સંભલમાં વર્ષો જૂનું એક મંદિર મળ્યા બાદ દેશભરમાં મંદિરો શોધવાની પ્રક્રિયા ચાલુ છે. જેના પગલે બિહારના પટનામાં (Patna) સેંકડો વર્ષોથી બંધ પડેલું એક મંદિર સ્થાનિક લોકોએ શોધી કાઢ્યું છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. અહીં એક જૂનું શિવલિંગ (Shivaling) પણ મળી આવ્યું છે, તે સંપૂર્ણપણે સલામત છે. આ શિવ મંદિરમાં (Shiva Temple) પૂજા પણ શરૂ કરી દેવામાં આવી હતી. મંદિરમાં દર્શન માટે લાંબી લાઈનો લાગી રહી છે. મંદિરની આસપાસ વ્યવસ્થા જાળવવા માટે વહીવટીતંત્ર પણ સચેત રીતે કામ કરી રહ્યું છે.
Watch | Old Shiva temple found in Ward No. 54 of Patna City, Bihar. Heavy crowd gathers for worship.#Bihar #Old #Shiva #Temple #Patna pic.twitter.com/qUqMJlhDR2
— IndiaToday (@IndiaToday) January 7, 2025
નોંધનીય છે કે આ શિવ મંદિર બિહારના પટનાના આલમગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના લક્ષ્મણપુર વિસ્તારમાં મળી આવ્યું હતું. અહીં એક મઠ પણ છે. સ્થાનિક લોકોને મઠની બાજુમાં મંદિર હોવા વિશે કોઈ જાણકારી નહોતી. એક દિવસ મઠની દિવાલ પાસે માટી ધસી પડી. આ દરમિયાન ત્યાં મંદિર જેવું કંઇક દેખાયું હતું. જે જોયા પછી સ્થાનિકોને મંદિર અંગે જાણ થઇ અને અહીં ખોદકામ શરૂ થયું. જ્યારે માટી દૂર કરવામાં આવી, ત્યારે મંદિરનો ઉપરનો ભાગ દેખાયો.
શિવલિંગની સફાઈ કરી પૂજા શરૂ
જ્યારે માટી સંપૂર્ણ રીતે દૂર થઇ ત્યારે એક નાનું મંદિર જોવા મળ્યું. મંદિરમાં શિવલિંગ પણ સ્થાપિત કરેલું હતું. ત્યારપછી ત્યાં સાફ-સફાઈ કરવામાં આવી. આ શિવલિંગ પણ સંપૂર્ણપણે સલામત હતું. આ મંદિરમાં શિવલિંગની સાફ-સફાઈ કરીને પૂજા શરૂ કરવામાં આવી. શિવલિંગ એક ખાસ રીતે બનાવવામાં આવ્યું છે જે ખૂબ જ સુંદર છે. શિવલિંગની આસપાસ બનેલું મંડપ જેવું મંદિર પર કોતરણી પણ કરવામાં આવી છે. સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે જે નાના મંદિરમાં આ શિવલિંગ સ્થાપિત છે તે એક મોટા મંદિરનો ભાગ છે.
આ મંદિર સેંકડો વર્ષ જૂનું
સ્થાનિક લોકોનો દાવો છે કે આ મંદિર લગભગ 500 વર્ષ જૂનું છે. તેની આસપાસનો વિસ્તાર લાહોરી ઇંટોનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. તેમાં અંદર જવા માટે 4 પ્રવેશદ્વાર છે જેમાંથી 2 હજુ પણ બંધ છે. મંદિરની અંદર જે શિવલિંગ સ્થાપિત છે તે કાળા પથ્થરનું બનેલું છે. એવું લાગે છે કે તે એક જ કાળા પથ્થરના ખડકમાંથી કોતરીને બનાવવામાં આવ્યું છે. તેની અંદર, શિવલિંગની સાથે, ભગવાન વિષ્ણુના ચરણ પણ સ્થાપિત છે. મંદિરમાં પાણીના નિકાલની વ્યવસ્થા પણ ગૌમુખ દ્વારા કરવામાં આવી છે. એક સ્થાનિક વ્યક્તિએ ETV અનુસાર આ મંદિર 1000 વર્ષ જૂનું છે અને પહેલાં તેમાં 5 કિલો સોનું હતું.
દર્શન માટે લાગી રહી છે લાઈનો
લક્ષ્મણપુરમાં આ મંદિર મળ્યા પછી, હવે અહીં દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી રહી છે. આ મંદિરનું સંચાલન સ્થાનિક લોકો કરી રહ્યા છે. લોકો અહીં દર્શન કરવા માટે લાઈનો લગાવી રહ્યા છે. સ્થાનિક લોકોએ શિવલિંગને પણ શણગાર્યું છે. જોકે, ભીડને કાબુમાં લેવી મુશ્કેલ બની રહી છે. તેમણે માંગ કરી છે કે હવે સરકારે હસ્તક્ષેપ કરવો જોઈએ અને મંદિરના સંચાલનમાં તેમને મદદ કરવી જોઈએ. નોંધનીય છે કે આ પહેલાં વારાણસીમાં મળેલ શિવ મંદિરના તાળા ખોલવામાં આવ્યા હતા.