અફઘાનિસ્તાનમાં આતંકવાદી સંગઠન તાલિબાને સત્તા કબજે કર્યા બાદ દેશની હાલત દિવસેને દિવસે કથળી રહી છે. તાલિબાન ભલે મહિલાઓને સુરક્ષા આપવાના કે ‘સુશાસન’ના દાવા કરતું હોય પરંતુ અફઘાનિસ્તાનમાં મહિલાઓની સ્થિતિ હજુ પણ કથળેલી જ રહી છે. તાલિબાનના શાસનમાં મહિલાઓના પ્રાથમિક અધિકારો પર તરાપ મારવામાં આવી રહી હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. હવે આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અફઘાનિસ્તાનમાં એક કન્યા શાળા બંધ કરી દીધા બાદ તાલિબાનીઓ ઉજવણી કરવા માટે શાળાના એક વર્ગખંડમાં હવામાં બંદૂકો લહેરાવી ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.
સ્વતંત્ર પત્રકાર સજ્જાદ નૂરિસ્તાની દ્વારા શેર કરવામાં આવેલ એક વિડીયોમાં જોવા મળે છે કે કઈ રીતે કન્યા શાળા બંધ કરી દીધા બાદ શાળામાં જ તાલિબાનીઓ ડાન્સ કરી રહ્યા છે. તેમણે માહિતી આપતા જણાવ્યું કે, આ શાળા પૂર્વ અફઘાનિસ્તાનમાં નૂરિસ્તાન પ્રાંતમાં આવેલ હતી. જે બંધ કર્યા બાદ તાલિબાનીઓ વર્ગખંડમાં જ નૃત્ય કરતા જોવા મળ્યા હતા.
After the closure of the girls ‘schools, the Taliban group danced in the classrooms of the girls’ schools.
— Sajjad Nuristani (@SajjadNuristan) May 13, 2022
This class is for girls at Weigel High School in Nuristan Province in eastern Afghanistan.#AfghanWomen pic.twitter.com/hFPidpkLRh
વિડીયોમાં જોવા મળે છે કે ચાર તાલિબાનીઓ બંદૂકો સાથે નૃત્ય કરી રહ્યા છે, જ્યારે પાંચમો તેમનો વિડીયો બનાવી રહ્યો છે.
અહીં નોંધનીય છે કે તાલિબાને અફઘાનિસ્તાનમાં કન્યાઓના ઉચ્ચ શિક્ષણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. અફઘાનિસ્તાનમાં છોકરીઓ છઠ્ઠા ધોરણથી ઉપર ભણી શકતી નથી. જોકે, મહિલાઓને સમાન અધિકારો આપવા માટે અને તેમને શિક્ષણ આપવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા અનેક વખત તાલિબાન સમક્ષ માંગ કરવામાં આવી ચૂકી છે.
જોકે, તાલિબાને અફઘાનિસ્તાન પર બીજી વખત કબજો મેળવ્યો ત્યારબાદ નિયમો થોડા હળવા કર્યા છે. આ પહેલાં 1996 થી 2001 ના તાલિબાનના શાસન દરમિયાન અફઘાનિસ્તાનમાં અનેક એવા નિયમો લાગુ કરવામાં આવ્યા હતા, જેમાં હાલ ઢીલ મૂકવામાં આવી છે.
તે સમયે અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક કાનૂન શરિયા અનુસાર, મહિલાઓને શાળાએ જવા કે પોતાના કામથી બહાર જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઉપરાંત, તેમને સંપૂર્ણ શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા પડતા. તેમજ જ્યારે મહિલાઓ બહાર જતી ત્યારે તેમણે ફરજિયાત એક પુરુષ સબંધીને સાથે રાખવો પડતો.
આ ઉપરાંત, તાલિબાને સંગીત પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. તેમજ શરિયા કાનૂનનું ઉલ્લંઘન કરનારા વિરુદ્ધ કડક સજાના પણ નિયમો બનાવ્યા હતા. જેમાં ચોરોના હાથ કાપવા, મહિલાઓને જાહેરમાં મારવું અને વ્યાભિચારના આરોપ પર પથ્થર મારવા વગેરે સામેલ હતા.