ગુજરાતમાં 2002નાં રમખાણોના કેસમાં ખોટા દસ્તાવેજો અને સાક્ષી ઉભા કરવાના કેસની તપાસ કરતી એસઆઈટીએ સેશન્સ કોર્ટ સમક્ષ સોગંદનામું રજૂ કરીને કહ્યું છે કે કથિત એક્ટિવિસ્ટ તીસ્તા સેતલવાડ અને પૂર્વ પોલીસ અધિકારીઓ આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટે બદઇરાદાપૂર્વક ત્યારની ગુજરાત સરકારને અસ્થિર કરી તોડી પાડવા અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિતના નિર્દોષોને ખોટી રીતે ફસાવવા માટેનું ષડ્યંત્ર ઘડ્યું હતું. જેમાં પૂર્વ કોંગ્રેસ નેતા અહેમદ પટેલ તરફથી પણ મદદ મળી હોવાનો ખુલાસો થયો છે.
તીસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમારે અમદાવાદની સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેના વિરોધમાં તપાસ કરતી વિશેષ તપાસ ટીમે કોર્ટમાં એફિડેવિટ રજૂ કરીને સાથે બે સાક્ષીઓના નિવેદનો પણ જોડ્યાં હતાં. એસઆઈટીએ કહ્યું કે, આરોપીઓએ વિપક્ષી પાર્ટીઓ પાસેથી ગેરકાયદે નાણાં અને અન્ય લાભ મેળવવાના ઈરાદાથી એક મોટું ષડ્યંત્ર રચ્યું હતું.
Plot to frame #NarendraModi hatched at behest of #AhmedPatel: SIT
— The Times Of India (@timesofindia) July 16, 2022
The SIT probing the fabrication of evidence in the 2002 Gujarat riots said there was a larger conspiracy to wrongly implicate then CM Narendra Modi
Read: https://t.co/e8ixo3dOlQ pic.twitter.com/QVriKVHFWP
આ ઉપરાંત, એક મોટો ખુલાસો કરતા એસઆઈટીએ કહ્યું છે કે, તીસ્તા સેતલવાડ અને સાથીઓની પૂર્વ કોંગ્રેસ સાંસદ અહેમદ પટેલ તરફથી 30 લાખ રૂપિયા મળ્યા હતા અને તેમની વચ્ચે અનેક મીટીંગો પણ થઇ હતી.
એફિડેવિટમાં એક સાક્ષીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, તોફાનો થયા બાદ એક જ સપ્તાહમાં તીસ્તા અમદાવાદ આવી હતી અને અલગ-અલગ રાહત શિબિરો અને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત વખતે રાજકીય નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી અને આરબી શ્રીકુમાર તેમજ સંજીવ ભટ્ટ સાથે પણ બેઠકો કરી હતી. એસઆઈટીએ એમ પણ જણાવ્યું છે કે, આ લોકો તત્કાલીન કેન્દ્ર સરકારના શાસક પક્ષના કેટલાક નેતાઓને પણ મળ્યા હતા અને ગુજરાતની ભાજપ સરકારના વરિષ્ઠ નેતાઓને ફસાવવાનું કાવતરું ઘડ્યું હતું.
સાક્ષીઓએ જણાવ્યું છે કે, તોફાનો બાદ તીસ્તા અને સંજીવ ભટ્ટ પૂર્વ કોંગ્રેસ નેતા અહેમદ પટેલના દિલ્હી ખાતેના નિવાસસ્થાને ગુપ્ત રીતે મળ્યાં હતાં. રમખાણમાં અસરગ્રસ્ત થયેલા લોકો માટે ફંડ એકઠું કરવાના બહાને તેમની મુલાકાત થતી હતી. પરંતુ પ્રથમ વખત તીસ્તા અને અહેમદ પટેલની મુલાકાત વખતે પાંચ લાખ રૂપિયા મળ્યા હતા. તીસ્તાને આ રકમ અહેમદ પટેલની સૂચનાથી એક સાક્ષીના માધ્યમથી પહોંચાડવામાં આવી હતી. જેના બે દિવસ બાદ તેઓ શાહીબાગ ખાતેના સર્કિટ હાઉસ ખાતે મળ્યા હતા, જ્યાં અહેમદ પટેલ તરફથી તીસ્તાને વધુ 25 લાખ મળ્યા હતા. એસઆઈટીએ કહ્યું છે કે, આ રકમ રાહત કામગીરી માટે ન હતી કારણ કે રાહત કામગીરી ત્યારની ગુજરાત રિલીફ કમિટી દ્વારા થઇ રહી હતી. ખુલાસો થયો છે કે આ બેઠકમાં અન્ય રાજકીય નેતાઓ પણ હાજર હતા.
આ ઉપરાંત, તીસ્તા સેતલવાડે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી હરેન પંડ્યાના પિતા વિઠ્ઠલભાઈ પંડ્યા સાથે પણ સંપર્ક કર્યો હતો અને તેમને તેના એનજીઓ સિટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસ સાથે જોડાવા માટે સમજાવ્યા હતા.
આ ઉપરાંત, સોગંદનામામાં ફંડના દુરુપયોગનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. ગુલબર્ગ સોસાયટીના એક રહીશ ફિરોઝખાન પઠાણે નોંધાવેલ એક એફઆઈઆરની વિગતો અનુસાર, તીસ્તાના એનજીઓના અકાઉન્ટમાં 63 લાખ અને સબરંગ ટ્રસ્ટના અકાઉન્ટમાં 88 લાખ રૂપિયા જમા થયા હતા. આરોપ છે કે આ રકમ ગુલબર્ગ સોસાયટીના રહેવાસીઓની મદદ માટે અને સોસાયટીમાં મ્યુઝિયમ બનાવવા માટે ઉઘરાવવામાં આવી હતી.