પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં બેસીને ભારત વિરૂદ્ધ આતંકવાદી ગતિવિધિઓ ચલાવતો વધુ એક આતંકવાદી ઠાર મરાયો છે. મોહમ્મદ રિયાઝ અહમદ ઉર્ફે અબુ કાસિમ નામનો આ આતંકી લશ્કર-ઈ-તૈયબાનો કમાન્ડર હતો. શુક્રવારે (8 સપ્ટેમ્બર, ૨૦૨૩) અજાણ્યા હુમલાખોરોએ તેને ગોળીએ દીધો અને તેની સાથે જ તેના આતંકનો અંત આવ્યો.
આતંકવાદી રિયાઝ છેલ્લાં ઘણાં વર્ષોથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સંતાઈને બેઠો હતો. શુક્રવારે તે POKના રાવલકોટમાં આવેલી એક મસ્જિદમાં નમાજ અદા કરવા માટે જઈ રહ્યો હતો ત્યારે મોટરસાઇકલ પર આવેલા બે અજાણ્યા હુમલાખોરોએ તેની ઉપર ગોળીબાર કરી દીધો હતો. રિયાઝને ચાર ગોળીઓ વાગી અને તે જગ્યા પર જ ઢળી પડ્યો હતો. હુમલાખોરોએ તેને માથામાં ગોળી મારી હોવાનું કહેવાય છે, જેથી તે જગ્યા પર જ મૃત્યુ પામ્યો હતો.
Top Lashkar-e-Taiba (LeT) commander & terrorist Rayaz Ahmed shot dead by unidentified gunmen in a Mosque in Rawalakot, Pakistan-Occupied-Kashmir
— Anshul Saxena (@AskAnshul) September 8, 2023
He was also involved in recruiting terrorists against India
Now, after his killing by unidentified men, Pakistan Army is alert in POK pic.twitter.com/aZZiI7rzOx
મોહમ્મદ રિયાઝ જમાત-ઉદ-દાવા (JuD) સાથે સંકળાયેલો હતો. JuDની સ્થાપના આતંકવાદી હાફીઝ સઈદે કરી હતી, જે લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલું સંગઠન છે. ઈસ્લામિક આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા ભારતમાં અનેક આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપી ચૂક્યું છે અને કાયમ ભારતવિરોધી કાવતરાં કરતું રહે છે.
માર્યો ગયેલો આતંકવાદી કાશ્મીરના સુરાનકોટનો વતની હતો. 1990ના દાયકામાં તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ભાગી છૂટ્યો હતો અને લશ્કર-એ-તૈયબામાં સામેલ થઈ ગયો હતો. ત્યારથી તે POKમાં રહીને ભારતમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપતો હતો. જ્યાં તે લશ્કર-એ-તૈયબાના આતંકવાદી કેમ્પ પણ ચલાવતો હતો અને આતંકીઓ તૈયાર કરતો હતો. આતંકવાદી ગતિવિધિઓના કારણે તે ભારતની સુરક્ષા એજન્સીઓના વૉન્ટેડ લિસ્ટમાં સામેલ હતો.
તાજેતરમાં રાજૌરી-પૂંછમાં થયેલી આતંકી ગતિવિધિઓ પાછળ હતો માસ્ટરમાઈન્ડ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાજેતરમાં પૂંછ અને રાજૌરીમાં જે આતંકવાદી ગતિવિધિઓ થઈ તેમાં રિયાઝે અગત્યની ભૂમિકા ભજવી હતી. ઇન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મુઝફ્ફરાબાદ, માનશેરા અને કોટલીમાં અમુક આતંકવાદીઓના કેમ્પ સક્રિય છે અને ત્યાંથી જ મુસ્લિમ યુવકોને ટ્રેનિંગ આપીને, હથિયારો પૂરાં પાડીને, આતંકવાદી બનાવીને ભારતમાં મોકલવામાં આવે છે. જેઓ અહીં આવીને નાગરિકો અને સેનાના જવાનો પર હુમલા કરે છે. જોકે, ભારતીય સેના તેમના મનસૂબા સફળ થવા દેતી નથી અને સીમા પારથી આવતા એક-એક આતંકવાદીને શોધી-શોધીને તેમનો સફાયો કરવામાં આવતો રહ્યો છે.
બીજી તરફ, છેલ્લા થોડા સમયથી પાકિસ્તાનમાં આતંકીઓને ઠાર મારવાનો ક્રમ ચાલુ. આ પહેલાં પણ પાકિસ્તાનમાં સંતાઈને બેઠેલા અનેક આતંકી સંગઠનોના ટોપ કમાન્ડરોની હત્યા થઈ ચૂકી છે.