પાડોશી દેશ પાકિસ્તાનમાં ભાગ્યે જ કોઈ દિવસ એવો પસાર થતો હોય છે જ્યારે લઘુમતી સમુદાયની કોઈ મહિલાનું અપહરણ અને ધર્માંતરણ કે બળાત્કાર જેવી હિંસા ન થતી હોય. પાકિસ્તાન લઘુમતીઓ માટે નરક સમાન બની ગયું છે તેવામાં લઘુમતી સમુદાયની સુરક્ષા અંગે ભારતે પાકિસ્તાનને ઘેર્યું છે. તાજેતરમાં ભારતે શીખ મહિલાના બળજબરીથી ધર્મ પરિવર્તનનો મુદ્દો પાકિસ્તાન સમક્ષ ઉઠાવ્યો છે.
વિદેશ મંત્રી એસ. જયશંકરે આ અંગે રાષ્ટ્રીય લઘુમતી આયોગ (NCM)ને જાણ કરી છે. તેમણે કહ્યું છે કે તેમણે પાકિસ્તાન સાથે શીખ મહિલાઓના બળજબરીથી ધર્મ પરિવર્તનનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે આશા વ્યક્ત કરી કે પાકિસ્તાન આ માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરશે.
બીજી તરફ, કમિશને એક નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું છે કે તેણે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં એક શીખ યુવતીના અપહરણ અને બળજબરીથી ધર્માંતરણ અંગેના મીડિયા અહેવાલોનું સંજ્ઞાન લીધું છે. આ પછી વિદેશ મંત્રીને પત્ર લખીને કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
રાષ્ટ્રીય લઘુમતી આયોગના વડા ઈકબાલ સિંહ લાલપુરાએ 22 ઓગસ્ટ 2022ના રોજ વિદેશ મંત્રીને આ સંબંધમાં એક પત્ર લખીને આ મામલો તેમના પાકિસ્તાની સમકક્ષ સાથે ઉઠાવવાની વિનંતી કરી હતી. તેમણે આરોપીઓ સામે કડક કાર્યવાહી માટે વાત કરવાનું પણ કહ્યું હતું, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને અને પાકિસ્તાનમાં શીખોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.
વિદેશ મંત્રી જયશંકરે 17 સપ્ટેમ્બરના રોજ લખેલા પત્રમાં લાલપુરાને જણાવ્યું હતું કે સરકારે આ ઘટનાની નોંધ લીધી છે. આ ઘટનાની માહિતી મળતાની સાથે જ તેને રાજદ્વારી માધ્યમો દ્વારા પાકિસ્તાન સરકાર સામે ઉઠાવવામાં આવી હતી અને તેના પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
અહી નોંધનીય છે કે 20 ઓગસ્ટ 2022ના રોજ પાકિસ્તાનના ખૈબૈર પખ્તુનખ્વા રાજ્યના બાનેર જિલ્લામાં દીના કૌર નામની શીખ શિક્ષિકાનું બંદૂકની અણી પર અપહરણ કરવામાં આવ્યું હતું . અપહરણ બાદ તેણીનું ધર્મપરિવર્તન કરાવ્યા બાદ તેના બળજબરીથી નિકાહ કરાવવામાં આવ્યા હતા. જ્યારે પરિવારે પોલીસ પાસે મદદ માંગી તો પોલીસે ફરિયાદ નોંધવાનો ઈન્કાર કરી દીધો હતો.
સોશિયલ મીડિયા પર લોકોએ આ ઘટના માટે પાકિસ્તાનની ટીકા કરી હતી અને શાહબાઝ શરીફના કટ્ટરપંથીઓ સામે ઘૂંટણિયે પડવાની નિંદા કરી હતી. બીજેપી નેતા મનજિંદર સિંહ સિરસાએ પણ તેની નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનમાં સતત માનવાધિકારનું ઉલ્લંઘન થઇ રહ્યું છે.