પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના (TMC) એક નેતા અને મમતા બેનર્જી સરકારના મંત્રીનો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ વિશે ટિપ્પણી કરતો વિડીયો ગઈકાલ (11 નવેમ્બર 2022)થી વાયરલ થઇ રહ્યો છે. વિડીયોમાં તેઓ ‘આપણાં રાષ્ટ્રપતિ કેવાં દેખાય છે?’ એમ કહીને તેમના રંગરૂપ પર ટિપ્પણી કરતા સાંભળવા મળે છે.
ન્યૂઝ એજન્સી ANIએ તૃણમૂલ કોંગ્રેસના આ નેતા અખિલ ગિરીનો વિડીયો ટ્વિટ કર્યો છે. જેમાં તેઓ કહે છે કે, “આપણે કોઈને પણ તેમના દેખાવથી આંકતા નથી, રાષ્ટ્રપતિના પદનું પણ સન્માન કરીએ છીએ. પરંતુ આપણાં રાષ્ટ્રપતિ કેવાં દેખાય છે?” આ સાંભળ્યા બાદ આસપાસ ઉભેલા લોકો જોરજોરથી હસવા અને તાળીઓ પાડવા માંડે છે.
#WATCH | "We don't judge anyone by their appearance, we respect the office of the President (of India). But how does our President look?," says West Bengal Minister and TMC leader Akhil Giri in Nandigram (11.11.2022) pic.twitter.com/UcGKbGqc7p
— ANI (@ANI) November 12, 2022
આ વિડીયો વાયરલ થયા બાદ ભારતીય જનતા પાર્ટીએ ટીએમસી પર નિશાન સાધ્યું છે અને વિવાદિત ટિપ્પણી કરનાર નેતાની ધરપકડની માંગ કરી છે. ભાજપે દાવો કરતાં એમ પણ કહ્યું કે, અખિલ ગિરી રાષ્ટ્રપતિ સામે આ પ્રકારની ટિપ્પણી કરી રહ્યા હતા ત્યારે મમતા બેનર્જી સરકારની મહિલા કલ્યાણ વિભાગનાં મંત્રી શશિ પંકા પણ ત્યાં હાજર હતાં.
બીજી તરફ, ભાજપ સાંસદ સૌમિત્ર ખાને રાષ્ટ્રીય મહિલા આયોગને એક પત્ર લખીને TMC નેતા અખિલ ગિરીની ધરપકડની માંગ કરી છે અને તેમને ધારાસભ્ય પદેથી બરખાસ્ત કરવાની પણ માંગ કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ પણ કહ્યું કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પર કરવામાં આવેલ અભદ્ર ટિપ્પણી નિંદનીય છે અને મમતા બેનર્જીએ આવા નેતાને તાત્કાલિક બરખાસ્ત કરીને આ પ્રકારની ટિપ્પણીઓ માટે દેશની માફી માંગવી જોઈએ.
જોકે, ભારે વિરોધ થયા બાદ મમતાના મંત્રીએ માફી માંગવાની ફરજ પડી છે. તેમણે કહ્યું કે, તેઓ રાષ્ટ્રપતિનું સન્માન કરે છે અને જો તેમને અપમાનજનક લાગ્યું હોય તો માફી માંગે છે. તેમણે એમ પણ કહ્યું કે, તેમણે જે કહ્યું તેનો તેમને ખેદ છે.
I said 'President', I didn’t take anyone’s name. If the President of India feels insulted, I am sorry and regret what I said: West Bengal Minister Akhil Giri pic.twitter.com/drcLUKtsPK
— ANI (@ANI) November 12, 2022
તેમણે કહ્યું, “મેં પદનો ઉલ્લેખ કર્યો અને સુવેન્દુ અધિકારીને જવાબ આપવા માટે સરખામણી કરી હતી. મેં કોઈનું નામ નથી લીધું. તેમણે કહ્યું હતું કે, અખિલ ગિરી ખરાબ દેખાય છે. હું મંત્રી છું અને શપથ લીધા છે. જો મારી સામે કંઈક કહેવામાં આવે તો એ બંધારણનું અપમાન છે.”