બૉલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂત કેસ મામલે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તી વિરુદ્ધ મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં આરોપ દાખલ કર્યા છે. આ મામલે આગલી સુનાવણી 12 જુલાઈના રોજ મુકરર કરવામાં આવી છે.
સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર અતુલ સરપાંડેએ જણાવ્યું કે કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવેલ ચાર્જશીટમાં તમામ આરોપીઓ વિરુદ્ધ આરોપ દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કોર્ટ સમક્ષ રિયા અને શૌવિક પર માદક પદાર્થોના સેવન અને મૃતક અભિનેતા સુશાંત સિંહ રાજપૂત માટે આવા પદાર્થોની ખરીદી કરવા બદલ આરોપ નક્કી કરવાની રજૂઆત કરી છે.
ડ્રાફ્ટ ચાર્જમાં એજન્સીએ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટની (NDPS) કેટલીક કલમો હેઠળ આરોપ નક્કી કરવા જણાવ્યું છે. જેમાં ગેરકાયદે હેરફેર અને આરોપીઓને મદદ કરવા સબંધિત NDPS એક્ટની કલમ 27-A નો પણ સમાવેશ થાય છે. જે હેઠળ 10 થી 20 વર્ષ સુધીની જેલની સજા થઇ શકે છે. ઉપરાંત, એજન્સીએ ગત માર્ચમાં દાખલ કરેલી ચાર્જશીટમાં આરોપીઓ સામે લગાવેલા આરોપો યથાવત રાખ્યા છે.
એનસીબીએ ચાર્જશીટ ફાઈલ કરતા આરોપ લગાવ્યો હતો કે રિયા અને સુશાંતના ઘરે કામ કરનારાઓમાંથી કેટલાકે સુશાંતને ડ્રગ્સ પહોંચાડવામાં મદદ કરી હતી. એજન્સીએ આ સાથે સબૂત તરીકે વોટ્સએપ ચેટ અને 160 સાક્ષીઓનાં નિવેદનો પણ જોડ્યાં છે. ચાર્જશીટ 33 આરોપીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવી હતી, જે બાદ અન્ય બેની ધરપકડ થતા આરોપીઓનો આંકડો 35 પર પહોંચ્યો છે.
સરપાંડેએ જણાવ્યું કે કોર્ટ આરોપીઓ વિરુદ્ધ આરોપ નક્કી કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી હતી પરંતુ કેટલાક આરોપીઓએ ડિસ્ચાર્જ એપ્લિકેશન દાખલ કરી હોવાના કારણે તેમ થઇ શક્યું નથી. કોર્ટે કહ્યું છે કે આ અરજીઓ પર નિર્ણય થયા બાદ જ આરોપો નક્કી કરવામાં આવશે. બુધવારે સુનાવણી દરમિયાન રિયા, શૌવિક સહિત તમામ આરોપીઓ કોર્ટમાં હાજર રહ્યા હતા.
આ કેસની સુનાવણી કરતી સ્પેશિયલ કોર્ટે મામલાની સુનાવણી 12 જુલાઈ સુધી ટાળી દીધી છે. આગામી સુનાવણી 12 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.
રિયા ચક્રવર્તીની ધરપકડ સપ્ટેમ્બર 2020 માં કરવામાં આવી હતી. જોકે, ધરપકડના એક મહિના બાદ બૉમ્બે હાઇકોર્ટે તેને જામીન પર મુક્ત કરી હતી. રિયા સાથે તેના ભાઈ શૌવિક ચક્રવર્તી સહિત લગભગ 35 લોકો આ કેસમાં આરોપી બન્યા છે. જેમાંથી મોટાભાગના હાલ જામીન પર છે. આ તમામ વિરુદ્ધ ડ્રગ્સના સેવન અને ખરીદીનો આરોપ લાગ્યો છે.
ઉલ્લેખનીય છે કે 14 જૂન, 2020 ના રોજ બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત તેમના બાંદ્રા સ્થિત ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઘરેથી લટકેલી હાલતમાં મૃતદેહ મળી આવતા શરૂઆતમાં સુશાંતે આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવતું હતું પરંતુ ત્યારબાદ તેની હત્યાના એંગલથી પણ તપાસ શરૂ કરવામાં આવી હતી અને જે બાદ ડ્રગ્સનો એંગલ પણ સામે આવતા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ પણ તપાસ શરૂ કરી હતી. જ્યારે સુશાંત મૃત્યુ કેસ મામલે તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે.