આ મહિને 26 તારીખે એટલે કે 26મી જાન્યુઆરીના રોજ દેશભરમાં પ્રજાસત્તાક દિવસનો રાષ્ટ્રીય તહેવાર ઉજવાયો હતો. આ દિવસે દેશની પરંપરા મુજબ દિલ્હીમાં કર્તવ્ય પથ પર પરેડ યોજવામાં આવી હતી. આ પરેડમાં હાજર જુદા જુદા ટેબ્લો વગેરે માટેના નિર્ણાયકોના અને પબ્લિક પોલ જેવા પરિણામો હવે સામે આવ્યા છે. ગુજરાત માટે ગૌરવની વાત છે કે પબ્લિક પોલમાં દેશભરમાંથી ભારતીયોએ ગુજરાતના ટેબ્લો પર પોતાની પસંદગી ઉતારી છે.
Best marching contingents & tableaux of #RepublicDayParade 2023 announced#Uttarakhand adjudged best State/UT tableau by a panel of judges#Gujarat wins online public poll conducted by @mygovindia
— PIB in Assam (@PIB_Guwahati) January 30, 2023
Read Here: https://t.co/25JtVBoRiw@DefenceMinIndia @ProAssam @ddnews_guwahati
નોંધનીય છે કે પ્રજાસત્તાક દિવસની પરેડમાં વિવિધ રાજ્યો, કેન્દ્રીય મંત્રાલયો, ભારતીય સુરક્ષા એજન્સીઓના જુદા જુદા દળોના ટેબ્લો જોવા મળ્યા હતા. જેમાં ગુજરાતનો ટેબ્લો પણ હતો.
26 જાન્યુઆરી 2023ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલ પ્રજાસત્તાક દિવસની પરેડની ઝાંખી માટે ‘ક્લીન એનર્જી-ગ્રીન એનર્જી એફિશિએન્ટ ગુજરાત’ એ થીમ પર ગુજરાતે પોતાનો ટેબ્લો તૈયાર કરીને મોકલ્યો હતો.
કચ્છના ખાવડા ખાતે વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ (સૌર અને પવન) પુનઃપ્રાપ્ય ઉર્જા પાર્ક આકાર લઇ રહ્યો છે તે ટેબ્લોમાં મોખરે બતાવવામાં આવ્યો હતો. કચ્છના પોશાકમાં સજ્જ એક છોકરી જે પ્રતીકાત્મક રીતે સૂર્ય અને પવનને (બિન-પરંપરાગત ઊર્જાના અખૂટ સ્ત્રોતો) પકડી રાખે છે, તે પ્રદર્શિત કરવામાં આવી હતી.
ભારતભરમાંથી લોકપસંદમાં ગુજરાતને પહેલો નંબર મળ્યો
MyGov દ્વારા 26 જાન્યુઆરીની પરેડ બાદ લોકોને જે ટેબ્લો કે ઝાંખી ગમી હોય તેના માટે ઓનલાઇન વોટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. 25થી 28 જાન્યુઆરી સુધી પબ્લિક પોલ કરવામાં આવ્યો હતો. હવે આ પોલનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાતનો ટેબ્લો ઓનલાઇન પબ્લિક પોલમાં પ્રથમ સ્થાને આવ્યો છે. પબ્લિક પોલમાં બીજા સ્થાને ઉત્તરપ્રદેશ (અયોધ્યા દીપોત્સવ)નો ટેબલો આવ્યો છે. જ્યારે ત્રીજા સ્થાને મહારાષ્ટ્રનો ટેબલો આવ્યો છે.
જ્યુરી દ્વારા બહાર પડાયેલ પરિણામમાં ઉત્તરાખંડને મળ્યો પ્રથમ નંબર
ત્રણ સેવાઓમાંથી માર્ચિંગ ટુકડીઓ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)/અન્ય સહાયક દળો અને વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને મંત્રાલયો/વિભાગોના ઝાંખીઓના માર્ચિંગ ટુકડીઓની કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે ન્યાયાધીશોની ત્રણ પેનલની નિમણૂક કરવામાં આવી હતી. પેનલના મૂલ્યાંકનના આધારે, પરિણામો નીચે મુજબ છે:
- ત્રણ સેવાઓમાં શ્રેષ્ઠ માર્ચિંગ કન્ટિજન્ટ – પંજાબ રેજિમેન્ટ સેન્ટર કન્ટિજન્ટ
- CAPF/અન્ય સહાયક દળોમાં શ્રેષ્ઠ માર્ચિંગ કન્ટિજન્ટ – CRPF માર્ચિંગ કન્ટિજન્ટ
- શ્રેષ્ઠ ત્રણ ટેબ્લોક્સ (રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો)
- પ્રથમ – ઉત્તરાખંડ (માનસખંડ)
- બીજું – મહારાષ્ટ્ર (સાડે તીન શક્તિપીઠ અને નારી શક્તિ)
- ત્રીજું – ઉત્તર પ્રદેશ (અયોધ્યા દીપોત્સવ)
- શ્રેષ્ઠ ઝાંખી (મંત્રાલયો/વિભાગો) – આદિજાતિ બાબતોનું મંત્રાલય (એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ (EMRSs))
- વિશેષ પુરસ્કાર
- કેન્દ્રીય જાહેર બાંધકામ વિભાગ (જૈવવિવિધતા સંરક્ષણ)
- ‘વંદે ભારતમ’ ડાન્સ ગ્રુપ.