કર્ણાટક વિધાનસભા ચૂંટણીને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચાર માટે રાજ્યની મુલાકાતે છે. મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગૃહ જિલ્લામાં ભવ્ય રોડ શો પહેલા PM મોદીએ બાળકો સાથે હૃદયસ્પર્શી વાતચીત કરી હતી. કલબુર્ગીમાં યોજાયેલા રોડ શો પહેલાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વડાપ્રધાન અને બાળકો સાથેની વાતચીતનો વિડીયો ઈન્ટરનેટ પર વાયરલ થયો
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીનો બાળકો સાથેનો લાગણીભર્યો વ્યવહાર અવારનવાર ચર્ચાનું કેન્દ્ર બને છે. કર્ણાટકમાં પણ ચૂંટણી પ્રચાર દરમિયાન PM મોદીએ બાળકો સાથે હળવાશભરી પળો માણી હતી જેનો વિડીયો નેટીઝન્સને ખૂબ ગમ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, બાળકો પોતાના વડાપ્રધાનની એક ઝલક મેળવવા માટે રાહ જોઈને ઊભા છે. પીએમ મોદી બાળકો પાસે આવીને પૂછે છે કે, “તમે બધા સ્કૂલ જાઓ છો?” ત્યારે બાળકો જવાબ આપે છે કે, “હા, સર!”. બાદમાં વડાપ્રધાન તેમની સાથે રમતા પણ જોવા મળે છે. તેઓ હાથથી અમુક ઍક્શન કરે છે અને બાળકો તેનું પુનરાવર્તન કરે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોને એવું પણ પૂછ્યું હતું કે તેઓ મોટા થઈને શું બનવા માગે છે. “તમે બધા ભણશો? તમે ભણીને શું બનવા માંગો છો?” એવું પૂછવા પર એક બાળકે જવાબ આપ્યો કે, “મારે પોલીસ બનવું છે.” તો બીજાએ કહ્યું કે તે ડૉક્ટર બનવા માગે છે. એક બાળકે તો વડાપ્રધાનના સુરક્ષા કર્મચારી બનવાની પણ વાત કરી હતી.
‘PM બનવાનું મન નથી થતું?’
બાળકો તરફથી જુદા-જુદા પ્રતિભાવ આવ્યા બાદ પીએમ મોદીએ તેમને પૂછ્યું હતું કે શું તમને લોકોને વડાપ્રધાન બનવાનું મન નથી થતું? આના પર એક બાળકે જવાબ આપ્યો કે તે તેમના (પીએમ મોદી) જેવો બનવા માગે છે.
#WATCH | Karnataka: Prime Minister Narendra Modi had a light-hearted interaction with children in Kalaburagi earlier today, before the roadshow here. pic.twitter.com/HYOoei56xf
— ANI (@ANI) May 2, 2023
મલ્લિકાર્જુન ખડગેના ગૃહ જિલ્લામાં ‘મોદી-મોદી’ના નારા ગૂંજ્યા
કર્ણાટકમાં મહત્વની વિધાનસભા ચૂંટણી માટે પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ પણ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. મલ્લિકાર્જુન ખડગેના ગૃહ જિલ્લામાં યોજાયેલા ભવ્ય રોડ શોમાં ‘મોદી-મોદી’ના નારા ગૂંજ્યા હતા. 10 મેએ યોજાનારી ચૂંટણી માટે વડાપ્રધાનનું નવું સૂત્ર ‘ઈ બારિયા નિર્ધારા, બહુમતદા ભાજપ સરકાર’ (આ વખતનો નિર્ણય, બહુમતીવાળી ભાજપ સરકાર) પણ રોડ શો દરમિયાન ગૂંજી ઉઠ્યું હતું. વડાપ્રધાને ઉત્તર કર્ણાટકના ચિત્રદુર્ગા, હોસપેટ અને સિંધનુરમાં ત્રણ રેલીઓ યોજીને સત્તારૂઢ ભાજપ માટે પ્રચાર કર્યો હતો.