વાસ્તવિકતા પર આધારિત ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ દેશભરમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મ માત્ર 9 જ દિવસમાં 100 કરોડ ક્લબમાં સામેલ થઇ ગઈ અને હજુ પણ જબરદસ્ત કમાણી કરી રહી છે. ડાબેરીઓ અને કટ્ટરપંથીઓના એક વર્ગે ભરપૂર વિરોધ અને વિવાદ કર્યા બાદ પણ ફિલ્મ દર્શકો સુધી પહોંચવામાં સફળ રહી છે. અત્યાર સુધીમાં ફિલ્મે 136 કરોડની કમાણી કરી લીધી છે અને શક્યતા છે કે બહુ જલ્દી 200 કરોડનો આંકડો પણ પાર કરી લેશે.
આ ફિલ્મ કમાણી મામલે તાજેતરમાં આવેલી શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ કરતાં પણ આગળ નીકળી ગઈ છે. આમ તો શાહરૂખની ફિલ્મની કુલ કમાણી 500 કરોડથી વધુ હોવાનું કહેવાય છે, પરંતુ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટના (રોકાણ પર વળતર- ROI) મામલામાં ‘ધ કેરાલા સ્ટોરી’ આગળ નીકળી જાય છે. કારણ કે શાહરૂખની ફિલ્મ 250 કરોડના ખર્ચે બનાવવામાં આવી હતી અને તેણે કુલ 543.22 કરોડની કમાણી કરી હતી. જેથી તેનું ROI 117.28 ટકા જેટલું હતું.
બીજી તરફ, માત્ર 30 કરોડના ખર્ચે બનેલી ‘ધ કેરાલા સ્ટોરી’એ 9મા દિવસ સુધી 112.99 કરોડની કમાણી કરી લીધી હતી. જેથી ફિલ્મે 82.92 કરોડનો નફો મેળવ્યો કહેવાય. આ ROIની ટકાવારી કાઢવામાં આવે તો તે 276 ટકા જેટલી થાય છે. જે ‘પઠાણ’ કરતાં બમણું છે. આમ બોક્સ ઓફિસ પર કમાણી ઓછી દેખાતી હોવા છતાં કેરાલા સ્ટોરી ‘પઠાણ’ કરતાં વધુ સફળ થઇ કહેવાય.
#TheKeralaStory crosses HALF-CENTURY in *Weekend 2* [Fri to Sun]… Records its *highest single day* number on [second] Sun… Inches closer to ₹ 150 cr, speeding towards ₹ 200 cr… [Week 2] Fri 12.35 cr, Sat 19.50 cr, Sun 23.75 cr. Total: ₹ 136.74 cr. #India biz. #Boxoffice… pic.twitter.com/lMq2xT8lm0
— taran adarsh (@taran_adarsh) May 15, 2023
ફિલ્મે અત્યાર સુધીમાં કુલ 136.74 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જેમાં શુક્રવારે 12.35 કરોડ, શનિવારે 19.50 કરોડ અને રવિવારે 23.75 કરોડની કમાણી કરી હતી. મંગળવારે ફિલ્મ 150 કરોડનો આંકડો સરળતાથી પાર કરી જશે અને આ જ ગતિએ આગળ વધતી રહે તો ફિલ્મ 250 કરોડ સુધીની કમાણી કરી શકે તેવી શક્યતા છે. જોકે, જોવાનું એ રહેશે કે ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નો 300 કરોડના કલેક્શનનો રેકોર્ડ તોડી શકે કે નહીં.
આ ફિલ્મમાં કેરળની એ હિંદુ યુવતીઓની વાત છે જેમનું તેમના મુસ્લિમ મિત્રોએ બ્રેનવૉશ કરી નાંખ્યું હતું અને ત્યારબાદ તેઓ ઇસ્લામમાં ધર્મપરિવર્તિત થઇ ગઈ હતી. જ્યાંથી તેમના નિકાહ કઈ રીતે થયાં અને કઈ રીતે ISIS કેમ્પ સુધી પહોંચી તેની વાર્તા કહેવામાં આવી છે. ફિલ્મ 5 મે, 2023ના રોજ રિલીઝ થઇ હતી.