દિલ્લીના જહાંગીરપુરીથી ધરપકડ કરાયેલ આતંકી નૌશાદની પુછપરછમાં ઘણા ગંભીર ખુલાસા થયા છે. એક ખુલાસો એવો થયો છે કે નૌશાદે બિહારમાં બે સગીર યુવાનોને કોઈ પણ બે જણાનું ગળું કાપી વિડીયો બનાવવાનું કામ સોંપ્યું હતું. જો કે નૌશાદ તેને તે કામ માટે સિગ્નલ આપે ત્યાર બાદ આ કામ કરવાનું હતું, પરંતુ આ થાય તે પહેલા જ નૌશાદ પકડાઈ ગયો હતો.
થોડા દિવસ પૂર્વે દિલ્લી સ્પેશિયલ સેલે બે આતંકી નૌશાદ અને જગજીત સિંહની ધરપકડ કરી હતી. બાદમાં બંન્નેના રિમાન્ડ મંજુર થતા કડક પુછપરછ કરવામાં આવી હતી. જેમાં ઘણા ખુલાસાઓ થયા હતા. અહીં નોંધનીય છે કે, પોલીસ પુછપરછમાં નૌશાદે કહ્યું હતું કે તેણે બિહારના આરા જિલ્લામાં બે સગીર યુવાનોને કે જેઓ ધોરણ 12માં અભ્યાસ કરી રહ્યા હતા. તેને જેહાદના નામ પર બ્રેઈન વોશ કર્યું હતું. બંને સગીરો કોઈ પણ પ્રકારનું કામ કરવા તૈયાર થઈ ગયા બાદ તેને પહેલું કામ બે જણાનું ગળું કાપી વિડીયો બનાવવાનું સોંપ્યું હતું. પરંતુ, તે ત્યાર બાદ જ કરવાનું હતું જ્યારે નૌશાદ તેને સિગ્નલ આપે. જો કે નૌશાદ આ લોકોને કહે તે પહેલા જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.
નૌશાદે પોતાના આંતકી સાથેના સંબંધો બાબતે પણ ખુલાસો કર્યો હતો કે તે જેલમાં લાલ કિલા શુટઆઉટના દોષી અને આજીવન કારાવાસની સજા ભોગવતા આતંકી આરિફને મળ્યો હતો. આરિફે તેને લશ્કરે-એ-તૈયબાના આતંકી સોહેલ સાથે સંપર્ક કરાવ્યો હતો. તેના સંપર્કની મદદથી તે પાકિસ્તાનની ખુફિયા એજન્સી આઈએસઆઈના નેટવર્ક સુધી પહોંચ્યો હતો. આવી રીતે તે નવા નવા આતંકીઓ સાથે જોડાયો અને સાથે સાથે બીજાઓને પણ જોડતો ગયો.
નૌશાદને ભારતમાં દક્ષિણ પંથી નેતાઓની હત્યા માટે અને ટાર્ગેટ કિલીંગ માટે યુવાનોની ભરતી માટે પણ કામ સોપાયુ હતું. તેના જ ભાગરૂપે નૌશાદે બિહારમાં બે સગીર યુવાનોનું બ્રેઈન વોશ કરીને ટીમમાં સ્થાન આપ્યું હતું.
તમને જણાવી દઈએ કે નૌશાદ અને તેના સાથી જગદીત સિંહે દિલ્લીમાં એક હિંદુ યુવકની હત્યા કરીને તેના સાતથી આઠ ટુકડા કર્યા હતા. આ હત્યા ફક્ત પોતાની કોઈને મારવાની કે કાપવાની ક્ષમતા માટે જ કરી હતી. આ હત્યાનો એ લોકોએ વિડીયો પણ બનાવ્યો હતો જેને તેઓએ પાકિસ્તાન પોતાના આકાઓને મોકલ્યો હતો. આ વાતનો ખુલાસો દિલ્લી સ્પેશિયલ સેલે કર્યો હતો.