Monday, April 29, 2024
More
    હોમપેજરાજકારણકોંગ્રેસમાં કકળાટ યથાવત: વટવા અને જમાલપુર-ખાડિયાના ઉમેદવારોનો કોંગ્રેસ કાર્યકરો દ્વારા વિરોધ; એક...

    કોંગ્રેસમાં કકળાટ યથાવત: વટવા અને જમાલપુર-ખાડિયાના ઉમેદવારોનો કોંગ્રેસ કાર્યકરો દ્વારા વિરોધ; એક મોટા નેતા પર ગંભીર આરોપ

    વટવા અને જમાલપુર-ખાડિયા બંને બેઠકો પર જાહેર થયેલા ઉમેદવારો અનુક્રમે બળવંત ગઢવી અને ઇમરાન ખેડાવાળાનો સ્થાનિક કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે. અને આ બાબતે આરોપ ભરતસિંહ સોલંકી પર લાગી રહ્યો છે કે તેઓએ પૈસા લઈને ટિકિટની ફાળવણી કરી છે.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે એકદમ નજીક આવી ગઈ છે પરંતુ કોંગ્રેસમાં સતત ચાલી રહેલો કકળાટ પૂરો થવાનું નામ જ નથી લઇ રહ્યો. કોંગ્રેસમાં રોજ કેટલાય નેતાઓ અને કાર્યકર્તાઓની નારાજગી સામે આવતી જોવા મળે છે અને રોજ કેટલાય રાજીનામાં પડતા હોય છે. આ જ હરોળમાં હવે વટવા અને જમાલપૂર-ખાડિયા વિધાનસભા પણ આવી ગઈ છે.

    જમાલપુર-ખાડિયામાં ઇમરાન ખેડાવાલાને ટિકિટ મળતા રોષ, ધડાધડ રાજીનામાં

    રવિવારે (13 નવેમ્બર) કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની નવી યાદીને લઈને કકળાટ થયો છે. અમદાવાદની જમાલપુર-ખાડિયા બેઠક પર ઈમરાન ખેડાવાલાને રીપીટ કરાતા કોંગ્રેસના જ કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના અમદાવાદ કાર્યાલય ખાતે નારાજ કાર્યકરોએ તોડફોડ કરી હતી અને ભરતસિંહ સોલંકીનો વિરોધ કર્યો હતો તેમના પોસ્ટરો ફાડ્યા હતા.

    નોંધનીય છે કે, ગઈકાલે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરાતા જ વિરોધના સૂર ઉઠ્યા હતા. જમાલપુર-ખાડીયા બેઠક પર ઈમરાન ખેડાવાલાને રિપીટ કરાતા NSUIના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ઉપરાંત નારાયણ ભરવાડ, સંજય સોલંકી સહિતના કાર્યકરોએ રાજીનામા પણ આપી દીધા હતા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને રાજીનામા ધરી દીધા હતા.

    - Advertisement -

    વટવામાં પણ આયાતી ઉમેદવાર સામે કોંગ્રેસમાં ભડકો

    અમદાવાદમાં વટવાના કોંગ્રેસના ઉમેદવાર બળવંત ગઢવીનો વિરોધ થઈ રહ્યો છે. આયાતી ઉમેદવાર હોવાના કારણે સોશિયલ મીડિયામાં વિરોધ થઈ રહ્યો છે. મનહર પટેલની જેમ વટવામાં મેન્ડેટ બદલવાની માંગણી થઈ રહી છે. વટવા કોંગ્રેસના વોટ્સએપ ગ્રુપમાં પણ કાર્યકરો પોસ્ટ મુકીને વિરોધ નોંધાવી રહ્યાં છે.

    ભરતસિંહ સોલંકી પર પૈસા લઈને ટિકિટ વેચવાનો આરોપ

    અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના જ નારાજ કાર્યકરોએ નેમ પ્લેટ તોડી નાખી હતી અને ઈમરાન ખેડાવાલાનો જમાલપુર બેઠક પરથી મેન્ડેટ રદ કરવાની માંગ કરી હતી.

    મોટી સંખ્યામાં પહોંચેલા કોંગ્રેસના કાર્યકરોએ ભરતસિંહ સોલંકી પર ટિકિટ કૌભાંડનો આરોપ લગાવ્યો છે અને જાણી જોઈને આ બેઠક ભાજપની જોળીમાં નાખી દેવાનો આક્ષેપ કરાયો છે.

    આમ હવે વટવા અને જમાલપૂર-ખાડિયા વિધાનસભામાં કોંગ્રેસમાં સૌ સલામત નથી. શક્ય છે કે સ્થાનિક કોંગ્રેસ કાર્યકરો કોંગ્રેસ ઉમેદવારોનો વિરોધ કરે અને અપક્ષમાં ઉભા રહીને વોટ પણ તોડી શકે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં