પાડોશી ઇસ્લામિક દેશ પાકિસ્તાન ઠેરઠેર આતંકવાદીઓ સપ્લાય કરે છે અને આ માટે આખી દુનિયામાં પંકાયેલો છે. સમયે-સમયે ભારત સહિત અનેક દેશો લપડાક લગાવતા રહે છે પરંતુ હવે એક આતંકવાદી સંગઠન પાસેથી પાકિસ્તાનને સાંભળવાનો વારો આવ્યો છે. ISIS-K દ્વારા કહેવામાં આવ્યું કે પાકિસ્તાન એ ‘ઇસ્લામના નામે કેન્સર’ છે.
ISIS-K એ કુખ્યાત ઇસ્લામિક આતંકવાદી સંગઠન ISIS (ઇસ્લામિક સ્ટેટ ઈન ઇરાક એન્ડ સીરિયા)નો જ એક ભાગ છે, જે મધ્ય અને દક્ષિણ એશિયામાં સક્રિય છે. ISIS-Kમાં ‘K’નો અર્થ ખુરાસાન સાથે છે.
આતંકવાદી સંગઠનના ખુરાસાન યુનિટે પોતાના મુખપત્ર ‘ખુરાસાન ઘાગ’માં પાકિસ્તાની સરકારની કાર્યપદ્ધતિ અને ત્યાંના ઇસ્લામિક સ્કૉલરો સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. જેમાં પાકિસ્તાનને ‘ઇસ્લામના નામે કેન્સર’ ગણાવીને કહેવામાં આવ્યું કે દેશ યુનાઇટેડ સ્ટેટ્સની સૂચનાઓના આધારે ચાલી રહ્યો છે.
પૂર્વ પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનનું ઉદાહરણ આપીને કહેવામાં આવ્યું કે ઇમરાન ખાનને હેરફેર કરીને સત્તામાં લાવવામાં આવ્યા અને તેઓ રશિયાની મુલાકાતે ગયા ત્યારબાદ સત્તા પરથી હટાવી દેવાયા. એમ પણ કહેવામાં આવ્યું કે પાકિસ્તાની સૈન્ય વડા જનરલ આસિફ મુનીર તાજેતરમાં અમેરિકા ગયા હતા તો એ આદેશો લેવા માટે જ ગયા હતા.
અંતે આતંકી સંગઠને કહ્યું કે તેઓ પાકિસ્તાની સરકાર વિરુદ્ધ પોતાનું કામ ચાલુ રાખશે અને ‘અમેરિકી એજન્ટો’ સામે જેહાદ કરવાના પોતાના એજન્ડાને વળગેલા રહેશે.
થોડા સમય પહેલાં પાકિસ્તાની સ્કૉલર મુફ્તી ઉસ્માનીએ તહેરીક-એ-તાલિબાન પાકિસ્તાનના મુફ્તી નૂર વાલીને પાકિસ્તાની સરકાર સામે કામ કરવા બદલ ફટકાર લગાવી હતી. જે મુદ્દે પણ આતંકી સંગઠને પોતાના મુખપત્રમાં ટિપ્પણી કરી છે. ISIS-K તરફથી ઉસ્માનીની ટીકા કરતાં કહેવામાં આવ્યું કે તેમણે અફઘાનિસ્તાન સામે જેહાદ શરૂ કરવાનો ફતવો બહાર પાડ્યા બાદ પાકિસ્તાનમાં રમખાણો સર્જાવાની સ્થિતિ બની ગઈ છે અને ઉમેર્યું કે આ દર્શાવે છે કે પાકિસ્તાનના રાજકારણીઓ, પત્રકારો અને સ્કૉલરો પણ સરકારના જ આદેશ પર કામ કરે છે.
ISIS-K અથવા ISKP વર્ષ 2014માં તહેરીક-એ-તાલિબાન, અલ-કાયદા અને અફઘાનિસ્તાનમાં સક્રિય તાલિબાનોના એક અલગ સમૂહ તરીકે સર્જાયું હતું. ત્યારબાદ જાન્યુઆરી 2015માં ઇસ્લામિક સ્ટેટ દ્વારા ખુરાસાન પ્રોવિન્સની ઘોષણા કરવામાં આવી હતી.
તહેરીક-એ-તાલિબાન પાકિસ્તાનની જેમ ISIS-K પણ પાકિસ્તાન સરકારની વિરુદ્ધ કામ કરે છે. આ સંગઠન મધ્ય અને દક્ષિણ એશિયામાં સક્રિય છે. તેઓ અફઘાનિસ્તાનના તાલિબાનની પણ વિરુદ્ધ છે અને અફઘાનિસ્તાન સહિત પાકિસ્તાનમાં પણ અનેક હુમલાઓની જવાબદારી આ સંગઠન લઇ ચૂક્યું છે.