પાકિસ્તાનમાં રહીને ભારતમાં અને ખાસ કરીને જમ્મુ-કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓને અંજામ આપનારા આતંકવાદીઓ વિરુદ્ધ સરકારની કાર્યવાહી સતત ચાલુ છે. જેના ભાગરૂપે ગુરુવારે (2 માર્ચ, 2023) નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીએ ભાગેડુ આતંકવાદી અને અલ-ઉમર મુજાહિદ્દીનના ચીફ કમાન્ડર મુશ્તાક ઝરગરની સંપત્તિ જપ્ત કરી લીધી છે.
મુશ્તાક ઝરગર હાલ પાકિસ્તાનમાં રહે છે અને ભારતમાં અનેક કેસોમાં આરોપી છે. તે પકડાયો પણ હતો પરંતુ 1999માં કંદહાર હાઇજેક બાદ જૈશ-એ-મોહમ્મદના ચીફ મૌલાના મસૂદ અઝહર સહિત બે આતંકવાદીઓ સાથે તેને પણ છોડી મૂકવામાં આવ્યો હતો.
NIAએ UAPA હેઠળ આ કાર્યવાહી કરી છે. એજન્સીની એક ટીમ સ્થાનિક પોલીસ અને CRPF સાથે શ્રીનગરના નૌહાટા વિસ્તાર સ્થિત આતંકવાદીના ઘરે પહોંચી હતી અને સીલ મારી દીધું હતું. અધિકારીઓએ મુશ્તાક ઝરગરની સંપત્તિ સીલ કરવાની આ કાર્યવાહીની પુષ્ટિ કરી છે.
ઝરગરનું નામ પૂર્વ કેન્દ્રીય ગૃહ મંત્રી મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી રૂબૈયા સઈદના અપહરણ કેસમાં પણ સામે આવ્યું હતું. આ કેસનો મુખ્ય આરોપી આતંકવાદી યાસિન મલિક છે, જે હાલ ટેરર ફાયનાન્સિંગ કેસમાં દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. આ ઉપરાંત, ઝરગરે જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટમાં રહીને પ્રદેશમાં અનેક આતંકવાદી હુમલાને અંજામ આપવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી.
આતંકવાદી ગતિવિધિઓ ઉપરાંત તે હત્યાઓ સહિતના જઘન્ય અપરાધોમાં પણ સામેલ હતો. અલ-કાયદા અને જૈશ-એ-મોહમ્મદ જેવાં ઇસ્લામિક આતંકવાદી સંગઠનો સાથે પણ તે સાંઠગાંઠ ધરાવતો હતો.
અનેક ગુનાઓમાં નામ સામે આવ્યા બાદ 15 મે, 1992ના દિવસે તેની ધરપકડ કરી લેવામાં આવી હતી અને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. જોકે, સાત વર્ષ બાદ ડિસેમ્બર, 1999માં હરકત-ઉલ-મુજાહિદ્દીન આતંકવાદી સંગઠને નેપાળથી દિલ્હીની ફ્લાઇટ હાઇજેક કરી લીધી હતી અને પહેલાં લાહોર અને પછી અફઘાનિસ્તાનના કંદહારમાં લેન્ડ કરાવાઈ હતી. ત્યારે અફઘાનિસ્તાન તાલિબાનના શાસન હેઠળ હતું.
આતંકવાદીઓએ મુસાફરોના બદલે ભારતની જેલમાં બંધ મૌલાના મસૂદ અઝહર, મુશ્તાક ઝરગર અને અહમદ ઓમર સઈદ શેખની મુક્તિની માંગ કરી હતી. સાત દિવસની વાતચીત બાદ 31 ડિસેમ્બર, 1999ના દિવસે સરકારે આ ત્રણેય આતંકવાદીઓને છોડી મૂક્યા હતા.
ભારતમાંથી છૂટ્યા બાદ મુશ્તાક ઝરગર પાકિસ્તાન ભાગી છૂટ્યો હતો. ત્યારથી તે ત્યાં જ રહે છે અને ભારતમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે આતંકવાદીઓ અને ભંડોળ મોકલતો રહે છે. મસૂદ અઝહર અને સઈદ પણ હાલ પાકિસ્તાનમાં જ આશરો મેળવીને બેઠા છે.