સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુરુવારે (09 ફેબ્રુઆરી 2023) હાઈકોર્ટ માટે ચીફ જસ્ટિસનાં નામોની ભલામણ કરી છે. કોલેજિયમ સિસ્ટમની રચના બાદ 25 વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે પદ ખાલી પડે તે પહેલાં જ નિમણૂક માટે જજોના નામોની ભલામણ કરવામાં આવી છે.
અહેવાલો અનુસાર, સુપ્રીમ કોર્ટ કોલેજિયમે હાઈકોર્ટ માટે ચીફ જસ્ટિસનાં નામોની ભલામણ કરી છે, જેમાં અલ્હાબાદ હાઈકોર્ટ માટે જસ્ટિસ પ્રીતિંકર દિવાકર, કલકત્તા હાઈકોર્ટ માટે જસ્ટિસ ટી.એસ.શિવજ્ઞાનમ, છત્તીસગઢ હાઈકોર્ટ માટે જસ્ટિસ રમેશ સિંહા, ગુજરાત હાઈકોર્ટ માટે જસ્ટિસ સોનિયા જી ગોકાણી અને મણિપુર હાઈકોર્ટ માટે જસ્ટિસ ધીરજસિંહ ઠાકુરના નામોની ભલામણ કરી છે.
ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) ડીવાય ચંદ્રચૂડ સહિત ત્રણ સભ્યોની કોલેજિયમનું કહેવું છે કે અલ્હાબાદ હાઇકોર્ટના હાલના ચીફ જસ્ટિસ રાજેશ બિંદલને સુપ્રીમ કોર્ટમાં બઢતી આપવામાં આવી રહી છે. આ માટે કેન્દ્ર સરકારની મંજૂરી પણ મળી ગઇ છે. આવી સ્થિતિમાં અલ્હાબાદ હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસનું પદ ખાલી રહેશે. ખાલી પડેલી આ જગ્યા માટે જસ્ટિસ પ્રીતિંકર દિવાકરની નિમણૂકની ભલામણ કરવામાં આવી છે.
As per the provisions under the Constitution of India, Hon’ble President of India has appointed the following Chief Justices of High Courts as Judges of the Supreme Court. My best to them.
— Kiren Rijiju (@KirenRijiju) February 10, 2023
1.Rajesh Bindal, Chief Justice, Allahabad HC.
2.Aravind Kumar, Chief Justice, Gujarat HC
તેવી જ રીતે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂંક થઇ રહી છે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસના પદ માટે જસ્ટિસ સોનિયા જી ગોકાણીના નામની ભલામણ કરવામાં આવી રહી છે, જે અગામી સમયમાં ખાલી થવા જઈ રહ્યું છે.
જસ્ટિસ સોનિયા જી ગોકાણી ગુજરાત હાઇકોર્ટના સૌથી સિનિયર જજ છે. છત્તીસગઢ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરૂપ ગોસ્વામી 10 માર્ચે નિવૃત્ત થઈ રહ્યા છે. આથી કોલેજિયમે આ પદ માટે જસ્ટિસ રમેશ સિન્હાના નામની ભલામણ કરી છે.
કલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પ્રકાશ શ્રીવાસ્તવની મુદત 30 માર્ચ, 2023 ના રોજ સમાપ્ત થાય છે. આ પદ માટે કોલેજિયમ દ્વારા સૌથી વરિષ્ઠ જજ જસ્ટિસ ટીએસ શિવજ્ઞાનમના નામની ભલામણ કરવામાં આવી છે.
મણિપુર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પી.વી.સંજય કુમારને પણ સુપ્રીમ કોર્ટમાં બઢતી આપવામાં આવી રહી છે. કોલેજિયમે મણિપુર હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઇકોર્ટના સૌથી સિનિયર જજ જસ્ટિસ ધીરજસિંહ ઠાકુરના નામની ભલામણ કરી છે. જસ્ટિસ ધીરજ સિંહ ઠાકુર ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ટીએસ ઠાકુરના ભાઈ છે.