સ્વીડનના દક્ષિણપંથી નેતા જિમ્મી અકેસ્સન ઇસ્લામિક કટ્ટરપંથને લઈને આપેલા એક નિવેદન આપ્યા બાદ ચર્ચામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે પોલીસે એવી મસ્જિદોમાં સર્ચ ઓપરેશન ચલાવવું જોઈએ અને તેને ધ્વસ્ત કરી દેવી જોઈએ જ્યાં લોકતંત્ર વિરોધી વાતો કરવામાં આવતી હોય. સ્વીડનના શાસક ગઠબંધનના નેતાએ મસ્જિદોને ધ્વસ્ત કરી દેવાનું નિવેદન આપતા વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસને તેમનો વિરોધ કર્યો છે.
જિમ્મી અકેસ્સનનું કહેવું છે કે મસ્જિદોને ધ્વસ્ત કરી અને તેમાં સર્ચ ઓપરેશન દ્વારા જ વધતા ઇસ્લામીકરણથી લડી શકાશે. જિમ્મી અકેસ્સનનું તેવું પણ કહેવું છે કે નવી મસ્જિદો બનાવવાની પરવાનગી પણ ન આપવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે દેશમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરનારાઓને મસ્જિદો બનાવવાનો કોઈ જ અધિકાર ન હોવો જોઈએ.
અકેસ્સને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, “આપણા માટે તે આવશ્યક છે કે આપણે તેવી મસ્જિદોને તોડવાનું કે સીઝ કરવાનું શરૂ કરીએ જ્યાંથી સહુથી વધુ લોકતંત્ર વિરોધી, સ્વીડન વિરોધી, સેમેટિક વિરોધી, હોમોફોબિક વિરોધી અને સ્વીડીશ સમાજ વિરોધી પ્રોપગેન્ડા ચલાવવામાં આવે છે.”
જિમ્મી અકેસ્સન સ્વીડનની બીજા નંબરની સહુથી મોટી પાર્ટી ‘સ્વીડન ડેમોક્રેટિક પાર્ટી’ના નેતા છે. તેઓ સરકાર સાથેના ગઠબંધનમાં પણ સામેલ છે. તેમની પાર્ટી પાસે સ્વીડનની સંસદ રીક્સ્દાગમાં 72 સીટો છે. સ્વીડનના સત્તાપક્ષના નેતાએ મસ્જિદોને ધ્વસ્ત કરી દેવાનું નિવેદન સામે આવ્યા બાદ વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસને વિરોધ કયો છે.
વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસને આ મામલે કહ્યું હતું કે જિમ્મી અકેસ્સનનું આ નિવેદન ‘અપમાનજનક’ છે. ઉલ્ફ ક્રિસ્ટરસનનું કહેવું છે કે આપણે સ્વીડનમાં ઈબાદતગાહોને ધ્વસ્ત નથી કરતા. તેમણે એમ પણ કહ્યું હતું કે, તેમ કરવું સ્વીડનના મૂળભૂત મૂલ્યોનું ઉલંઘન છે. વડાપ્રધાને કહ્યું હતું કે, “આપણે કટ્ટરપંથ સામે લડવું જોઈએ, પરંતુ લોકતંત્રના દાયરામાં રહીને.”
વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસને ચિંતા જાહેર કરી હતી કે અકેસ્સને આપેલું આ નિવેદન સ્વીડનના NATOમાં જોડાવવાની સંભાવનાઓ પર અસર કરશે. ઉલ્લેખનીય છે ક સ્વીડન NATOમાં જોડાવવા માંગે છે, પરંતુ તુર્કી તેને સમર્થ નથી આપતું. આ પાછળનું કારણ આપતા તુર્કીનું કહેવું છે કે સ્વીડનમાં ઇસ્લામોફોબિયા વધી રહ્યો છે. નોંધનીય છે કે થોડા સમય પહેલા જ સ્વીડનમાં કુરાન સળગાવવાની અનેક ઘટનાઓ સામે આવી હતી.