તે હેમંતની છે.
આરોપીની ધરપકડ, જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો
ત્યારબાદ મૃતકના ભાઈએ ફરી પોલીસનો સંપર્ક કરીને બીજી એક ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન હેમંતના મોબાઈલ ફોનના લાસ્ટ લૉકેશનના આધારે તેઓ હેમંત દત્તાના ઘરે પહોંચ્યા હતા, જ્યાં તેમને હેમંત નાયકનો મોબાઈલ ફોન અને ડિલિવરી માટેનાં અન્ય પાર્સલ મળી આવ્યાં હતાં.
કર્ણાટક પોલીસે જણાવ્યા અનુસાર, આરોપી યુવક પણ અગાઉ ઈ-કોમર્સ કંપનીમાં કામ કરતો હતો પરંતુ પછીથી નોકરી છોડી દીધી હતી. તેણે ફોનનો ઓર્ડર તો આપી દીધો હતો પરંતુ ચૂકવવા માટે પૈસા ન હતા. જેથી નાયક ડિલિવરી આપવા માટે ગયો અને તેની પાસે પૈસા ન હતા તો તેણે તેની હત્યા કરી નાંખી હતી અને iPhone લઇ લીધો હતો.
પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. હાલ વધુ તપાસ ચાલી રહી છે.