તિસ્તા સેતલવાડ ધરપકડ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રેસ-કૉન્ફરન્સ યોજાઈ હતી, જેમાં કેટલીક વિગતો આપવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચ અનુસાર, તિસ્તા સેતલવાડની ધરપકડ કરવામાં આવી છે અને આજે તેમને અને આર.બી. શ્રીકુમારને કોર્ટમાં રજૂ કરાશે. તિસ્તા સેતલવાડ ધરપકડ મામલે વધુ માહિતી ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે આપી હતી.
ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે પત્રકારોને સંબોધતા તિસ્તા અને આર. બી. શ્રીકુમારની ધરપકડ કરાઈ હોવાનું જણાવ્યું હતું.તેમણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરાયેલી ફરિયાદ વિશે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે જે નોંધ્યું હતું તેના આધારે આ ત્રણ વ્યક્તિઓએ અરાજકતા ફેલાવવા અને નિર્દોષ લોકોને ખોટી રીતે ફસાવવા માટે ષડ્યંત્ર રચ્યું હતું. જેથી આ ફરિયાદ કરવામાં આવી છે. અંતમાં તેમણે કહ્યું હતું કે બંને આરોપીને સાંજ સુધીમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાન્ડ મેળવીને તમામ મુદ્દાની તલસ્પર્શી તપાસ કરવામાં આવશે.
તિસ્તા સેતલવાડને મેડિકલ ટેસ્ટ માટે અમદાવાદમાં આવેલી એસ.વી.પી. હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. તિસ્તા સેતલવાડે અટકાયત બાદ પહેલી વાર મીડિયા સામે નિવેદન આપતા કહ્યું કે “તેમણે મારું મેડિકલ કરાવ્યું છે. મારા હાથમાં મોટો ડાઘ પડી ગયો છે. એટીએસે મારી સાથે આવું જ કર્યું છે. હવે તેઓ મને મૅજિસ્ટ્રેટ અદાલતમાં લઈ જઈ રહ્યા છે.”
#WATCH तीस्ता सीतलवाड़ का मेडिकल चेकअप अहमदाबाद, गुजरात के सिविल अस्पताल में किया गया।
— ANI_HindiNews (@AHindinews) June 26, 2022
तीस्ता सीतलवाड़ ने कहा, “उन्होंने मेरा मेडिकल कर दिया है। मेरे हाथ पर एक बड़ा घाव है, एटीएस ने मेरे साथ यही किया है। वे मुझे मजिस्ट्रेट की अदालत में ले जा रहे हैं।” pic.twitter.com/uqqtcRj5kJ
ઉલ્લેખનીય છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલી એક એફઆઈઆરના સંદર્ભમાં તેમની અટકાયત કરવામાં આવી છે. ગુજરાત પોલીસ દ્વારા દાખલ કરાયેલ એક કેસમાં તિસ્તાની સાથે ગુજરાતના ભૂતપૂર્વ ડીજીપી આર. બી. શ્રીકુમાર અને બરતરફ IPS સંજીવ ભટ્ટનાં નામ પણ સામેલ હતાં. જે સંદર્ભે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આર. બી. શ્રીકુમારની ગાંધીનગર ખાતેથી ધરપકડ કરાઈ હતી.
નોંધનીય છે કે વર્ષ 2002નાં ગુજરાત રમખાણોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય 63 વ્યક્તિઓને SIT દ્વારા અપાયેલી ક્લીનચિટને પડકારતી અરજી શુક્રવારે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. ગુજરાત ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડ (એટીએસ) ની ટીમ તિસ્તા સેતલવાડના મુંબઈ ખાતેના નિવાસસ્થાને તેમની NGO અંગે થયેલ કેસને લઈને પહોંચી હતી. આ સમગ્ર મામલે ભારતીય દંડ સંહિતાની કલમ 486, 471, 194, 211, 218 અને 120 (બી) અંતર્ગત ગુનો નોંધવામાં આવેલ છે.
Gujarat ATS team reaches Teesta Setalvad’s residence in Mumbai related to a case on her NGO pic.twitter.com/N2hkuqPG00
— ANI (@ANI) June 25, 2022
નોંધનીય છે કે વર્ષ 2002નાં ગુજરાત રમખાણોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય 63 વ્યક્તિઓને SIT દ્વારા અપાયેલી ક્લીનચિટને પડકારતી અરજી શુક્રવારે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. આ મામલે ઝકિયા જાફરી દ્વારા કરવામાં આવેલી આ ફરિયાદનાં તિસ્તા સેતલવાડ સહ-યાચિકાકર્તા હતાં.
તો બીજી તરફ ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકરપ્રસાદે કોર્ટના ચુકાદાનું સ્વાગત કરતાં કહ્યું હતું કે, “પાછલાં 20 વર્ષથી મોદીને બદનામ કરનારાઓની દુકાન હવે બંધ થવી જોઈએ.” રવિશંકરપ્રસાદે પોતાના નિવેદનમાં આ સમગ્ર મામલો તિસ્તા સેતલવાડ પ્રેરિત હોવાની વાત કરી હતી. તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે નિવેદન આપતાં વર્ષ 2002નાં હુલ્લડોમાં રાજ્યના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની છબિ ખરાબ કરવા મામલે તિસ્તા અને અન્યો દ્વારા નિરાધાર આક્ષેપો કરાયા હોવાની વાત કરી હતી. તેમણે આ અંગેના આરોપ લગાડનાર તમામ અંગે કહ્યું હતું કે આ લોકોએ મોદીજીની માફી માગવી જોઈએ.
તિસ્તા સેતલવાડની ધરપકડ કરવા ગયેલી ટીમના સભ્ય અને ફરિયાદી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર બારડે ન્યુઝ એજન્સી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “તિસ્તા સેતલવાડ, આર. બી. શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સામે SIT તથા જુદાં જુદાં કમિશનો સમક્ષ ખોટી રજૂઆતો કરી અને નિર્દોષ લોકોને કાનૂની સજા થાય એવું ષડ્યંત્ર રચવાના પ્રયાસના ગુના હેઠળ આ કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, આ ત્રણ સામે IPCની છ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.”
Gujarat ATS detained and took activist Teesta Setalvad to Santacruz police station in Mumbai pic.twitter.com/X72wZ1pyee
— ANI (@ANI) June 25, 2022
ફરિયાદમાં નોંધાયેલ વિગતો અનુસાર, “ત્રણેય આરોપીઓએ કાયદાની પ્રક્રિયાનો ગેરલાભ ઉઠાવવા માટે નિર્દોષ વ્યક્તિઓ સામે ખોટા પુરાવા ઊભા કરવાનું કાવતરું રચ્યું હતું. આ નિર્દોષ વ્યક્તિઓને એવા ગુનામાં ફસાવવા માટે પ્રયત્ન કરાયા હતા કે જેમાં તેમને ફાંસીની સજા પણ થઈ શકતી હતી. આ સિવાય SITની તપાસમાં એ બહાર આવ્યું છે કે આ ત્રણેય આરોપીઓએ ઈજા પહોંચાડવાના ઇરાદે નિર્દોષ વ્યક્તિઓ પર નિરાધાર કાયદાકીય કાર્યવાહી થાય તેવા પ્રયત્નો કર્યા હતા.”
“આ સિવાય આર. બી. શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ ગુનો બન્યો તે સમયે સરકારી અધિકારી હતા અને તેમણે આ હોદ્દા પર હતા તે દરમિયાન નિર્દોષ વ્યક્તિઓને ફસાવવા માટે ખોટી માહિતીને સાચા પુરાવા તરીકે રજૂ કર્યા હતા.”
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઝકીયા જાફરી મામલે આપેલ ચુકાદામાં કહ્યું હતું કે આ ફરિયાદનો દોરીસંચાર કરવામાં સામેલ તમામ લોકો પર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે આ સમગ્ર મામલાને પ્રોત્સાહિત અને અન્ય દ્વારા સૂચવાયેલું પગલું ગણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે, “પ્રોટેસ્ટ પિટિશનના નામે અરજદારે અન્ય પણ ઘણા કેસોમાં કોર્ટ દ્વારા આપવામાં આવેલ ચુકાદાઓ સામે પ્રશ્ન ઉઠાવ્યા છે, જેનું કારણ તેમને જ ખબર હશે. તેઓ આવું અન્ય કોઈની દોરવણી અંતર્ગત જ કરી રહ્યાં છે.”
“ઝકિયા જાફરી દ્વારા કરાયેલ દલીલો SITના સભ્યોની નીતિમતા અને પ્રામાણિકતા સામે પ્રશ્નો ઉઠાવે છે. તેમજ SIT દ્વારા કરાયેલ તમામ મહેનતને વ્યર્થ બનાવવાનો પ્રયાસ છે. આ અરજી મામલાને શાંત ન પડવા દેવાનો પ્રયાસ છે, જેનો હેતુ ગૂઢ છે. આ મામલામાં વધુ તપાસ ત્યારે જ શક્ય બની હોત જ્યારે કોર્ટ સમક્ષ મોટા ષડ્યંત્રને લગતી યોજના અંગેના પુરાવા રજૂ કરાયા હોત. જે ફરિયાદ પક્ષ દ્વારા કરાયા નથી. તેથી કોર્ટ SITનો અંતિમ રિપોર્ટ મંજૂર રાખે છે.”
અહેસાન જાફરીનાં વિધવા ઝકિયા જાફરીએ આ અને અન્ય મામલે નરેન્દ્ર મોદી તથા અન્ય કથિત કાવતરાખોરોની ભૂમિકા મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા અપાયેલી ક્લીનચિટને પડકારી મામલાની પુન:તપાસ માટે અરજી કરી હતી.
અગાઉ સ્પેશિયલ મૅજિસ્ટ્રેટ કોર્ટે પણ કરી હતી ઝાટકણી
નોંધનીય છે કે અગાઉ સ્પેશિયલ મૅજિસ્ટ્રેટ કોર્ટ, ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ SITના ક્લોઝર રિપોર્ટને પડકારતી ઝકિયા જાફરીની અરજીને ફગાવી દેવાઈ હતી. ઝકિયા જાફરીનો આરોપ હતો કે નરોડા પાટિયા, નરોડા ગામ અને ગુલબર્ગ સોસાયટી જેવા કેસ ‘એક મોટા કાવતરા’નો ભાગ હતા.
પરંતુ સુપ્રીમ કોર્ટના જજ એ. એમ. ખાનવિલકર, દિનેશ મહેશ્વરી અને સી. ટી. રવિકુમારની બેન્ચે આ આરોપો અંગે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે આ સમગ્ર ઘટનાક્રમ એક મોટા કાવતરાનો ભાગ છે તે સિદ્ધ કરવા માટે પૂરતા પુરાવાનો અભાવ છે.તેમજ આ કેસમાં મેરિટની ઊણપ જોવા મળી રહી છે. અત્રે નોંધનીય છે કે તિસ્તા સેતલવાડના એનજીઓ સિટીઝન ફૉર પીસ એન્ડ જસ્ટિસને મળેલ ફંડનો દુરુપયોગ કરવાના આોપ લાગ્યા હતા.