ઉદ્ધવ ઠાકરેના હાથમાંથી મહારાષ્ટ્રની સત્તા તો ગઈ જ છે પરંતુ હવે પાર્ટી પરથી પણ ધીમે-ધીમે તેમની પકડ ઢીલી થઇ રહી છે. પહેલાં એકનાથ શિંદેની આગેવાનીમાં 39 ધારાસભ્યોએ બળવો કરીને ભાજપ સાથે સરકાર બનાવ્યા બાદ હવે થાણે મહાનગરપાલિકાના શિવસેનાના કુલ 67 કોર્પોરેટરોમાંથી 66 કોર્પોરેટરો એકનાથ શિંદે સાથે જોડાઈ ગયા છે.
થાણે મહાનગરપાલિકાના 66 બળવાખોર કોર્પોરેટરો મુખ્યમંત્રી એકનાથ શિંદેને ગઈકાલે રાત્રે તેમના નિવાસસ્થાને મળ્યા હતા. જે બાદ આજે સવારે તેઓ વિધિવત રીતે એકનાથ શિંદે સાથે જોડાઈ ગયા હતા. એકસાથે 67માંથી 66 કોર્પોરેટરો એકનાથ શિંદે સાથે જોડાઈ જતાં હવે થાણે પાલિકા પરથી પણ ઉદ્ધવ ઠાકરેની સત્તા જતી રહી છે.
JOLT to @OfficeofUT @ShivsenaComms in #Thane as 66 corporators of @TMCaTweetAway join @mieknathshinde under the leadership of former mayor Naresh Mhaske pic.twitter.com/J0DIxQmi7D
— Vinaya Deshpande (@vinivdvc) July 7, 2022
બૃહન્મુંબઈ મહાનગરપાલિકા બાદ થાણે મહાનગરપાલિકા અગત્યની ગણાય છે. વધુમાં ટૂંક સમયમાં મહારાષ્ટ્રમાં પાલિકા ચૂંટણી પણ યોજાનાર છે, ત્યારે આ ચૂંટણીઓ અગાઉ 66 કોર્પોરેટરો એકસાથે શિંદે જૂથ સાથે જોડાઈ જતાં ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ફટકો પડ્યો છે.
ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદેના નેતૃત્વમાં 21 જૂનના રોજ શિવસેના ધારાસભ્યોએ બળવો કર્યા બાદ ધીમે-ધીમે ઠાકરે જૂથ નબળું પડતું ગયું હતું અને એકનાથ શિંદેને 39 ધારાસભ્યોનું સમર્થન મળ્યું હતું. જે બાદ વિપક્ષે રાજ્યપાલને મળીને ફ્લોર ટેસ્ટની માંગ કરી હતી. જોકે, આ ફ્લોર ટેસ્ટના વિરોધમાં ઠાકરે જૂથ સુપ્રીમ કોર્ટમાં ગયું હતું, પરંતુ કોર્ટે ફ્લોર ટેસ્ટ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટ પર રોક લગાવવાનો ઇનકાર કર્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ ફ્લોર ટેસ્ટ પહેલાં જ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રચ્યા બાદ એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદે અને દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી સીએમ પદે શપથ લીધા હતા.
શપથગ્રહણ બાદ મહારાષ્ટ્ર વિધાનસભામાં યોજાયેલા બે દિવસીય વિશેષ સત્રમાં સ્પીકરની ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવારની જીત થઇ હતી તો બીજા દિવસે સરકાર વિશ્વાસ મત પણ જીતી ગઈ હતી. આ ઉપરાંત, સ્પીકરે એકનાથ શિંદેને ધારાસભ્ય પક્ષના નેતા તેમજ ભરત ગોગાવાલેને ચીફ વ્હીપ નીમ્યા હતા.
મહારાષ્ટ્રમાં નવી સરકાર બની ગયા પછી હવે શિવસેના પર બંને પક્ષો દાવો માંડી રહ્યા છે. શિંદે જૂથ અને ઠાકરે જૂથ પોતાની પાર્ટી સાચી શિવસેના હોવાનો દાવો કરી રહ્યા છે અને હવે પાર્ટીના નિશાન ‘ધનુષ્ય-બાણ’ અંગે પણ વિખવાદ થઇ શકે છે. બીજી તરફ, શિંદે જૂથના ધારાસભ્ય ગુલાબરાવ પાટીલે જણાવ્યું કે, પાર્ટીના 18માંથી 12 સાંસદો તેમના સંપર્કમાં છે અને અન્ય 20 જેટલા પૂર્વ ધારાસભ્યો પણ તેમની સાથે ટૂંક સમયમાં જોડાશે.