તમિલનાડુના ભાજપ પ્રદેશ પ્રમુખ કે અન્નામલાઈ સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધી ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં એક લીડરશીપ ડેવલોપમેન્ટ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે જઈ રહ્યા છે. આ વિશેની અધિકારિક જાણકારી તમિલનાડુ ભાજપના ઉપાધ્યક્ષ કારુ નાગરાજન દ્વારા આપવામાં આવી છે. તેમણે મંગળવારે (2 જુલાઇ) આ વિશેની જાણકારી આપતાં મીડિયાને કહ્યું હતું કે, અન્નામલાઈ બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં લીડરશીપ સંબંધિત ફેલોશિપ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે જશે.
તમિલનાડુના ભાજપ ઉપાધ્યક્ષ નાગરાજને કહ્યું કે, અન્નામલાઈને ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા લીડરશીપ એન્ડ એક્સેલન્સ પ્રોગ્રામ માટે ચેનિંગ ગુરુકુલ ફેલોશિપ માટે પસંદ કરવામાં આવ્યા છે. તેથી અન્નામલાઈ 3 મહિના સુધી ઓક્સફોર્ડમાં રહેશે. તેઓ સપ્ટેમ્બરથી ડિસેમ્બર મહિના સુધી તે પ્રોગ્રામમાં ભાગ લેશે. સાથે તેમણે એવું પણ કહ્યું કે, આ પ્રોગ્રામ માટે ભારતમાંથી માત્ર 12 લોકોને પસંદ કરવામાં આવ્યા છે. જેમાંના એક તમિલનાડુ ભાજપ પ્રમુખ છે.
નાગરાજને મીડિયા સાથે વાત કરતાં સમયે કહ્યું કે, “અમને ખૂબ ખુશી અને ગર્વ છે કે, અમારા રાજ્ય અધ્યક્ષને આ પ્રોગ્રામ માટે પસંદ કરવામાં આવ્યા છે.” આ સાથે તેમણે સ્ટેટ ઇન્ચાર્જને (પ્રભારી)ને લઈને પણ કહ્યું હતું કે, જ્યાં સુધી અન્નામલાઈ વિદેશ પ્રવાસ પર રહેશે ત્યાં સુધી રાજ્ય ભાજપ સંગઠનનું નેતૃત્વ પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવેલા કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવશે. આ અંગે દિલ્હી હાઇકમાન્ડથી નિર્ણય આવશે.
નોંધનીય છે કે, તમિલનાડુના ભાજપ પ્રમુખ કે અન્નામલાઈએ લોકસભા ચૂંટણી પહેલાં જ આ પ્રોગ્રામ માટે અરજી દીધી હતી. તેથી તમિલનાડુ ભાજપ તે વાતનું ખંડન કરે છે કે, લોકસભા ચૂંટણીમાં હાર બાદ અન્નામલાઈ લીડરશીપ પ્રોગ્રામમાં ભાગ લેવા જઈ રહ્યા છે. આ પ્રોગ્રામ માટે દેશમાંથી પણ ઘણા લોકોએ અરજી કરી હતી. ત્યારબાદ યુનિવર્સિટીના માપદંડ અનુસાર, 12 લોકોની પસંદગી કરવામાં આવી હતી. જેમાંના એક અન્નામલાઈ પણ છે. તેથી તે 12 લોકોને આ પ્રોગ્રામમાં ભાગ લેવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે.