કોંગ્રેસ પાર્ટીના રાજ્યસભા સાંસદ એવા ધીરજ સાહુના ત્યાં પડેલા ITના દરોડામાં મળેલા રૂપિયા પૂરા થવાનું નામ નથી લઈ રહ્યા. પહેલા તિજોરીમાં સંઘરી રાખેલા 200 કરોડ રૂપિયા બાદ હવે વધુ 100 કરોડથી વધુ મળી આવતા કોંગ્રેસી સાંસદ ધીરજ સાહુ પાસે મળેલા રોકડાનો આંકડો 300 કરોને વટી ગયો છે. મળતી માહિતી મુજબ આ રૂપિયા ગણવા માટે IT વિભાગના 50 કર્મચારીઓ કામે વળગ્યા છે અને હજુ વધારે લોકોની મદદ પણ લેવામાં આવશે. આ સિવાય 100 અન્ય અધિકારીઓને સાહુ સાથે સંકળાયેલી જગ્યાઓ પર તૈનાત કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર છેલ્લા 4 દિવસથી કોંગ્રેસી સાંસદ ધીરજ સાહુ પર ITના દરોડા ચાલી રહ્યા છે. આ દરોડામાં અત્યાર સુધી 300 કરોડથી વધુ રોકડા રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. અહેવાલો મુજબ શુક્રવારે (8 ડિસેમ્બર 2023)ના રોજ એજન્સીએ ઓડિશાના બલાંગીર જિલ્લાના સુદાપાડા ખાતેથી દારૂ બનાવતી કંપનીમાં દરોડા પાડીને રોકડ રૂપિયા ભરેલા 176 થેલા જપ્ત કર્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ રકમ 100 કરોડથી વધુ છે. આ પહેલા બુધવાર અને ગુરુવારે એજન્સી દ્વારા બલદેવ સાહુ એન્ડ ગૃપ ઓફ કંપનીની બાલાંગીર ઓફિસમાં રેડ મારીને તિજોરીઓમાં ભરેલા 200 કરોડ રોકડા જપ્ત કર્યા હતા. આ દરોડામાં અત્યાર સુધીમાં કુલ 300 કરોડથી વધુ બિનહિસાબી રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે માત્ર રોકડ રકમ જ નહીં, પરંતુ કોંગ્રેસી સાંસદ ધીરજ સાહુ પાસેથી 3 સૂટકેસ ભરીને ઘરેણાં પણ મળ્યાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ મામલે ભારતીય એસબીઆઈ બલાંગીરના ક્ષેત્રીય પ્રબંધક ભગત બોહરાએ જણાવ્યું હતું કે, “વર્તમાન સમયમાં અમે 2 દિવસમાં રૂપિયા ગણવાના કામને પૂર્ણ કરવાના લક્ષ્યાંક સાથે કામ કરી રહ્યા છીએ. 50 કર્મચારીઓ રૂપિયા ગણી રહ્યા છે અને અન્યોને પણ આ કામ માટે બોલાવવામાં આવ્યા છે. આ રેડમાં રૂપિયા ભરેલા કુલ 176 થેલા મળ્યા છે જેમાંથી માત્ર 40 થેલામાં ભરેલા રૂપિયાની ગણતરી થઇ શકી છે. આ 40 થેલામાં 40 કરોડ મળી આવ્યા છે અને હજુ આવા 136 થેલા હજુ પણ ગણવામાં બાકી છે. કેટલીક રોકડ ટિટલાગઢમાં પણ ગણવામાં આવી છે પરંતુ તેનો આંકડો કેટલો છે તે હજુ સુધી સ્પષ્ટ નથી થઇ શક્યું.
હજુ 7 રૂમ અને 9 લોકર બાકી, આંકડો 500 કરોડે પહોંચે તેવી શક્યતા
અહેવાલોમાં જણાવ્યા અનુસાર હજુ પણ આ રોકડ રકમની ગણતરી ચાલુ છે અને તેનો આંકડો 500 કરોડને વટી જાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે. આ સમગ્ર પ્રક્રિયામાં હજુ પણ 2 દિવસ લાગી શકે છે. આ નોટોની ગણતરી માટે IT વિભાગને હૈદરાબાદ અને ભુવનેશ્વરથી વધારાના મશીનો મંગાવવા પડ્યાં છે. 6 મોટી અને 6 નાની એમ કુલ 12 મશીનો દ્વારા આ રોકડની ગણતરી કરવામાં આવી રહી છે. મળી આવેલી રકમ એટલી મોટી છે કે ગણતરી દરમિયાન કેટલાક મશીન ગરમ થઈને બંધ પડી ગયાં છે. બીજી તરફ કેટલાક અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યું છે કે સાહુ સાથે સંકળાયેલા ત્રણ સ્થળોએ 7 રૂમ અને 9 લોકર હજુ પણ તપાસવાના બાકી છે. એજન્સીનું કહેવું છે કે આ જગ્યાઓ પર રોકડ તેમજ ઘરેણા મળે તેવી સંભાવનાઓ છે.
કોણ છે કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુ
ઝારખંડના ધીરજ સાહુ કોંગ્રેસના સૌથી જુના નેતાઓમાંથી એક છે. 1977માં વિદ્યાર્થીનેતાના રૂપે રાજનીતિમાં પ્રવેશ થયો અને પછીથી તેઓ રાજનીતિમાં આગળ આવ્યા. અત્યાર સુધી તેઓ ત્રણ વાર રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. 2010 થી 2016 સુધી કોંગ્રેસના રાજ્યસભા સાંસદ રહ્યા હતા. 2018માં તેમને વિપક્ષ ચુંટણી લડી અને વિજેતા રહ્યા હતા. આ ઉપરાંત ધીરજ સાહુ 2003-2005 સુધી પ્રદેશ કોંગ્રેસ કમિટીના સભ્ય પણ રહી ચૂક્યા છે.
આ પહેલાં પણ કર્ણાટકના કોંગ્રેસના એક ઉમેદવારના ભાઈને ત્યાંથી ITની રેડમાં 1 કરોડ જેટલી રકમ મળી આવી હતી. આ રકમ એક ઝાડ પર છુપાવવામાં આવી હતી જેનો વિડીયો વાઈરલ થયો હતો.